×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સિરપ પીવાથી 18 બાળકોના મોત… વધુ એક દેશે ભારતીય દવા કંપની પર લગાવ્યો આરોપ

નવી દિલ્હી, તા.28 ડિસેમ્બર-2022, બુધવાર

ગામ્બિયામાં 66 બાળકોના મોતની ઘટના બાદ હવે ઉઝબેકિસ્તાને પણ તેના દેશમાં બાળકોના મૃત્યુ થવા પાછળ ભારતીય દવા કંપનીને જવાબદાર ઠેરવી છે. ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે આરોપ લગાવ્યો છે કે, એક ભારતીય દવા કંપની દ્વારા બનાવાયેલી દવાઓ ખાવાથી દેશમાં 18 બાળકોના મોત નિપજ્યા છે. નિવેદનમાં મંત્રાલયે કહ્યું કે, ઉઝબેકિસ્તાનમાં વર્ષ 2012માં Marion Biotech pvt Ltdનું રજીસ્ટેશન થયું હતું. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના સૂત્રોએ કહ્યું કે, આ કંપની દ્વારા ઉત્પાદિત 'ડૉક-1 મૈક્સ' સિરપ હાલમાં ભારતીય બજારમાં વેચવામાં આવી રહી નથી.

ભારતમાં બનાવાયેલી સિરપ પીવાથી ગામ્બિયામાં 66 બાળકના મોત થયા હતા

ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબરમાં ગામ્બિયાએ આરોપ લગાવ્યો હતો કે, ભારતમાં બનાવાયેલી સિરપથી તેના દેશમાં 66 બાળકો બાળકોના મૃત્યુ નિપજ્યા છે. જોકે ભારતીય કફ સિરપના કારણે બાળકોન મૃત્યુ નિપજ્યા હોવાની વાતની હજુ સુધુ પુષ્ટી થઈ નથી. આ ઘટનાને ગંભીરતાથી લેતા કેન્દ્ર સરકારે તપાસ માટે એક કમિટીની રચના કરી હતી. સ્ટેન્ડિંગ નેશનલ કમિટી ઓન મેડિસિનના વાઈસ ચેરમેન ડૉ.વાઈ.કે.ગુપ્તાની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવી. જ્યાં સુધી તપાસ રિપોર્ટ ન આવે ત્યા સુધી કંપનીનું પ્રોડક્શન બંધ કરાયું હતું. ત્યારબાદ જ્યાં સિરપનું પ્રોડક્શન ચાલતું હતું તે જગ્યા પર 1, 3, 6 અને 11 ઓક્ટોબરે નિરિક્ષણ કર્યું હતું અને અહીંથી સેમ્પલો મેળવી ચંડીગઢની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

નેપાળે પણ 16 ભારતીય દવા કંપનીઓ લગાવ્યો પ્રતિબંધ

નેપાળે પણ તાજેતરમાં 16 ભારતીય કંપનીઓ પાસેથી દવાઓની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આફ્રિકી દેશોમાં ખાંસી માટેની સિરપથી બાળકોના થયેલા મૃત્યુ બાદ WHOએ આની સાથે જોડાયેલી દવાઓને લઈને ચેતવણી બહાર પાડી હતી. WHOના એલર્ટ બાદ નેપાળે 16 ભારતીય કંપનીઓ પાસેથી દવાઓની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. નેપાળ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીએ બહાર પાડેલી યાદીમાં ભારતની ઘણી મોટી દવા કંપનીઓનો સમાવેશ થતો હતો. 

નેપાળ દ્વારા બહાર પડાયેલ પ્રતિબંધિત ભારતીય દવા કંપનીઓની યાદીમાં રેડિયન્ટ પેરેન્ટેરલ્સ લિમિટેડ, મરકરી લેબોરેટરીઝ લિમિટેડ, એલાયન્સ બાયોટેક, કૈપટૈબ બાયોટેક, એગ્લોમેડ લિમિટેડ, ઝી લેબોરેટરીઝ લિમિટેડ, ડૈફોડિલ્સ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, જીએલએસ ફાર્મા લિમિટેડ, યૂનિજૂલ્સ લાઇફ સાયન્સ લિમિટેડ, કોન્સેપ્ટ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. ઉપરાંત આનંદ લાઈફ સાયન્સ લિમિટેડ, આઈપીસીએ લેબોરેટરીઝ લિમિટેડ, કેડિલા હેલ્થકેર લિમિટેડ, ડાયલ ફાર્માસ્યુટિકલ્સ, એગ્લોમેડ લિમિટેડ અને મૈકુર લેબોરેટરીઝ લિમિટેડ જેવી મોટી કંપનીઓ પણ પ્રતિબંધની યાદીમાં સામેલ છે. આ કંપનીઓ WHOના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે નેપાળમાં આ કંપનીઓની દવા પર પ્રતિબંધ મુકાયો છે.

નેપાળે પ્રતિબંધ કેમ મુક્યો ?

વિભાગના પ્રવક્તા સંતોષ કેસીએ કહ્યું કે, દવા કંપનીઓની ઉત્પાદન સુવિધાઓનું નિરીક્ષણ કર્યા બાદ, જે કંપનીઓએ અમારા દેશમાં નિકાસ કરવા માટે અરજી કરી હતી. અમે એવી કંપનીઓની યાદી જાહેર કરી છે, જે WHO ધોરણોનું પાલન કરતી નથી.