×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

…તો BCCIએ ચુકવવા પડશે 900 કરોડ : ભારતમાં વર્લ્ડકપ-2023 પહેલા સંકટ

Image by - ICC-BCCI Twitter

નવી દિલ્હી, તા.17 ડિસેમ્બર-2022, શનિવાર

2023નું વર્ષ નજીક આવી રહ્યું છે અને આ વર્ષના અંતમાં ભારતમાં વન-ડે વર્લ્ડકપ યોજાવાનો છે, જોકે તે પહેલા ભારતની વર્લ્ડકપ યજમાની પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. ટેક્સ વિવાદને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સામ-સામે આવી ગઈ છે અને બંને વચ્ચેનો આ વિવાદ ભારત પાસેથી વર્લ્ડકપની યજમાની પણ છિનવી શકે છે.

BCCI ટેક્સમાં રાહતની વ્યવસ્થા કરે : ICC

મીડિયા અહેવાલો અનુસાર ICC દ્વારા BCCIને સ્પષ્ટ કહેવાયું છે કે, તે વન-ડે વર્લ્ડકપ 2023ના આયોજન માટે ભારત સરકાર પાસેથી ટેક્સમાં રાહતની વ્યવસ્થા કરે. જોકે આમ થવું અશક્ય છે, કારણ કે ભારત સરકાર કોઈપણ પ્રકારના ઈવેન્ટમાં આ પ્રકારની છૂટછાટ આપતી નથી.

ICC-BCCI વચ્ચે 2016માં પણ થયો  હતો ટેક્સ વિવાદ

જ્યારે વર્ષ 2016માં ટી20 વર્લ્ડકપની યજમાની ભારત પાસે હતી ત્યારે પણ આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે આવો વિવાદ થયો હતો. તે વખતે BCCI ભારત સરકાર પાસેથી ICCને ટેક્સમાં રાહત અપાવી શક્યું નહોતું અને છેવટે ICCને BCCIએ તેના શેરના 190 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા. જોકે 2016 બાદ આવી સ્થિતિ હવે જોવા મળી રહી છે.

તો BCCIએ ચુકવવા પડશે 900 કરોડ

ICCની નીતિ અનુસાર, ICC ઇવેન્ટનું આયોજન કરનાર દેશે પોતાની સરકાર સાથે વાતચીત કરી ટેક્સમાં રાહતની વ્યવસ્થા કરવાની હોય છે. જો BCCI 2023માં યોજાનાર વન-ડે વર્લ્ડકપ માટે આમ નહીં કરે તો તેણે તેના શેરના 900 કરોડ રૂપિયા ICCને આપવા પડશે.

ICC વિરૂદ્ધ કોર્ટમાં જઈ શકે છે BCCI

અહેવાલોમાં દાવો કરાયો છે કે, ટેક્સમાં રાહતને લઈને બીસીસીઆઈ સહમત નથી. આવી સ્થિતિમાં આ પ્રકારની સ્થિતિ ઉભી થાય છે તો, બીસીસીઆઈ આઈસીસી વિરૂદ્ધ કોર્ટમાં જઈ શકે છે. આ ઉપરાંત ટેક્સનો મુદ્દે ઉકેલાશે નહીં અને આઈસીસીનો તેનો હિસ્સો નહીં મળે તો ICC યજમાની બદલવાનો પણ વિચાર કરી શકે છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈનો પ્રયાસ રહેશે કે આ વિવાદને વહેલી તકે ઉકેલવામાં આવે.