×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ત્રણ મહિનામાં ચીનમાં અડધાથી વધુ વસતી કોરોનાની ઝપેટમાં આવશે


- જાપાન, દ.કોરીયા અને અમેરિકામાં કોરોનાએ ફરી માથુ ઉંચક્યું 

- ચીનમાં હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ ખૂટી પડયા, મૃતદેહોની અંતિમક્રિયા માટે લાંબી લાઈનો લાગી : ઓમિક્રોનના વેરીઅન્ટ જીવલેણ બન્યા

- અચાનક કોરોના પ્રતિબંધો ઉઠાવ્યા પછી સ્થિતિ કથળી  ચીને કોરોનાથી મોતના આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું

- જેને મરવું હોય એને મરવા દો, ઉત્પાદન ફરી શરૂ કરો જેવું તંત્રનું વલણ હોવાનો દાવો

બેઈજિંગ : કોરોના વાઈરસ ફેલાયાના ત્રણ વર્ષે દુનિયા મહામારીમાંથી બેઠી થઈને સામાન્ય જનજીવ તરફ વળી રહી છે એવામાં ફરી એક વખત ચીનમાંથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ચીનમાં કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપ્યા પછી કોરોના વાઈરસના કેસોમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. મહામારીના કારણે ચીનમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે. હોસ્પિટલોમાં દર્દીઓને સમાવવા માટે બેડ ખૂટી પડયા છે. મૃતદેહોના ઢગ ખડકાઈ રહ્યા છેે. એટલું જ નહીં નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે માત્ર આગામી ૯૦ દિવસમાં ચીનની ૬૦ ટકાથી વધુ અને દુનિયાની ૧૦ ટકા વસતી કોરોનાની ઝપેટમાં આવી જશે તેવી આશંકા છે અને લાખો લોકોના મોત થઈ શકે છે.

વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ મુજબ કોરોના સંક્રમિત શબોની સંખ્યામાં અચાનક વધારો થયો છે, કારણ કે ચીનની રાજધાની બેઈંજગમાં તિવ્ર ગતિએ વાઈરસ ફેલાઈ રહ્યો છે. ચીનમાં ઓમિક્રોન વાઈરસના પેટા વેરિઅન્ટે વિનાશ વેર્યો છે. લોકોના આકરા વિરોધના કારણે તંત્રે કોરોના પ્રતિબંધોમાં અચાનક ઢીલ આપી દેવાથી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. 

જાણિતા એપિડેમોલોજિસ્ટ એરિક ફીગલ-ડિંગેએ કહ્યું છે કે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીએ વધતા દર્દીઓના કારણે ત્યાં સુધી કહી દીધું છે કે 'જેને પણ સંક્રમિત થવાનું છે, તેમને સંક્રમિત થવા દો, જેને મરવાની જરૂર છે, તેને મરવા દો.' દુનિયામાં ૧.૪ અબજની સૌથી વધુ વસતી ધરાવતા ચીનમાં તંત્ર વૃદ્ધોમાં રસીકરણ વધારવામાં નિષ્ફળ ગયું છે. તેથી દેશની હોસ્પિટલોમાં ઈન્ટેન્સિવ કેરની ક્ષમતા તિવ્ર ઘટાડો થયો છે. આગામી સમયમાં ચીનમાં વૃદ્ધોના મોતની સંખ્યામાં અસાધારણ વૃદ્ધિ થઈ શકે છે.   

સ્વાસ્થ્ય નિષ્ણાતોએ એવો પણ દાવો કર્યો છે કે હવે ચીનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક દિવસથી પણ ઓછા સમયમાં બણી થઈ શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ ૧૯થી ૨૩ નવેમ્બર વચ્ચે એક દિવસમાં કોરોનાથી ચારનાં મોતની જાહેરાત બાદથી ચીને બેઈજિંગમાં કોરોનાથી મોતના કોઈ આંકડા જાહેર કર્યા નથી. ફિગલ-ડિંગના જણાવ્યા મુજબ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)એ નિર્ણય કર્યો છે કે જે લોકોને મરવું હોય તેને મરવા દો, જેમને હોસ્પિટલમાં જવું હોય તેમને જવા દો, પણ ઉત્પાદન ફરી શરૂ કરો.

ચીનની રાજધાની બેઈજિંગમાં કામ કરનારા લોકોને ટાંકીને દાવો કરાયો છે કે દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં અગ્નિદાહ અને અન્ય અંત્યેષ્ટી સંબંધિત સેવાઓની વિનંતીઓમાં તિવ્ર ઊછાળો આવ્યો છે. શબોના અંતિમ સંસ્કાર સાથે સંકળાયેલી એક મહિલાએ ફોન પર કહ્યું કે, કોરોનાએ ફરીથી માથું ઊંચક્યા પછી કામ ઘણું વધી ગયું છે. એટલા બધા મૃતદેહો આવી રહ્યા છે કે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી કામ ચાલે છે. દરરોજ અંદાજે ૨૦૦ મૃતદેહ આવે છે. 

