×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિજાબ કેસમાં સુપ્રીમ કોર્ટનો ખંડિત ચુકાદો


- જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ હાઇકોર્ટનો ચુકાદો રદ્દ કર્યો અને હિજાબ ઉપરનો પ્રતિબંધ અયોગ્ય ઠેરવ્યો છે

નવી દિલ્હી, તા. 13 ઓક્ટોબર 2022, ગુરૂવાર

સુપ્રીમ કોર્ટની ખંડપીઠ શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધની અરજી પર નિર્ણય લઈ શકી નથી. જસ્ટિસ ગુપ્તાએ કર્ણાટક હાઇકોર્ટનો ચુકાદો માન્ય રાખી, હિજાબ ઉપરના પ્રતિબંધ સામેની અપીલ નામંજૂર કરી છે. જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ હાઇકોર્ટનો ચુકાદો રદ્દ કર્યો અને હિજાબ ઉપરનો પ્રતિબંધ અયોગ્ય ઠેરવ્યો છે. જસ્ટિસ ધુલિયાએ રાજ્ય સરકારનો પ્રતિબંધ મૂકતો ઠરાવ પણ રદ્દ કર્યો છે. ખંડપીઠના બન્ને જજના અલગ અલગ મંત્વ્યથી હવે સમગ્ર મામલો ચીફ જસ્ટિસ સમક્ષ જશે. દેશના ચીફ જસ્ટિસ યોગ્ય નિર્ણય લઈ આ કેસમાં આગળનો માર્ગ નક્કી કરશે. બે સભ્યોની બેન્ચમાં આ મુદ્દે મતભેદો હતા. આવી સ્થિતિમાં હવે આ કેસ ત્રણ જજોને સોંપવામાં આવ્યો છે. હવે મોટી બેન્ચમાં સર્વસંમતિ અથવા બહુમતીથી જ નિર્ણય લઈ શકાશે. 

ગુરુવારે જસ્ટિસ હેમંત ગુપ્તાએ પોતાનો ચુકાદો આપતાં કર્ણાટક સરકાર વતી હિજાબ પરના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો અને વિરોધીઓની અરજીને ફગાવી દીધી હતી. સાથે જ જસ્ટિસ ધુલિયાએ કર્ણાટક સરકારના હિજાબ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. આવી સ્થિતિમાં બે ન્યાયાધીશોના અલગ-અલગ નિર્ણયોને કારણે આ નિર્ણય માન્ય રહેશે નહીં અને હવે અંતિમ નિર્ણય મોટી બેંચ દ્વારા જ લેવામાં આવશે. સ્કૂલ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે 10 દિવસ સુધી સુનાવણી કરી હતી. અને ત્યારબાદ 22 સપ્ટેમ્બરના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

કર્ણાટક માટે આ મહત્ત્વનો મુદ્દો છે કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે અને તેના કારણે ધ્રુવીકરણ પણ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે, કર્ણાટક હાઈકોર્ટે અગાઉ હિજાબ પરના પ્રતિબંધને યથાવત રાખ્યો હતો અને મુસ્લિમ યુવતીઓની અરજીને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે હિજાબ ઈસ્લામનો ફરજિયાત ભાગ નથી. ત્યારબાદ હિજાબ પ્રતિબંધનો વિરોધ કરનારાઓએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 

હિજાબ વિવાદની શરૂઆત ઉડ્ડુપીના એક મહિલા કોલેજથી થઈ હતી. ત્યાં કેટલીક વિદ્યાર્થીનીઓને પ્રિન્સિપલ અને સ્ટાફે હિજાબ પહેરીને ક્લાસમાં જતા રોકી હતી. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ પ્રદર્શન શરૂ કર્યું હતું. અને પછી જોત જોતામાં કર્ણાટકના અન્ય ભાગોમાં અને દેશના બીજા રાજ્યોમાં પણ હિજાબને લઈને વિવાદ શરૂ થઈ ગયો હતો. કોલેજ તંત્રનું કહેવું હતું કે, અચાનક જ કેટલીક વિદ્યાર્થીનીઓએ હિજાબ પહેરીને કોલેજ આવવાનું શરૂ કર્યું હતું. જોકે, આ પહેલા તેને લઈને કોઈ વિવાદ નહોતો થયો.