×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેપ મામલે દોષિત ગુરમીત રામ રહીમના સત્સંગમાં હરિયાણા BJPના નેતાઓ હાજર રહ્યા


- રામ રહીમ પોતાના આશ્રમમાં બે મહિલા શિષ્યો સાથે દુષ્કર્મ કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે

નવી દિલ્હી, તા. 20 ઓક્ટોબર 2022, ગુરૂવાર

દુષ્કર્મ અને હત્યાના આરોપમાં 20 વર્ષની જેલની સજા પામેલા ધાર્મિક નેતા ગુરમીત રામ રહીમ સિંહે બુધવારે વર્ચ્યુઅલ 'સત્સંગ' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ સત્સંગમાં હરિયાણાના કરનાલના મેયર સહિત ઘણા રાજકારણીઓ અને સત્તાધારી ભાજપના ઘણા નેતાઓ મહેમાનોમાં સામેલ હતા. ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને 2017માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેના પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પગલે તેને ગયા અઠવાડિયે 40 દિવસ માટે પેરોલ આપવામાં આવી હતી. તેણે ઉત્તર પ્રદેશના બાગપતથી સત્સંગનું આયોજન કર્યું હતું.

આ અગાઉ ડેરા પ્રમુખ જૂનમાં એક મહિનાની પેરોલ પર જેલની બહાર આવ્યો હતો. આ અગાઉ તેને ફેબ્રુઆરીમાં 3 સપ્તાહની છૂટ્ટી આપવામાં આવી હતી. ભાજપના નેતાઓના કાર્યક્રમમાં ભાગ લેવા બદલ વિપક્ષે રામ રહીમ પર પ્રહારો કર્યા હતા. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે પ્રભાવશાળી આધ્યાત્મિક નેતાને આવતા મહિને હરિયાણામાં થનારી પેટાચૂંટણી અને પંચાયતની ચૂંટણીઓને પ્રભાવિત કરવા માટે પેરોલ આપવામાં આવ્યો છે.

સત્સંગમાં ભાગ લેનારા ભાજપના નેતાઓમાં કરનાલના મેયર રેણુ બાલા ગુપ્તા, ડેપ્યુટી મેયર નવીન કુમાર અને વરિષ્ઠ ડેપ્યુટી મેયર રાજેશ અગ્ગી ઉપરાંત ચૂંટણીની તૈયારી કરી રહેલા અન્ય ઘણા ઉમેદવારો સામેલ છે.

નવીન કુમારે કહ્યું કે, મને 'સાધ સંગત' વતી સત્સંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. યુપીથી ઓનલાઈન સત્સંગ કરવામાં આવ્યો હતો. મારા વોર્ડમાં ઘણા લોકો બાબા સાથે જોડાયેલા છે. અમે સામાજિક સબંધથી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેનો આગામી પેટાચૂંટણી અને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ ચૂંટણી જીતવા માટે રામ રહીમના આશીર્વાદ ઈચ્છે છે? ત્યારે નવીન કુમારે કહ્યું કે, ચૂંટણી કોણ જીતે છે તે માત્ર જનતા જ નક્કી કરે છે. લોકોના આશીર્વાદ મેળવવું મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું કે તમામ દોષિતોને પેરોલની વિનંતી કરવાનો અધિકાર છે અને રાજ્યમાં લાખો અનુયાયીઓ ધરાવતા ધાર્મિક નેતા માટે કોઈ અલગ વર્તન નથી. તેમણે કહ્યું કે, કદાચ એવું હોય શકે કે તેમણે દિવાળીના તહેવાર માટે પેરોલ લીધી હોય. આપણે તેની સરખામણી ચૂંટણી સાથે ન કરવી જોઈએ.

હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. રાજ્યના નવ જિલ્લામાં 9 અને 12 નવેમ્બરે પંચાયતની ચૂંટણી પણ યોજાશે.

રામ રહીમ સિરસા, જ્યાં ડેરાનું મુખ્યાલય આવેલું છે. ત્યાં પોતાના આશ્રમમાં બે મહિલા શિષ્યો સાથે દુષ્કર્મ કરવા બદલ 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે.