×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત જોડો યાત્રા સામે ભાજપ અભિયાન ચલાવે છે,દબાવમાં છે તે લોકો ચાલ્યા જાયઃ રાહુલ ગાંધી

image- congress twitter

જયપુર, 16 ડિસેમ્બર 2022, શુક્રવાર

આજે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના 100 દિવસ પુરા થયાં છે. ત્યારે રાહુલ ગાંધીએ જયપુરમાં આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ મહાત્મા ગાંધીની રાહ પર ચાલે છે. ભાજપ ભારત જોડો યાત્રા વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. કોંગ્રેસ વિચારધારાની પાર્ટી છે. જે લોકોને ભાજપનો દબાવ હોય તે લોકો ચાલ્યા જાય તો સારૂ રહેશે. રાજસ્થાનમાં ચાલી રહેલી સ્થિતિને લઈને તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ લોકતાંત્રિક પાર્ટી છે. જ્યાં નિવેદનબાજી ઓછી અને ચર્ચાઓ વધારે હોય છે. નેતાઓની નિવેદન બાજીથી પક્ષને નુકસાન ના થવું જોઈએ. જો આવું થાય તો અમે કાર્યવાહી કરીશુ.  કોંગ્રેસમાં લોકોને બોલવાની આઝાદી છે. અમે તેમને ડરાવીને ચૂપ નથી કરાવતા. 

સરકાર તવાંગ મુદ્દાને નજર અંદાજ કરી રહી છે.
રાહુલ ગાંધીએ હાલમાં ચાલી રહેલા ભારત અને ચીનના વિવાદ પર કહ્યું હતું કે, સરકાર તવાંગ મુદ્દાને નજર અંદાજ કરી રહી છે. વિદેશ મંત્રીએ પોતાની સમજણની ઠીક કરવી જોઈએ. ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. દેશની સરકાર ઊંઘી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે ચીને આપણી બે હજાર કિ.મી સ્કવેર જમીન પર કબજો કરી લીધો છે. આપણાં જવાનો શહિદ થયાં છે. તેઓ આપણા જવાનોને પીટી રહ્યાં છે. પરંતુ ચીન વિશે કોઈ કશું બોલવા જ તૈયાર નથી. સરકાર પણ આ મુદ્દાને નજર અંદાજ કરી રહી છે.

રાજસ્થાનમાં લોકોનો સારો પ્રતિભાવ મળ્યો
રાહુલ ગાંધીને રાજસ્થાનમાં 2023ની ચૂંટણી વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, હું કોંગ્રેસનો અધ્યક્ષ નથી આ સવાલ ખડગેને પુછો. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનમાં ચિરંજીવી યોજનાને લોકો સારી ગણાવી રહ્યાં છે. લોકો શહેરી રોજગાર ગેરંટીને પણ વખાણી રહ્યાં છે. અહીં કેટલાક લોકોએ વીજળી અને ફ્લોરાઈડની સમસ્યાઓ કહી છે. બાકી લોકોનો પ્રતિભાવ સારો મળી રહ્યો છે. 

મારા અને કોંગ્રેસ વિરૂદ્ધ એક અભિયાન ચાલી રહ્યું છે
તેમણે કહ્યું હતું કે ઉપરથી જ નફરતને ફેલાવવામાં આવે છે. બીજી દ્રષ્ટીએ જોઈએ તો તે પ્રેમ છે. તેમણે કહ્યું કે, સારા કામો સામે નથી આવતા. ચર્ચામાં માત્ર ચાર પાંચ લોકો જ રહે છે. નિશ્ચિત રૂપે મારા અને કોંગ્રેસ વિરૂદ્ધ એક અભિયાન ચાલી રહ્યું છે. જે ભાજપ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ એક વૈચારિક પાર્ટી છે જે ભાજપ સાથે ક્યારેય સમાધાન નહીં કરે. ભાજપને સામનો કરવાની હિંમત નથી. કોંગ્રેસ જ ભાજપને નીચે લઈ જશે. 

કોંગ્રેસ જ ભાજપને હરાવીને દેખાડશે
દેશમાં કોંગ્રેસની સ્થિતિને લઈને પૂછેલા સવાલમાં તેમણે કહ્યું હતું કે, ભાજપ અને RSSનું કામ જ આવું કરવાનું છે. આ તેમની રણનીતિ છે. જે તેમની તાકાત છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી સમાપ્ત થઈ ગઈ એ કહેવું ખોટું છે. કોંગ્રેસ ભાજપની સામે લડી રહી છે અને આગળ આવનારા સમયમાં હરાવીને બતાવશે. જે લોકો પાર્ટી છોડીને ભાજપમાં જાય છે તેઓ કોંગ્રેસમાં રહીને ભાજપ સામે લડી નથી શકતાં. તેઓ ભાજપની સાથે ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ જાય છે. આવા નેતાઓ પાર્ટી છોડીને જાય છે તો જાય.