ચીનના એક ટોચના સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે, આ શિયાળામાં ચીન કોરોના-૧૯ની ત્રણ સંભવિત લહેરોમાંથી પહેલી લહેરનો સામનો કરી રહ્યું છે. મહામારી વિજ્ઞાાનીએ કહ્યું કે તેનું માનવું છે કે સંક્રમણ દરમાં વર્તમાન વધારો જાન્યુઆરીના મધ્ય સુધી ચાલશે જ્યારે બીજી લહેર જાન્યુઆરીના અંત સુધીમાં તીવ્ર થવાની સંભાવના છે. જૂન્યોએ કહ્યું કે, કોરોના વાઈરસના કેસોમાં ત્રીજો ઊછાળ ફેબુ્રઆરીના અંતથી માર્ચના મધ્ય સુધી ચાલશે, કારણ કે લોકો રજા પસાર કર્યા પછી કામ પર પાછા ફરશે.

દરમિયાન જાપાનમાં પણ કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે. કોરોના મહામારીના ડેટા એકત્ર કરતી વેબસાઈટ વર્લ્ડ-ઓ-મીટરના અહેવાલ મુજબ જાપાનમાં મંગળવારે એક જ દિવસમાં ૧.૮૫ લાખથી વધુ કેસો સામે આવ્યા હતા. એ જ રીતે દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના ૮૭,૫૫૯ કેસ નોંધાયા છે. જોકે, આ દેશોમાં કોરોનાથી થતા મોતની સંખ્યા ઘણી ઓછી છે. જાપાનમાં ૨૩૧ જ્યારે દક્ષિણ કોરિયામાં ૫૬નાં મોત નીપજ્યાં છે.

દુનિયામાં કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકાર એલર્ટ

પોઝિટિવ રિપોર્ટ જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવા રાજ્યોને કેન્દ્રનો નિર્દેશ

- દેશમાં કોરોનાના નવા 112કેસ, એક્ટિવ કેસ ઘટીને 3,490 થયા : સ્વાસ્થ્ય મંત્રાલય

ચીન, જાપાન, દક્ષિણ કોરિયા સહિત કેટલાક દેશોમાં કોરોના મહામારીએ માથું ઊંચકતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આવા સમયમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી કોરોનાનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે. મંત્રાલયે બધા જ રાજ્યોને કોરોનાના પોઝિટિવ રિપોર્ટને જિનોમ સિક્વેન્સિંગ માટે લેબોરેટરીમાં મોકલવા નિર્દેશ આપ્યા છે. 

દુનિયામાં ફરી એક વખત સાપ્તાહિક સ્તરે કોરનાના ૩૫ લાખથી વધુ કેસ સામે આવ્યા છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બુધવારે સવારે દેશમાં મહામારીની સ્થિતિની સમીક્ષા કરશે. આ સિવાય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ પર નજર રાખવા માટે પોઝિટિવ કેસોના સંપૂર્ણ જિનોમ અનુક્રમણને વધારવા આગ્રહ કરાયો હતો.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે આ પ્રકારની કવાયત દેશમાં ચાલી રહેલા નવા વેરિઅન્ટની સમયસર જાણ થઈ શકશે તથા જરૂરી જાહેર સ્વાસ્થ્ય ઉપાયોની સુવિધા પૂરી પાડશે. રાજેશ ભૂષણે ફરી એક વખત ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોરોના સંબંધિત વ્યવહારનું પાલન કરવાની રણનીતિ પર ધ્યાન આપવાની સાથે ભારત કોરોના મહામારીનો પ્રસાર રોકવામાં સફળ થયું છે અને દેશમાં સાપ્તાહિક અંદાજે ૧,૨૦૦ કેસ સામે આવ્યા છે. દેશમાં મંગળવારે કોરોનાના ૧૧૨ નવા કેસ નોંધાયા હતા. આ સાથે એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૩,૪૯૦ થયો હતો. દેશમાં મંગળવારે કોરોનાથી ત્રણનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૫,૩૦,૬૭૭ થયો હતો.

દુનિયામાં કોરોનાના સાપ્તાહિક આંકડા

દેશ

સાપ્તાહિક

સાપ્તાહિક

-

કેસ

મોત

જાપાન

૧૦.૫૫ લાખ

૧૬૭૦

દ. કોરિયા

૪.૬૦ લાખ

૩૩૫

ફ્રાન્સ

૪.૩૭ લાખ

૭૪૭

બ્રાઝિલ

૨.૮૪ લાખ

૯૭૩

અમેરિકા

૨.૫૯ લાખ

૧૪૧૬

જર્મની

૨.૨૩ લાખ

૮૬૮

હોંગકોંગ

૧.૦૮ લાખ

૨૨૬

તાઈવાન

૧.૦૭ લાખ

૨૦૩