×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પાકિસ્તાની સેનાએ 50 કલાક બાદ લશ્કરી અધિકારીઓને છોડાવ્યા, 33 આતંકી ઠાર, બે જવાનોના મોત

Image - Pixabay

ઈસ્લામાબાદ, તા.20 ડિસેમ્બર-2022, મંગળવાર

પાકિસ્તાની સેનાએ બન્નૂમાં લશ્કરી અધિકારીઓને છોડાવવા માટે મોટી સૈન્ય કાર્યવાહી કરી છે. ખૈબર પખ્તૂનખવામાં આવેલ બન્નૂ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (CTD)માં પાકિસ્તાની સેનાના હુમલામાં 33 આતંકવાદીઓ ઠાર થયા છે. આ સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપમાં બે કમાન્ડો પણ માર્યા ગયા છે.આ સાથે જ પાકિસ્તાની સેનાએ CTDમાં બંધક તમામ અધિકારીઓને છોડાવી દીધા છે.

ઘટના સ્થળે ધુમાળાના ગોટા જોવા મળ્યા

પાકિસ્તાની સેનાની કાર્યવાહી બાદ અહીં ધુમાળાઓના ગોટા જોવા મળ્યા હતા. પાકિસ્તાનની સેનાએ તહરીક-એ-તાલિબાન-પાકિસ્તાન (TTP) દ્વારા બંધક બનાવાયેલા પોતાના અધિકારીઓને છોડાવવા માટે બે દિવસ સુધી વાર્તા કરી હતી. જોકે તેમાં કોઈ સમાધાન થયું ન હતું. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ TTP પાસે બંધક પોતાના લશ્કરી અધિકારીઓને છોડાવવા માટે બન્નૂના કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર પર લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી.

પાકિસ્તાની સેનાના બે કમાન્ડોના મોત

તાજેતરના અહેવાલો મુજબ પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કાર્યવાહીમાં TTPના તમામ આતંકવાદીઓને ઠાર કરાયા છે, જ્યારે પાકિસ્તાની સેનાના સ્પેશિયલ ગ્રૂપના બે કમાન્ડોના પણ મૃત્યુ થયા છે.

TTPના આતંકવાદીએ છીનવી લીધી AK-47

દરમિયાન બન્નૂમાં આ સ્થિતિ ત્યારે સર્જાઈ, જ્યારે રવિવારે પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ટીટીપીના એક કાર્યકર સાથે પુછપરછ કરી રહ્યા હતા. આ પુછપરછ બન્નૂ છાવણીમાં કરવામાં આવી રહી હતી. આ દરમિયાન ટીટીપીના સભ્યએ પોતાની પૂછપરછ કરનારાઓ પર હુમલો કર્યો અને એક AK-47 છીનવી ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું.

TTPના સભ્યએ ઘણા આતંકીઓને છોડાવ્યા

TTPના આ સભ્યએ આ હથિયારથી ઘણા આતંકવાદીઓને છોડાવ્યા, ત્યારબાદ આ TTPના કાર્યકરોએ આખા કમ્પાઉન્ડ પર કબજો કરી લીધો હતો. આ આતંકવાદીઓએ ઘણા સેના અને પોલીસ અધિકારીઓને પણ બંધક બનાવી દીધા હતા. આ દરમિયાન પાકિસ્તાન પોલીસના કેટલાક અધિકારીઓ પણ માર્યા ગયા છે.

બંધકોને છોડાવવામાં નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાને કાર્યવાહી કરવી પડી

પાકિસ્તાન પોતાના બંધક અધિકારીઓને છોડાવવામાં હાંફી ગઈ હતી. આ માટે પાકિસ્તાને ટીટીપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવી પડી હતી. પાકિસ્તાનમાં ટીવી પર જોવા મળેલી તસવીરોમાં બન્નૂ સ્થિત સીટીડી સેન્ટરમાંથી ધુમાળા જોવા મળી રહ્યા છે. ઘટના સ્થળે સતત ગોળીબાર થયો હતો અને બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા.

તમામ આતંકીઓ ઠાર કર્યા હોવાનો પાકિસ્તાની સેનાનો દાવો

તાજેતરની જાણકારી મુજબ પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસ ગ્રૂપે બન્નૂ સ્થિત કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર પર હુમલો કરી દીધો છે. પાકિસ્તાની સેનાનો દાવો છે કે, ઓપરેશનમાં ટીટીપીના તમામ આતંકવાદીઓ ઠાર કરાયા છે. હાલ પાકિસ્તાની સેના આખા વિસ્તારની તપાસ કરી રહ્યા છે.

દરમિયાન બન્નુમાં બે દિવસથી પરિસ્થિતિ તંગ બની હતી. આ વિસ્તારને પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ CDT સંકુલને ચારેય દિશામાંથી ઘેરી લીધું હતું અને રહેવાસીઓને ઘરની અંદર રહેવા કહેવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે બન્નુ જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો ઓપરેશનને અંજામ આપવા માટે બંધ રખાઈ હતી. એટલું જ નહીં અહીં આસપાસના વિસ્તારોમાં મોબાઈલ સેવાઓ પણ બંધ કરી દેવાઈ હતી.

TTPએ કરી હતી મોટી માંગ

TTP સભ્યોની માંગ કરી હતી કે, પાકિસ્તાન TTPના કેદીઓને અફઘાનિસ્તાનમાં મોકલવા સલામત માર્ગ પૂરો પાડે... TTPના પ્રવક્તા મુહમ્મદ ખુરાસાનીએ સોમવારે કહ્યું હતું કે, સુરક્ષા અધિકારીઓ દ્વારા સીટીડી પોલીસ સ્ટેશનમાં તેમના કેદીઓ સાથે અમાનવીય વર્તનના અહેવાલોને પગલે તેઓએ આ સેન્ટર પર કબજો કર્યો હતો.