×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જ્ઞાનવાપીમાં શિવલિંગનું કાર્બન ડેટિંગની માગણી કોર્ટે ફગાવી


- જ્ઞાનવાપીમાં શિવલિંગ સાથે કોઇ જ છેડછાડ ન કરવા સુપ્રીમે આદેશ આપ્યો હતો

- કાર્બન ડેટિંગ કે અન્ય કોઇ પણ તપાસના આદેશ અપાયા તો સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે: વારાણસી કોર્ટ

- અમે વારાણસી કોર્ટના નિર્ણયથી ખુશ નથી, આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટમાં લઇ જવામાં આવશે: હિન્દુ અરજદારો

- જ્ઞાનવાપી કેસની હવે આગામી સુનાવણી ક્યાં મુદ્દાઓને લઇને શરૂ રાખવી તેનો નિર્ણય 17મી ઓક્ટોબરે લેવાશે

વારાણસી : ઉત્તર પ્રદેશના વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના વિવાદનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. હિન્દુ અરજદારોએ માગણી કરી હતી કે જ્ઞાનવાપી મસ્જિદમાંથી જે શિવલિંગ મળી આવ્યું છે તેનો કાર્બન ડેટિંગ ટેસ્ટ થવો જોઇએ. જોકે કોર્ટે શિવલિંગના કાર્બન ડેટિંગની માગણીને નકારી દીધી હતી. જેને પગલે હવે હિન્દુ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય લીધો છે. કોર્ટે કહ્યું હતું કે હાલ મસ્જિદની અંદર કોઇ પણ પ્રકારની તપાસ કરાવવાથી સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે માટે આ અરજીને નકારી દેવાઇ હતી.

હાલ જ્ઞાનવાપી મસ્જિદને લઇને અનેક અરજીઓ કોર્ટમાં પેન્ડિંગ છે. જેમાં એક અરજી કાર્બન ટેડિંગની માગને લઇને હતી, જેને નકારી દેવામાં આવી છે. હવે આ મામલે આગામી સુનાવણી ૧૭મી ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. તે સમયે કોર્ટ એ નક્કી કરશે કે આ મામલાની સુનાવણી આગળ કેમ ચલાવવી.

 જ્યારે મુસ્લિમ પક્ષના વકીલ રઇસ અંસારીએ કહ્યું હતું કે અમે સુનાવણી દરમિયાન કોર્ટમાં સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. એવામાં વારાણસી કોર્ટ દ્વારા જો કાર્બન ડેટિંગ વગેરેની અનુમતી આપવામાં આવે તો સુપ્રીમ કોર્ટના આ આદેશનું ઉલ્લંઘન થશે. મુસ્લિમ પક્ષકારની આ દલિલોને માન્ય રાખવામાં આવી હતી અને હિન્દુ પક્ષકારોની માગણીને નકારી દેવામાં આવી હતી. મુસ્લિમ પક્ષકારોએ એવો પણ દાવો કર્યો હતો કે જો અમને એક તક આપવામાં આવે તો અમે એ સાબિત કરી દઇશું કે આ એક ફુવારો છે. 

વારાણસી જિલ્લા કોર્ટના ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે જો શિવલિંગના કાર્બન ડેટિંગ અથવા અન્ય વૈજ્ઞાનિક પદ્ધતીથી તપાસ કરાવવામાં આવે તો તેનાથી શિવલિંગને નુકસાન પણ થઇ શકે છે. જે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું છે કે ૧૭મી મે ૨૦૨૨ના રોજ સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપીની અંદર મળી આવેલા કથિત શિવલિંગને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. એવામાં જો કાર્બન ડેટિંગ કે પછી ગ્રાઉંડ પેનેટ્રેટિંગ રડાર કરવા પર શિવલિંગને હાની પહોંચશે તો સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન થશે. આવુ થવાથી લોકોની ધાર્મિક લાગણીઓને પણ અસર થશે. 

જિલ્લા કોર્ટે એમ પણ કહ્યું હતું કે ૧૬મી મેએ મળી આવેલા કથિત શિવલિંગનો સમયગાળો, પ્રકૃતિ અને સંરચના વગેરેની જાણકારી મેળવવા માટે પુરાતત્વ સર્વેનો આદેશ આપવો પણ યોગ્ય નહીં રહે. ગયા વર્ષે પાંચ મહિલાઓએ વારાણસીની કોર્ટમાં એક અરજી કરી હતી જેમાં માગણી કરી હતી કે જ્ઞાનવાપી મસ્જિદની બાજુના શ્રૂંગાર ગૌરી મંદિરમાં દરરોજ પૂજા દર્શન કરવાની છૂટ આપવામાં આવે. હાલ કોર્ટે આ માગણી કરતી અરજીને સ્વિકારી લીધી છે પણ કોઇ અંતિમ ચુકાદો નથી આપ્યો. હવે આગામી ૧૭મી ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

કાર્બન ડેટિંગથી શિવલિંગ કેટલા વર્ષ જૂનુ છે તે જાણી શકાય

કાર્બન ડેટિંગ દ્વારા થતી ચકાસણી શું હોય છે તેને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. સાઇંટિફિક જર્નલ નેચરમાં પ્રકાશિત રિસર્ચ પેપર મુજબ વૃક્ષો કે પશુઓ તેમજ મૃત માનવીની વય અંગે જાણવા માટે કાર્બન ડેટિંગનો ઉપયોગ થતો હોય છે. નેચર પત્રિકા મુજબ દરેક  જીવીત ઓબ્જેક્ટ્સ પોતાની આસપાસના વાતાવરણમાંથી કાર્બન ગ્રહણ કરે છે. જેમાં રેડિયોએક્ટિવ કાર્બન ૧૪(સી-૧૪)નો પણ સમાવેશ થાય છે. આ પદ્ધતીથી મૃત્યુના ૫ હજાર વર્ષ બાદ પણ તેની વય જાણી શકાય છે. જ્યારે કોઇ જીવીત પ્રાણી કે જીવીત વસ્તુનુ મૃત્યુ થાય ત્યારે તે કાર્બન ગ્રહણ કરવાનું બંધ કરી દે છે પણ કેમ કે કાર્બન૧૪ રેડિયોએક્ટિવ કાર્બન હોવાથી થોડો હિસ્સો બચી જાય છે. તેથી શિવલિંગ છે કે ફુવારો છે તેની ચકાસણી માટે આ પદ્ધતીનો ઉપયોગ કરવાની માગ કરાઇ હતી.