×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદના આ ક્રિકેટરે આજના દિવસે જ વર્ષ 1959માં બનાવ્યો હતો અનોખો રેકોર્ડ

IMAGE : Internet












અમદાવાદ, 20 ડિસેમ્બર 2022, મંગળવાર

ક્રિકેટમાં રોજ રેકોર્ડ બને છે અને તુટે છે પણ ઘણા રેકોર્ડ એવા પણ હતા જેને તોડવા માટે વર્ષો લાગી ગયા હતા. ટેસ્ટ ક્રિકેટમાં અસંખ્ય રેકોર્ડ બન્યા છે અને તુટ્યા છે. આવો જ કંઈક રેકોર્ડ અમદાવાદના ક્રિકેટરે બનાવ્યો હતો જેને તોડવા માટે લગભગ 4 દશક જેટલો સમય લાગી ગયો હતો. આ રેકોર્ડ હતો ટેસ્ટની એક જ ઈનિગ્સમાં સૌથી વધુ વિકેટ લેવાનો જે અમદાવાદના ઓફ સ્પિનર જસુભાઈ પટેલે બનાવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ ભૂતપૂર્વ લેગ-સ્પિનર ​​અનિલ કુંબલેએ લીધી છે. કુંબલેએ વર્ષ 1999માં તેણે દિલ્હી ટેસ્ટમાં પાકિસ્તાન સામેની ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. કુંબલે પહેલા ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અમદાવાદના ક્રિકેટર જસુભાઈ પટેલના નામે હતો. આજના દિવસે જ વર્ષ1959માં જસુભાઈ પટેલે ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન એક દાવમાં નવ વિકેટ લઈને રેકોર્ડ સ્થાપિત કર્યો હતો.

જસુભાઈ પટેલની સામે કાંગારૂ ઘુટણીયે પડી ગયુ હતું
ભારત અને ઓસ્ટ્રેલિયાન વચ્ચે કાનપુર ટેસ્ટમાં આ રેકોર્ડ નોંધાયો હતો.  ભારતીય ટીમના તે સમયના કેપ્ટન ગુલાબરાય રામચંદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને સમગ્ર ટીમ માત્ર 152 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની રિચી બેનૉડની કપ્તાનીમાં ટીમ જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે ભારતને મેચમાં ખરાબ રીતે પાછળ રહેવાનો ખતરો હતો, પરંતુ જસુભાઈ પટેલે આવું થવા ન દીધું. તેણે ઓસ્ટ્રેલિયના 10માંથી 9 બેટ્સમેનોને આઉટ કર્યા હતા અને કંગારુ  ટીમ 219 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. જસુભાઈ પટેલ એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લેવાથી માત્ર એક વિકેટથી ચુકી ગયા હતા. આ એક વિકેટ સ્પિનર ​​ચંદુ બોર્ડેએ પોતાના નામે કરી હતી.

મેચમાં પાછળ હોવા છતાં ભારતે જીત નોંધાવી હતી
જસુભાઈ પટેલની મહેનત રંગ લાવી અને ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવના આધારે માત્ર 62 રનની લીડ લઈ શક્યું. આ પછી, બીજી ઇનિંગમાં, ભારતે નારી કોન્ટ્રાક્ટરના 74 રન અને રામનાથ કેનીના 51 રનના આધારે બોર્ડ પર 291 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કાંગારૂ ટીમ તેના બીજા દાવમાં માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ભારતે આ મેચ 119 રને જીતી લીધી હતી. જસુભાઈ પટેલે બીજા દાવમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. અમદાવાદના આ ક્રિકેટરે તે મેચમાં કુલ 14 વિકેટ લીધી હતી.

કપિલ દેવે પણ બરાબરી કરી હતી
જસુભાઈ પટેલના એક વર્ષ પહેલા મધ્યમ ઝડપી બોલર સુભાષ ગુપ્તેએ પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચની એક ઈનિંગમાં નવ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત વર્ષ 1983માં અમદાવાદ ટેસ્ટ દરમિયાન કપિલ દેવે પણ એક ઇનિંગમાં નવ વિકેટ ઝડપીને આ રેકોર્ડની બરાબરી કરી હતી, પરંતુ અનિલ કુંબલેએ વર્ષ 1999માં આ રેકોર્ડ તોડ્યો હતો. આ રેકોર્ડને તુટતા 40 વર્ષ લાગ્યા હતા.