×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધારાસભ્યોની નારાજગી અંગે ગેહલોતે કહ્યું- 'હું જતો રહું તો એમનું શું થાત…'


- 'ધારાસભ્યોને 2020માં મેં વચન આપ્યું હતું કે, હું તેમનો અભિભાવક બનીશ'

રાજસ્થાન, તા. 02 ઓક્ટોબર 2022, રવિવાર

કોંગ્રેસના અધ્યક્ષ પદ અને રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે ચાલેલી રસાકસી અને રાજકીય ડ્રામા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રથમ વખત બંડખોર ધારાસભ્યોની નારાજગી અંગે ખુલીને વાત કરી છે. આ સાથે જ તેમણે સચિન પાયલટની ટીમ સામે પણ નિશાન તાક્યું હતું. 

આજે તેઓ એક સમારંભમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા ત્યારે તેમને બધું ઠીક છે ને એવો સવાલ કરવામાં આવ્યો હતો. જવાબમાં ગેહલોતે કહ્યું હતું કે, 'કોંગ્રેસના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે, એક લાઈનનો પ્રસ્તાવ પારિત ન થઈ શક્યો. મને પણ આનું દુઃખ છે કે પ્રસ્તાવ પારિત ન કરાવી શક્યો. આ માટે મેં માફી પણ માગી પરંતુ આ સ્થિતિ શા માટે આવી?'

ગેહલોતે આગળ જણાવ્યું કે, 'મેં જ્યારે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ ગોવિંદ ડોટાસરાને ધારાસભ્યોને સમજાવવા માટે મોકલ્યા ત્યારે તેઓ (બળવાખોર ધારાસભ્યો) એ વાતથી ખૂબ નારાજ હતા કે, મેં તેમને 2020માં વચન આપેલું કે, હું તેમનો અભિભાવક બનીશ. ધારાસભ્યો એ વાતથી નારાજ હતા કે, રાજસ્થાનમાં એકલા રહેવાથી તેમનું શું થશે? ધારાસભ્ય દળના નેતા હોવાના નાતે જે બન્યું તેની હું જવાબદારી સ્વીકારૂં છું.'

ઉલ્લેખનીય છે કે, 2020માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે 18 ધારાસભ્યો સાથે બળવો પોકાર્યો હતો અને મુખ્યમંતીર ગેહલોતથી નારાજ થઈને માનેસર (હરિયાણા) જતા રહ્યા હતા. બાદમાં હાઈકમાનની દખલ બાદ પાયલટની વાપસી થઈ હતી. તે સમયે ગેહલોતે પાર્ટીને મોટા ભંગાણમાંથી બચાવી લીધી હતી. 

કેટલાક ધારાસભ્યો શાહ અને પ્રધાન સાથે બેઠા હતા

ગેહલોતે જણાવ્યું કે, 'ધારાસભ્યોએ વિચાર્યું કે, અન્ય લોકોનો સ્વીકાર કરવાના બદલે બળવો પોકારવો યોગ્ય છે. સૌ જાણે છે કે, કેટલાક ધારાસભ્યો અમિત શાહ, જફર ઈસ્લામ અને ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠા હતા. સૌ જાણે છે કે, ભાજપે સરકારને પાડી દેવા પ્રયત્ન કર્યો હતો. તેઓ સરકાર 5 વર્ષ પૂરા કરે તેમ નહોતા ઈચ્છતા.'

આ પણ વાંચોઃ રાજસ્થાન કોંગ્રેસમાં 92 ધારાસભ્યોના રાજીનામા, ગેહલોતે કહ્યું- મારા હાથમાં કશું નથી

જાણો શું છે સમગ્ર ઘટના

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં અશોક ગેહલોતની દાવેદારીની ચર્ચા જામી હતી. તે સમયે પાર્ટીનું હાઈકમાન રાજસ્થાનમાં ગેહલોતના ઉત્તરાધિકારીને શોધી રહ્યું હતું. ગત રવિવારે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને પર્યવેક્ષક તરીકે જયપુર મોકલવામં આવ્યા હતા. ત્યાં સીએમ આવાસ ખાતે ધારાસભ્ય દળની બેઠક યોજાવાની હતી પરંતુ તે પહેલા જ ગેહલોત જૂથના ધારાસભ્યો મંત્રી શાંતિ ધારીવાલના ઘરે એકઠાં થયા હતા અને સામૂહિક રાજીનામા પર હસ્તાક્ષર કર્યા હતા.  

બાદમાં તે ધારાસભ્યો સ્પીકરના આવાસ પર પહોંચ્યા હતા અને રાજીનામુ સોંપી દીધું હતું. તે ધારાસભ્યોના કહેવા પ્રમાણે પર્યવેક્ષક અજય માકન એજન્ડા સાથે જયપુર આવેલા અને તેઓ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા ઈચ્છતા હતા. બેઠકમાં એક લાઈનનો પ્રસ્તાવ પસાર કરાવવા ઈચ્છતા હતા. જોકે પર્યવેક્ષકોએ તે દાવાને નકારી દીધો હતો.