×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી વિશે વાંધાજનક ટિપ્પણીનો મામલો: AAP નેતા ગોપાલ ઈટાલિયાની અટકાયત


- વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે અભદ્ર ભાષામાં નિવેદન આપવાનો એક વિડીયો વાયરલ થયો હતો

અમદાવાદ, તા. 13 ઓક્ટોબર 2022, ગુરૂવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં વધારો થયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને નોટિસ પાઠવી હતી. ઈટાલિયાને પાઠવવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, તેનાથી અમારા દેશની મહિલીઓનું અપમાન થયું છે. મહિલા આયોગે આપ નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ શબ્દોમાં પદનું સમ્માન ન જાળવવા, ખરાબ શબ્દોમાં કરેલી જાતિગત અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આ મામલે 13 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા છે. ઈટાલિયા હાજર થવા ગયા ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરાઈ છે.

મહિલા આયોગ સમક્ષ હાજર થયા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે અભદ્ર ભાષામાં નિવેદન આપવાનો એક વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયો અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાની દિલ્હી પોલીસે મહિલા આયોગની ઓફીસ ખાતેથી અટકાયત કરી છે. 

મહિલા આયોગે આપેલા સમન્સનો જવાબ આપવા મહિલા આયોગની ઓફીસે રૂબરૂ હાજર રહેલા ગોપાલ ઈટાલીયા થોડી પળોમાં જ પોલીસે એક જીપમાં બેસાડી કોઈ સ્થળે લઇ ગયા હતા. ઈટાલીયાએ એવો દાવો કર્યો હતો મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ તેને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી. 

ઈટાલીયાના સમર્થનમાં આપના કાર્યકરો નવી દિલ્હી ખાતે મહિલા આયોગની ઓફિસે એકત્ર થયા હતા. અહી આપના કાર્યકરોએ હાજર અન્ય લોકો સાથે ઘર્ષણ કર્યો હોવાનો રેખા શર્માએ દાવો કર્યો હતો. ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીના શિક્ષણ મંત્રી સામે કરવામાં આવેલા કેસથી ઘર્ષણ ચાલી રહ્યું છે. આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલે ભાજપ આપના નેતાઓની પાછળ પડી ગયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. 

વર્ષ 2019ના એક વિવાદિત વિડીયોમાં ગોપાલ ઈટાલીયાએ વડાપ્રધાન મોદીને નીચ માણસ તરીકે ઉલ્લેખ કર્યો હતો. આ વિડીયો પછી વિવાદ શરુ થયો છે.

આ મામલે ગોપાલ ઈટાલિયાએ અગાઉ પ્રતિક્રિયા આપી હતી કે, ભારતીય જનતા પાર્ટી એ પાટીદાર વિરોધી પાર્ટી છે. હું અનામત આંદોલનથી લઈને અત્યાર સુધી તેમની સામે લડ્યો છું. એ મારી સામે જૂની બાબતો બહાર લાવી મને ટાર્ગેટ કરી રહી છે. આજે જ્યારે આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે મારા જૂના વીડિયો કાઢીને મારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


ગોપાલ ઈટાલિયાની અટકાયત મુદ્દે ઈશુદાન ગઢવીનું નિવેદન

ગોપાલ ઈટાલિયાની અટકાયત મામલે ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું કે, ભાજપ પાસે બીજુ કોઈ કામ નથી એટલે તે ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો શોધવાનું કામ કરે છે. જો મુદ્દો વીડિયોનો જ હતો તો હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયાને પણ જેલમાં પૂરો. પરંતુ તેઓ ભાજપમા છે તેથી તેમના સામે કાર્યવાહી કરવામાં નથી આવતી. ગોપાલ ઈટાલિયા 33 વર્ષનો આમ આદમી પાર્ટીનો યુવાન પ્રદેશ અધ્યક્ષ છે. ગોપાલ  ઈટાલિયા સરદારનો સાચો વંશજ છે. તેમણે કહ્યું કે હવે આ મામલે અચાનક મહિલા આયોગ જાગી ગયુ છે. ઈશુદાન ગઢવીએ કહ્યું કે, પટેલ સમાજના લોકો સમર્થનમાં આવશે.