×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પ્રથમ સ્વદેશી ફાઇટર હેલિકોપ્ટર 'પ્રચંડ' ચીન સરહદે તૈનાત


- ચીન-પાક.ની એર ડિફેન્સ સિસ્ટમનો ખાતમો કરવા સક્ષમ 10 હેલિકોપ્ટર એરફોર્સ અને આર્મીમાં સામેલ

- 6500 મીટરની ઉંચાઇ પરથી 700 કિમી દુર ટાર્ગેટનો નાશ કરવા સક્ષમ 'પ્રચંડ'ની રેન્જ અમેરિકાના અપાચે કરતાં પણ વધુ

- નવરાત્રીના પર્વમાં યૌદ્ધાઓની ભૂમિ રાજસ્થાનમાં પ્રચંડને એરફોર્સને સોંપવાનો આનાથી સારો અવરસ બીજો કોઇ નહીં : રાજનાથ 

નવી દિલ્હી : ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે. ભારતમાં જ બનાવવામાં આવેલા પ્રથમ સ્વદેશી યુદ્ધ હેલિકોપ્ટર પ્રચંડને ભારતીય એરફોર્સ અને ભૂમિદળમાં સામેલ કરી દેવામાં આવ્યું છે. ચીન અને પાકિસ્તાન સરહદે આ વિમાનને તૈનાત કરવામાં આવશે. વજનમાં હળવુ પણ દુશ્મનો માટે ખતરનાક (એલસીએચ) પ્રકારનું હેલિકોપ્ટર મળવાથી સૈન્યની ક્ષમતામાં વધારો થયો છે. રાજસ્થાનના જોધપુરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને એરફોર્સના એર ચીફ માર્શલ વીઆર ચૌધરીની ઉપસ્થિતિમાં આવા ૧૦ હેલિકોપ્ટરને સોપવામાં આવ્યા છે.. આ દરમિયાન રાજનાથસિંહે આ હેલિકોપ્ટરમાં બેસીને ઉડાન પણ ભરી હતી. 

દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે આ સ્વદેશી લડાકુ હેલિકોપ્ટરથી ન માત્ર દેશની સુરક્ષા વધુ મજબુત બનશે સાથે સાથે સંરક્ષણ ક્ષેત્રે સ્વદેશી ઉત્પાદનને પણ પ્રોત્સાહન મળશે. નવરાત્રીના પર્વ નિમિત્તે જ યોદ્ધાઓની ભૂમિ રાજસ્થાનથી આ  હેલિકોપ્ટરને એરફોર્સમાં સામેલ કરવાનો આનાથી વધુ સારો સમય બીજો ન હોઇ શકે. એરફોર્સના ચીફ ચૌધરીએ કહ્યું હતું કે આ હેલિકોપ્ટરોએ હિમાલયના પહાડોમાં પણ પોતાની ક્ષમતાને સાબિત કરી બતાવી છે. આ હેલિકોપ્ટરની ખાશિયત એ પણ છે કે તે દરેક ઋતુમાં દુશ્મનોનો સામનો કરી શકે છે. સાથે જ  આ હેલિકોપ્ટરની ક્ષમતા એટલી છે કે તે દુશ્મન દેશોની એર ડિફેન્સ સિસ્ટમનો પણ ખાતમો કરી શકે છે. 

એવા દાવા થઇ રહ્યા છે કે પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ છે. રેંજની બાબતમાં અપાચે કરતા પ્રચંડ વધુ સક્ષમ માનવામાં આવે છે. અમેરિકાના અપાચે હેલિકોપ્ટરની ટોપ સ્પીડ પ્રતિ કલાક ૨૯૫ કિમી છે જ્યારે પ્રચંડની ક્ષમતા પ્રતિ કલાક ૨૮૦ કિમીની માનવામાં આવે છે. પ્રચંડ હેલિકોપ્ટર જમીનથી ૬૫૦૦ મીટરની ઉંચાઇ પર હોય તો ત્યાંથી પણ ૭૦૦ કિમી દુર ટાર્ગેટનો નાશ વાળી શકે છે. જ્યારે અપાચે હેલિકોપ્ટર ૬૪૦૦ મીટરની ઉંચાઇએથી માત્ર ૪૮૦ કિમી દુર જ ટાર્ગેટ પર હુમલો કરી શકે છે. તેથી હુમલાની રેંજની બાબતમાં ભારતમાં બનેલા પ્રચંડ હેલિકોપ્ટર અમેરિકાના અપાચે હેલિકોપ્ટર કરતા પણ વધુ સક્ષમ માનવામાં આવે છે.  હાલ ૧૦ પ્રચંડ હેલિકોપ્ટર્સ આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં અને એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીની હાજરીમાં ભારતીય વાયુસેનાને જોધપુરમાં અર્પણ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન અને ચીનની સરહદો પહાડી પણ હોવાથી ત્યાં આ હેલિકોપ્ટર વધુ કામ આવશે. કેમ કે આ હેલિકોપ્ટરની રેંજ અન્ય હેલિકોપ્ટર કરતા વધુ છે. આ હેલિકોપ્ટર્સ મુખ્ય એરો સ્પેસ કંપની 'હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડ' એચએએલ દ્વારા બનાવવામાં આવ્યા છે. 

