×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મુકેશ અંબાણીએ દુબઈમાં રૂ. 1356 કરોડમાં ખરીદી સૌથી મોંઘી પ્રોપર્ટી

અમદાવાદ,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર

ભારતના અને એશિયાના બીજા સૌથી મોટા ધનકુબેર મુકેશ અંબાણી દેશના સૌથી મોટા મોંઘા ઘર-એન્ટાલિયામાં રહે છે. તાજેતરમાં જ દુબઈમાં તેમણે સૌથી મોટી પ્રોપર્ટી ડીલ કરી છે અને હવે મળતી માહિતી પ્રમાણે અંબાણીએ દુબઈના પોતાના અગાઉ જ સોદાથી વધુ એક મોટો સોદો કરીને સૌને ચોંકાવી દીધા છે. સિંગાપોરમાં બિઝનેસ ઓફિસ અને ભારતના સૌથી મોંઘા ઘર સાથે હવે દેશ બહાર લંડન અને દુબઈમાં પણ પોતાનું ઘર બનાવી રહ્યાં છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દુબઈમાં અત્યાર સુધીની સૌથી મોંઘી પ્રોપર્ટી ખરીદી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ અંબાણીએ આ પામ જુમેરાહ હવેલી ગત સપ્તાહે કુવૈતી ટાયકૂન મોહમ્મદ અલશાયાના પરિવાર પાસેથી લગભગ 163 મિલિયન ડોલર એટલેકે લગભગ 1356 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈ લેન્ડ ડિપાર્ટમેન્ટે ખરીદનારની ઓળખ સાર્વજનિક કર્યા વિના આ ડીલ વિશે માહિતી આપી છે. કુવૈત સ્થિત બિઝનેસ ગ્રુપ અલશાયા ગ્રૂપ પાસે સ્ટારબક્સ, એચએન્ડએમ અને વિક્ટોરિયા સિક્રેટ સહિતની રિટેલ બ્રાન્ડ્સ માટેની સ્થાનિક ફ્રેન્ચાઈઝી છે. બીજી તરફ મુકેશ અંબાણી ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન છે અને તેમની કુલ સંપત્તિ 84 અબજ ડોલર છે.

બ્લૂમબર્ગના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દુબઈમાં અંબાણીની નવી હવેલી તેમણે આ વર્ષની શરૂઆતમાં ખરીદેલા 80 મિલિયન ડોલરના ઘરથી થોડી જ અંતરે આવેલી છે. નોંધનીય છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ ગયા વર્ષે યુકેની પ્રતિષ્ઠિત કન્ટ્રી ક્લબ સ્ટોક પાર્ક ખરીદવા માટે 79 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. સાથે જ મુકેશ અંબાણી ન્યૂયોર્કમાં પણ પ્રોપર્ટી શોધી રહ્યાં છે.