×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉદ્ધવ સમૂહને મળ્યું મશાલ નિશાન, બાલાસાહેબ સાથે છે ખાસ સંબંધ


- સંયુક્ત મહારાષ્ટ્રના સંઘર્ષનું પ્રતીક છે મશાલ

મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2022, મંગળવાર

મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ શિવસેનાથી અલગ થઈ ગયેલા ધારાસભ્યો અને સાંસદોએ પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના રાજકીય અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. શિંદે જૂથે શિવસેના પર સીધો દાવો કર્યો અને કહ્યું કે ,ઉદ્ધવનો રાજકીય માર્ગ ભવિષ્યમાં કઠિન હશે. શિવસેનાનો આ વિવાદ સીધો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. તેથી ચૂંટણી પંચે શિવસેનાની અંદરના વિવાદ પર તાત્કાલિક નિર્ણય લેવો જરૂરી બન્યો હતો. બંને પક્ષોએ પાર્ટી પર દાવો કર્યા તો ચૂંટણી પંચે શનિવારે શિવસેના નામના ધનુષ બાણ નિશાનને ફ્રિઝ કરી દીધું હતું.

ત્યારબાદ ચર્ચા શરૂ થઈ હતી કે, પાર્ટીનું ચૂંટણી પ્રતીક અને નામ ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની રાજકીય સફર વધુ મુશ્કેલ બની જશે. પરંતુ ચૂંટણી પંચે પાર્ટીના ચૂંટણી પ્રતીક અને નામ માટે ત્રણ નવા વિકલ્પો સૂચવવાનો આદેશ આપ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ચતુરાઈપૂર્વક આ વિકલ્પો પસંદ કર્યા હતા. તેમણે સુનિશ્ચિત કર્યું હતું કે, તેમની પાર્ટીના નામ સાથે શિવસેના અને બાળાસાહેબના નામનો ઉલ્લેખ કરવામાં આવે. જોકે ચૂંટણી પંચે શિવસેના બાળાસાહેબ ઠાકરેના નામની ઉદ્ધવની પ્રથમ પ્રાથમિકતાની માંગને ફગાવી દીધી હતી પરંતુ તેણે શિવસેનાનું નામ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે રાખવાની મંજૂરી આપી હતી. તેમજ પક્ષના પ્રતીક તરીકે ઠાકરે જૂથને મશાલ આપવામાં આવી હતી.

મશાલના પ્રતીકથી ઉદ્ધવ ઠાકરેને કઈ રીતે ફાયદો થઈ શકે છે?

1. સંયુક્ત મહારાષ્ટ્રના સંઘર્ષનું પ્રતીક છે મશાલ, ઠાકરે પરિવારનો સીધો સબંધ છે

દેશમાં ભાષાના આધારે રાજ્યોની રચના થઈ છે પરંતુ મુંબઈને મેળવવા માટે મહારાષ્ટ્રનેભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. એક લોહિયાળ સંઘર્ષ થયો હતો કારણ કે, ગુજરાતે પણ મુંબઈ પર દાવો કર્યો હતો. મુંબઈને મહારાષ્ટ્રમાં જાળવી રાખવા માટે સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળ દ્વારા લડત શરૂ કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેના દાદા અને દિવંગત શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના પિતા પ્રબોધનકર ઠાકરે પણ આ લડાઈમાં સૌથી આગળ હતા. તેમણે ધારદાર કલમ ​​વડે આ સંઘર્ષને વધુ મજબૂત બનાવ્યો હતો. સળગતી મશાલ એ સંયુક્ત મહારાષ્ટ્રના સંઘર્ષનું પ્રતીક માનવામાં આવે છે. આ યુદ્ધમાં 107 લોકોએ બલિદાન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરે છાવણીને મશાલની નિશાની મળવાની સાથે ભવિષ્યમાં ઉદ્ધવ ફરી એકવાર આ ઈતિહાસને ઉજાગર કરશે અને મતદારો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે.


2. મહારાષ્ટ્ર-ગુજરાત વિવાદની ધાર, પ્રાદેશિક અને ભાષાકીય ઓળખને સ્પર્શવાની તક

ભારતી ભાજપના ગુજરાત આધારિત પાર્ટી હોવાનો આક્ષેપ શિવસેનાના વિવિધ નેતાઓ દ્વારા વારંવાર કરવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ સરકારની રચના થઈ ત્યારથી મુંબઈમાં અનેક પ્રોજેક્ટ ગુજરાતમાં ખસેડવામાં આવ્યા છે એવું કોંગ્રેસ અને એનસીપી દ્વારા કહેવામાં આવ્યું છે જે શિવસેના સાથે મહા વિકાસ અઘાડીના ઘટક છે. હવે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનનું મશાલ પ્રતીક મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેનું જૂથ ફરી એકવાર પ્રાદેશિક અને ભાષાકીય ઓળખ પર પ્રહાર કરી શકે છે.

3. બાળા સાહેબના સમયમાં પણ મશાલ પ્રતીકનો ઉપયોગ કરવામાં આવતો હતો

બળવા બાદ એકનાથ શિંદેએ વારંવાર ઉદ્ધવ ઠાકરે પર બાળાસાહેબના વિચારો છોડી દેવાનો આરોપ લગાવ્યો છે. શિંદે જૂથનો દાવો છે કે, અમે બાળાસાહેબ ઠાકરેના સાચા વારસદાર છીએ. પરંતુ ઉદ્ધવની પાર્ટીને હવે ચૂંટણી પંચ તરફથી જે મશાલ ચિન્હ મળ્યું છે તે સીધું બાળાસાહેબ સાથે સંબંધિત છે.

વધુ વાંચો: ઉદ્ધવ જૂથ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને શિંદે જૂથ બાળાસાહેબચી શિવસેના તરીકે ઓળખાશેઃ ચૂંટણી પંચ

1966માં બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વ હેઠળ શિવસેનાની સ્થાપના થયા બાદ શિવસેનાને સત્તાવાર રાજકીય પાર્ટી તરીકે માન્યતા ન મળી ત્યાં સુધી શિવસેના દ્વારા વિવિધ પ્રતીકો પર ચૂંટણી લડવામાં આવી હતી. તેમાં ટ્રેન એન્જિનનું પ્રતીક અને ઉગતા સૂર્ય સાથેની મશાલ પણ સામેલ હતી. છગન ભુજબળે 1985ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેના તરફથી મશાલના સિમ્બોલ પર ચૂંટણી લડી હતી અને જીતી હતી. શિવસેના અને મશાલ વચ્ચેનો સંબંધ નવો નથી.