'પ્રચંડ' હેલિકોપ્ટરની ખાસિયતો

'પ્રચંડ' રાત્રે પણ હુમલો કરી શકે છે, ચીન સામે વધુ ઘાતક સાબિત થશે

- વાયુ-સેનાના અધિકારીઓનું કહેવું છે કે આ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર્સ ધુ્રવ સાથે સમાનતા રાખે છે તેમાં 'સ્ટીલ્ધ' ક્ષમતા (રડારથી બચવાની ક્ષમતા), વિશિષ્ટ બખ્તરબંધ સંરક્ષણ પ્રણાલિ રાત્રે પણ કાર્યરત રહી આક્રમણ કરવાની ક્ષમતા છે. તેથી રાત્રે પણ દુશ્મન ટુકડીઓને શોધી તેની ઉપર આક્રમણ કરી શકે તેમ છે.

- તેમાં ૫.૮ટન વજનના બે એન્જિનો છેજે બે પ્રોપેલર્સને ગતિ આપે છે. તેમાં જે વિવિધ શસ્ત્રો છે તેનાં ફાયરીંગનું પરીક્ષણ તો થઈ ચૂક્યું છે.

- રૂા. ૩૮૮૭ કરોડના ખર્ચે આવા ૧૫ હેલિકોપ્ટર્સ વાયુ સેના માટે ખરીદવાની માર્ચમાં જ મંજૂરી આપી દીધી હતી. આજે જે ૧૦ હેલિકોપ્ટર્સ સામેલ કરાયા છે તે પૈકી પાંચ વાયુ સેના માટે અને પાંચ ભૂમિદળ માટે છે.

- હેલિકોપ્ટર્સમાં તેવી કેટલીય વિશેષતાઓ છે જે સેનાને યુદ્ધ દરમિયાન ઘણી ઉપયોગી નીવડે તેમ છે. તે દુશ્મનને શોધવામાં તથા પોતાના બચાવમાં તથા દુશ્મનની વાયુ સુરક્ષા નષ્ટ કરવામાં પણ ઉપયોગી બને છે તેમજ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં પણ ઉપયોગી બની શકે છે.

- આ હેલિકોપ્ટર ઉંચાઈવાળા પ્રદેશોમાં પણ 'બંકર બસ્ટિંગ ઑપરેશન' તેમજ શહેરોમાં તથા જંગલોમાં પણ આતંકવાદ વિરોધી અભિયાનોમાં સેનાને સહાય કરવા ઉપયોગમાં લઈ શકાય તેમ છે.

- હેલિકોપ્ટરની ડિઝાઇન ભારતીય સરહદોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઇ છે. હલકા વજનને કારણે વધુ ઉંચાઇ પરથી હુમલો કરવામાં સક્ષમ છે. હેલિકોપ્ટરનું ટેસ્ટિંગ લદ્દાખમાં પણ થઇ ચુક્યું છે. 

- એર ટુ એર અટેક માટે મિસાઇલો, ૨૦ એમએમની ટરેટ ગન્સ, રોકેટ સિસ્ટમ અને અન્ય ઘાતક હથિયારો છે. ચીનના ડ્રોનને મિસાઇલથી આ હેલિકોપ્ટર તોડી શકે છે. સાથે જ ચીનની ટેંકોનો પણ નાશ કરી શકે છે.

- હેલિકોપ્ટરને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે ઇમર્જન્સી લેન્ડિંગ સમયે કે ક્રેશ વખતે હેલિકોપ્ટરને વધુ નુકસાન નહીં થાય.