×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિન્દુઓ કે સંઘથી લઘુમતીને કોઇ જ ખતરો નહીં : ભાગવત


- ધર્મ આધારીત વસ્તી અસંતુલન ભાગલા પડાવશે, દેશમાં વસ્તી વિસ્ફોટ અટકાવવા કાયદો જરૂરી: દશેરાએ સંઘવડાનું સંબોધન

- ઉદયપુરમાં કનૈયાલાલની ગળુ કાપીને હત્યા કરી દેવાઇ, આ પ્રકારની ઘટનાઓ દેશમાં ફરી ન થાય તેની તકેદારી રાખવા ભાગવતની અપીલ

- હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ શબ્દથી વાંધો હોય તો ઉપયોગ ન કરો પણ અમે ભારતને હિન્દુ રાષ્ટ્ર જ કહીશું

- મંદિર, પાણી, સ્મશાન દરેક હિન્દુ માટે ખુલ્લા નહીં મુકાય ત્યાં સુધી સમાનતા માત્ર સપનું બની રહી જશે

- એક સમાજની વ્યક્તિ ઘોડી પર બેસી શકે, બીજા સમાજની નહીં, આવી માનસીક્તાને દૂર કરવાની જરૂર

નાગપુર : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે આજે કહ્યું હતું હતું કે, 'ભારત સરકારે વસ્તી નિયંત્રણ અંગે નીતિ અપનાવવી જરૂરી બની રહેલ છે.' આ સાથે આ વિદ્વાને ધર્મ આધારિત જનસંખ્યા (વસ્તી) અસંતુલન અને બળજબરીથી કરાતા ધર્મ પરિવર્તનને પ્રત્યે ધ્યાન દોરતાં કહ્યું હતું કે,  ' તે દેશના ફરી વિભાજન તરફ લઈ જશે માટે તે અંગે યોગ્ય પગલાં લેવા અનિવાર્ય છે.'

પોતાના આ વિધાનોને પુષ્ટિ આપતાં ઉદાહરણો ટાંકતા ભાગવતે કહ્યું હતું કે, 'પૂર્વ ટીમોહ, કોસોવો અને દક્ષિણ સુદાન તેના ઉદાહરણો છે. આ નવા દેશો ધર્મ આધારિત વસ્તી અસંતુલનને લીધે જ સાકાર થઈ શક્યા છે.'

મોહન ભાગવતે અહીં યોજાયેલી દશેરા નિમિત્તેની આર.એસ.એસ.ની રેલીને સંબોધતા આ પ્રમાણે કહ્યું હતું. તે સર્વવિદિત છે કે આર.એસ.એસ. ભાજપની માતૃસંસ્થા છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, વસ્તી નિયંત્રણ ઉપરાંત ધર્મ આધારિત જનસંખ્યા અસંતુલન પણ મહત્ત્વની બાબત છે. તે પ્રત્યે ઉદાસીન રહી શકાય તેમ જ નથી.

હિન્દીમાં આપેલા તેઓના પ્રવચનમાં ભાગવતે જણાવ્યું હતું કે, વસ્તીને સાધનો, સ્રોતોની જરૂર પડે છે જો સાધનો કે સ્રોતો વધાર્યા સિવાય જ વસ્તી વધ્યા કરે તો તે બોજારૂપ બની રહે છે. આ સાથે એક અન્ય મત પણ છે કે, આબાદીને મૂડી સમાન પણ માનવામાં આવે છે તે બંને દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી આપણે આપણી વસ્તી નીતિ ઘડવી જોઈએ.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના આરોગ્યને પણ ધ્યાનમાં રાખવું અનિવાર્ય છે તેમજ સગર્ભાવસ્થા સમયે પણ તેઓની કાળજી રખાય તેવી નીતિ તૈયાર કરવી જોઈએ. આજનો દશેરા ઉત્સવ તેવો છે કે જેમાં પહેલી જ વખત એક મહિલાને મુખ્ય અતિથિ તરીકે આમંત્ર્યા છે. તે છે પર્વતારોહક સંતોષકુમારી યાદવ.

ભાગવતે ધર્મ-અસંતુલન વધવાના કારણે દર્શાવતા જણાવ્યું હતું કે, જન્મદર તે પૈકીનું એક કારણ છે. બીજું બળજબરીપૂર્વક કરાતા ધર્મ-પરિવર્તનનો તેમજ લાલચ અને લોભ તે માટેના મહત્ત્વના પરિબળો છે તે ઉપરાંત ઘૂસણખોરીને લીધે પણ ધાર્મિક અસંતુલન વધી રહ્યું છે.

આમ છતાં એવું લાગે છે કે કેન્દ્રની ભાજપ સરકાર આર.એસ.એસ. અને તેની શાખાઓની વસ્તી નિયંત્રણ 'પોપ્યુલેશન કંટ્રોલ લૉ' લાવવાના મતની નથી. જો કે તે માટે આર.એસ.એસ. અને પક્ષના નેતાઓ દ્વારા પણ દબાણ થઈ રહ્યું હોવા છતાં કેન્દ્ર સરકાર તે પ્રમાણે કશું કરવા માંગતી નથી.

આ વર્ષે એપ્રિલ મહિનામાં રાકેશ સિંહાએ આવા કાયદા અંગે રાજ્ય સભામાં વિધેયક રજૂ કર્યું હતું ત્યારે કેન્દ્રના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું હતું કે, કુટુંબ નિયોજન અને સરળતાથી મળતી આરોગ્યસુવિધાએ વસ્તી વધારો સ્થિર રાખ્યો છે. જન્મદર ઘટીને ૨% થયો છે તે દર્શાવે છે કે 'કુટુમ્બ નિયોજન, કાર્યવાહી, સફળ થઈ રહી છે.' બીજી તરફ આંકડાઓ તરફ જોઈએ તો ૧૯૪૭માં ભાગલા થયા પછી ધર્મ આધારિત દ્રષ્ટિએ જનસંખ્યા વૃદ્ધિ લગભગ સમથળ રહી છે. જો કે, વસ્તી વધારાના દરમાં તો તફાવત રહ્યો છે બીજી તરફ બીજી સૌથી મોટી લઘુમતી મુસ્લિમોમાં જન્મદર સૌથી વધુ રહ્યો છે. પરંતુ તે દર ઝડપથી ઘટી પણ રહ્યો છે. તે લગભગ હિન્દુઓના વસ્તી વધારાની સમાન બની રહ્યો છે તેમ ગત વર્ષનો PEW રિપોર્ટ જણાવે છે.

૧૯૫૧ થી ૨૦૧૫ સુધીમાં મુસ્લિમોમાં જન્મદર ૪.૪થી ઘટીને ૨.૬ થયો છે હિન્દુઓમાં જન્મદર ૩.૩થી ૨.૧ રહ્યો છે આમ બંને વચ્ચે વસ્તી વધારાનો દર લગભગ સમાન સ્તરે પહોંચી રહ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સંઘના વડાએ આજે સૂચવેલા ૩ પરિબળો- જન્મદર, ધર્મ પરિવર્તન અને વસાહતવાદને લીધે કૈ અસામાન્ય ફેરફારો થયા નથી તેથી થતાં ધર્મ પરિવર્તનો અંગે દસ્તાવેજી પુરાવા પણ નથી. જ્યારે લોભ-લાલચથી થતા ધર્મપરિવર્તનોની દ્રષ્ટિએ જોતાં રાષ્ટ્રના ધર્મ સમુહો ઉપર ખાસ અસર જ નથી.