×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતોને બીજી દિવાળી ગિફ્ટ: ઘઉં સહિતના રવિ પાકની MSPમાં વધારો

અમદાવાદ, તા. 18 ઓક્ટોબર 2022,મંગળવાર

કેન્દ્ર સરકારે ખેડૂતોને દિવાળી પૂર્વે બીજી ગિફ્ટ આપી છે. સોમવારે કરોડો ખેડૂતોને કિસાન સન્માન નિધિનો હપ્તો આપ્યા બાદ આજે મંગળવારે કેન્દ્રીય કેબિનેટે રવિ પાકની MSP વધારવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક બાદ પ્રેસ બ્રીફિંગ કહ્યું કે કેબિનેટે ઘઉંના MSPમાં 110 રૂપિયા, જવમાં 100 રૂપિયા, ચણામાં 105 રૂપિયા, મસૂરની દાળમાં 500 રૂપિયા, સરસવમાં 400 રૂપિયા અને કુસુમમાં 209 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે ઘઉંની MSP 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જવની MSP 1735 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાની MSP 5335 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મસૂર રૂ. 6000 પ્રતિ ક્વિન્ટલ, સરસવ રૂ. 5450 અને કુસુમનો એમએસપી ભાવ વધીને રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલ થયો છે.

સૌથી વધુ મસૂરની MSP વધી :

કેબિનેટે મંગળવારે માર્કેટિંગ સત્ર 2023-24 માટે તમામ રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી હતી. કેબિનેટે મસૂર દાળના MSPમાં મહત્તમ વધારો કર્યો છે. મસૂરની MSP 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.

સોમવારે જ 16,000 કરોડ રીલિઝ કર્યા હતા

આ પહેલા સોમવારે સરકારે ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો જાહેર કર્યો. PMએ સોમવારે એક કાર્યક્રમમાં યોજનાના 12મા હપ્તાના 16,000 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. હવે 2000 રૂપિયા (PM કિસાનનો 12મો હપ્તો)નો હપ્તો દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ સાથે PM મોદીએ સોમવારે વન નેશન વન ફર્ટિલાઇઝર પહેલ પણ શરૂ કરી છે. આ સિવાય વડાપ્રધાન મોદીએ 600 પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું.