×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયા-યુક્રેન યુદ્ધ ભીષણ બનતાં વિશ્વ માટે જોખમ


- ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે : અમેરિકાના દાવાથી ખળભળાટ

- રશિયાનો સતત બીજા દિવસે યુક્રેન પર મિસાઈલ-ડ્રોનથી તાજેતરના મહિનામાં સૌથી મોટો હુમલો : અમેરિકાએ 100 પરમાણુ શસ્ત્રો યુરોપ મોકલ્યાનો દાવો

- રશિયાએ લવીવ ઓબ્લાસ્ટમાં ચાર સબસ્ટેશન ઉડાવતા અંધારપટ, પુતિને ફેસબૂકની પેરન્ટ કંપની મેટાને આતંકી સંગઠન જાહેર કરી

મોસ્કો : યુક્રેનની રાજધાની કીવ અને ખારકીવ સહિતના શહેરો પર કેટલાક મહિનાની એકંદર શાંતિ પછી ફરી એક વખત રશિયાએ ભયાનક હુમલા શરૂ કર્યા છે. રશિયાએ યુક્રેન પર ૮૪ મિસાઈલ છોડી ભયાનક હુમલો કર્યાના બીજા દિવસે પશ્ચિમમાં લવીવથી લઈને પૂર્વમાં ખારકીવ સુધીના શહેરોમાં મિસાઈલ-ડ્રોનથી તાજેતરના મહિનાઓનો ભયાનક હુમલો કર્યો હતો. આ ઘટનાઓ વચ્ચે અમેરિકાનું કહેવું છે કે રશિયા અને યુક્રેનના યુદ્ધ સાથે દુનિયામાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે, રશિયા આ યુદ્ધમાં પરમાણુ હુમલા કરતાં પણ ખચકાશે નહીં. આ સાથે અમેરિકાએ પણ ૧૦૦ પરમાણુ શસ્ત્રો યુરોપમાં મોકલ્યા હોવાનો દાવો કરાયો છે.

રશિયાએ યુક્રેનના ચાર પ્રાંતોને પોતાના દેશમાં ભેળવી દીધા પછી આ યુદ્ધનો અંત આવશે તેમ મનાતું હતું, પરંતુ ગયા સપ્તાહના અંતમાં રશિયા અને ક્રિમિયાનો પૂલ તોડી પડાયા પછી રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ, ખારકીવ, લવિવ, ડિનિપ્રો, ટેર્નોપિલ સહિતના શહેરોમાં ૮૪થી વધુ મિસાઈલોનો મારો કરી ભયાનક વિસ્ફોટો કર્યા હતા. 

બીજા દિવસે રશિયાએ લવીવ ઓબ્લાસ્ટ શહેરમાં ચાર ઈલેક્ટ્રિક સબસ્ટેશન ઉડાવી દીધા હતા, જેને પગલે શહેરમાં વીજપૂરવઠો ખોરવાઈ ગયો હતો, તેમાં બે સબસ્ટેશન્સ પર બે દિવસમાં બીજી વખત મિસાઈલ મારો કર્યો હતો. રશિયાએ યુક્રેનના બે શહેરો કીવ અને ખારકીવમાં સબવે સ્ટેશન્સ સહિત આશ્રય સ્થળો પર મિસાઈલ મારો કર્યો હતો. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીનાં પત્ની ઓલેનાએ કીવ સબ સ્ટેશનની સીડીઓ પર આશરો લઈ રહેલા લોકો એક લોક ગીત ગાતા હોય તેવો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. 

ફેસબૂકની પેરેન્ટ કંપની મેટાને મંગળવારે મોટો ફટકો લાગ્યો છે. યુક્રેન સાથે ચાલતા યુદ્ધ વચ્ચે રશિયાએ મેટા કંપનીને આતંકી સંગઠનોની યાદીમાં સામેલ કરી છે. માર્ક ઝકરબર્ગની કંપની પર રશિયા પહેલાથી જ ભેદભાવનો આક્ષેપ કરતું આવ્યું છે. રશિયાએ મેટાને 'આતંકવાદી અને કટ્ટરવાદી' સંગઠનોની યાદીમાં જોડીને ટેક્નોલોજી કંપનીને મોટો ફટકો આપ્યો છે. 

માર્ચ મહિનામાં યુક્રેન સાથે ચાલતા યુદ્ધ વચ્ચે રશિયાએ ફેસબૂક સાથે ટ્વિટર અને યૂ-ટયુબને પણ દેશમાં બ્લોક કરી દીધી હતી. આ સમયે તેણે આક્ષેપ કર્યો હતો કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રશિયન મીડિયા કંપનીઓ સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી રહી છે. આ બાબતમાં ફેસબૂકે કહ્યું હતું કે, રશિયાના આ પ્રતિબંધથી લાખો લોકોને વિશ્વસનીય માહિતીથી વંચિત કરી દેવાયા છે. રશિયન સેન્સરશિપ એજન્સી રોસકોમ્નાડ્ઝોરે કહ્યું હતું કે ઑક્ટોબર ૨૦૨૦થી ફેસબૂક દ્વારા રશિયન મીડિયા વિરુદ્ધ ભેદભાવના કુલ ૨૬ કેસ સામે આવ્યા હતા. રશિયાની સરકારે ત્યાંની સમાચાર એજન્સી આરટી અને આરઆઈએ પર સરકાર સમર્થિત ચેનલોના એકાઉન્ટ્સની પહોંચ ઘટાડવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન રશિયા દુનિયાને પરમાણુ હુમલાની ધમકીઓથી ડરાવી રહ્યું છે અને સ્થિતિ કાબુમાં નહીં આવે તો નિષ્ણાતો ત્રીજા વિશ્વ યુદ્ધની ચેતવણી આપી રહ્યા છે. તેવામાં અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં રશિયાની બાબતો અંગેના ભૂતપૂર્વ સલાહકાર ફિયાનો હિલેએ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિમાં પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે પહેલાંથી જ વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. આપણે લાંબા સમયથી આ સ્થિતિમાં જ છીએ, પરંતુ તે જાણી શક્યા નથી. 

બીજીબાજુ અમેરિકન પ્રમુખ બાઈડેન પણ અગાઉ ચેતવણી આપી ચૂક્યા છે કે ક્યુબા મિસાઈલ કટોકટી પછી ૬૦ વર્ષમાં પહેલી વખત દુનિયા ઉપર પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. ઉપરાંત પુતિન પરમાણુ હુમલા અંગે મઝાક નથી કરી રહ્યા. વધુમાં ધ ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટીસ્ટએ દાવો કર્યો હતો કે અમેરિકાના ૧૦૦ પરમાણુ શસ્ત્રો નેધરલેન્ડ, બેલ્જિયમ, જર્મની, ઈટાલી અને તુર્કીમાં છે. સામે છેડે તાજેતરમાં બેલારુસના પ્રમુખ એલેક્ઝાન્ડર લુકાશેકોએ સેન્ટ પિટર્સબર્ગમાં વ્લાદિમિર પુતિનની મુલાકાત લીધી હતી અને યુક્રેન યુદ્ધમાં ઝુકાવવાની તૈયારી દર્શાવી હતી. જોકે, બેલારુસના સંરક્ષણ મંત્રીએ યુક્રેન યુદ્ધમાં તેમની સીધી સામેલગીરીની વાત નકારી કાઢી હતી.

ભારતે ગુપ્ત મતદાનની માગ ફગાવી રશિયાને ફટકો આપ્યો

ભારતે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયાની ગુપ્ત મતદાનની માગનો વિરોધ કરીને રશિયાને ફટકો આપ્યો છે. રશિયાએ યુક્રેનના ચાર ક્ષેત્રો પર ગેરકાયદે કબજો કરવાની ટીકા સંબંધી પ્રસ્તાવ પર ગુપ્ત મદાનની માગ કરી હતી. જોકે, ભારત સહિત ૧૦૭ દેશોએ જાહેર મતદાનની તરફેણમાં વોટિંગ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અલ્બેનિયા રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવ્યું હતું. રશિયાએ આ નિંદા પ્રસ્તાવ પર ગુપ્ત મતદાનની માગ કરી હતી. પરંતુ ભારત સહિત ૧૦૭ દેશોએ તેના વિરુદ્ધ મતદાન કરતાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવમાં જાહેર મતદાન કરવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય સામે રશિયાએ ત્રણ વખત અપીલ કરી હતી, પરંતુ ભારત સહિતના દેશોએ ત્રણેય વખત તેનો વિરોધ કર્યો હતો.