×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં કોરોનાની લહેર આવવાને લઈને નિષ્ણાતોનું મોટું નિવેદન, કહ્યું આગામી 40 દિવસો મહત્વના

નવી દિલ્હી, તા.28 ડિસેમ્બર-2022, બુધવાર

ચીનમાં કોરોના વાયરસની નવી લહેરથી હાહાકાર મચાવી રહી છે, ત્યારે ભારત માટે પણ ચિંતાના અહેવાલો સામે આવ્યા છે. સત્તાવાર સૂત્રોનું માનીએ તો આગામી 40 દિવસ ભારત માટે ખતરારૂપ હોઈ શકે છે, કારણ કે જાન્યુઆરીમાં કોરોના કેસોમાં વધારો જોવા મળી શકે છે. અગાઉના વલણને ધ્યાને ભારતમાં ફરી કોરોના કેસોમાં વધારાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અગાઉ ઈસ્ટ એશિયામાં સંક્રમણ ફેલાયાના 30થી 35 દિવસ બાદ ભારતમાં કોરોનાની નવી લહેર પહોંચી હતી. તેથી આ એક ટ્રેન્ડ બની ગયું છે, જેના આધાર પર જ આ દાવો કરવામાં આવી રહ્યો છે.

નવા વેરિઅન્ટથી સંક્રમિત 1 વ્યક્તિ 16 લોકોને સંક્રમિત કરી શકે છે

આરોગ્ય મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું કે, ચીનમાં આવેલા કોરોના લહેરનું કારણ ઓમિક્રોનનું સબ વેરિઅન્ટ બીએફ7 છે. આ સબ વેરિઅન્ટ ઝડપથી સંક્રણ ફેલાવે છે અને આ વેરિઅન્ટથી સંક્રમિત 1 વ્યક્તિ 16 લોકોને સંક્રમિત કરી શકે છે. જોકે આરોગ્ય મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, કોરોનાનું સંક્રણ આ વખતે લોકો માટે વધુ ગંભીર નથી. જો કોરોનાની કોઈ લહેર આવે છે તો દર્દીઓના મૃત્યુ અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ખુબ ઓછી હશે. 

39 વિદેશી પ્રવાસીઓ કોરોના પોઝિટિવ

પાછલા 2થી 3 દિવસ દરમિયાન 6 હજાર વિદેશી પ્રવાસીઓની તપાસ કરવામાં આવી છે, જેમાં 39 વિદેશી પ્રવાસીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જેને ધ્યાને રાખી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે દિલ્હી એરપોર્ટ પહોંચી જાણકારી મેળવશે.

બુધવારે ભારતમાં કેટલા કેસ નોંધાયા ?

આરોગ્ય વિભાગ દ્વારા જારી કાયેલા આંકડા અનુસાર, બુધવારે ભારતમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા વધીને 3 હજાર 468 થઈ છે. હાલમાં ભારતમાં દૈનિક પોઝિટિવિટી દર 0.14 ટકા છે, જ્યારે સાપ્તાહિક 0.18 ટકા છે.

ભારત પર નવી લહેરની અસર કેટલી હશે ? જાણો નિષ્ણાતો શું કહે છે

કેલિફોર્નિયામાં આવેલ સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા મુજબ, ચીનમાં હોબાળો મચાવનાર બીએફ7 વેરિઅન્ટ ફેબ્રુઆરી-2021 બાદ 90 દેશોમાં જોવા મળ્યો છે. આ વેરિઅન્ટ ઓમિક્રોનના બીએ5 સબ વેરિઅન્ટ ગ્રૂપનો એક ભાગ છે. નિષ્ણાતોનું માનવું છે કે, ભારતની મોટાભાગની વસ્તી ડબલ રોગપ્રતિકારક શક્તિ ધરાવતું હોવાથી હાલ ચીનમાં ફેલાયેલા નવા વેરિઅન્ટની અસર ભારત પર વધુ જોવા નહીં મળે. ડબલ એટલે કે એક કુદરતી રોગપ્રતિકારક શક્તિ અને બીજી રસીનો ડોઝ લીધા બાદ લોકોના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ બની ગઈ છે.