×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઈન્ડોનેશિયાઃ ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળતાં 127ના મોત, 180થી વધુ ઘાયલ


- મેચના પરિણામો બાદ હારનારી અરેમા એફસી ટીમના ચાહકો મેદાનમાં ધસી ગયા હતા અને હિંસક વલણ અપનાવ્યું હતું

મલંગ, તા. 02 ઓક્ટોબર 2022, રવિવાર

ઈન્ડોનેશિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ફાટી નીકળવાના કારણે 127 લોકોના મોત થયા છે. ઘટનાની વિગતો પ્રમાણે ઈસ્ટ જાવાના કાંજુરૂહાન સ્ટેડિયમ ખાતે અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા ક્લબ વચ્ચે ફૂટબોલ મેચ રમાઈ રહી હતી. મેચમાં અરેમાની ટીમ હારી ગઈ ત્યાર બાદ બંને ટીમના ચાહકો એકબીજા સાથે સંઘર્ષમાં ઉતરી પડ્યા હતા. 

મેચમાં હાર બાદ નિરાશ થયેલા ચાહકોએ લડાઈ શરૂ કરી ત્યાર બાદ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. શનિવારે રાતે મલંગ રીજન્સીના કંજુરૂહાન સ્ટેડિમય ખાતે તેની ક્ષમતા કરતાં પણ વધારે આશરે 40,000 જેટલા દર્શકો ઉપસ્થિત હતા. મેચના પરિણામ બાદ હારનારી અરેમા ટીમના સમર્થકો મેદાનમાં ઉતરી આવ્યા હતા અને હિંસક બની ગયા હતા. 

સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા માટે અધિકારીઓએ આંસુ ગેસની મદદ લેવી પડી હતી અને સમગ્ર ઘટનામાં 2 પોલીસ અધિકારી સહિત કુલ 127 લોકોના મોત થયા છે. સ્ટેડિયમમાં નાસભાગના કારણે 34 લોકોના મોત થયા હતા જ્યારે બાકીના 93 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. 

એક સપ્તાહ માટે મેચ બંધ

આ હદે સ્થિતિ વણસી ગયા બાદ સ્ટેડિયમમાં એક સપ્તાહ માટે રમતો સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પ્રશાસન ભીડને કાબૂમાં કરવા માટે અસફળ રહ્યું હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં સ્ટેડિયમના અનેક વીડિયો પણ સામે આવી રહ્યા છે જેમાં સેંકડો ચાહકો મેદાનમાં ઘૂસીને એકબીજા પર હુમલો કરતા હોવાનું જોઈ શકાય છે. 

ઈન્ડોનેશિયા ફૂટબોલ સંઘ (PSSI)એ શનિવારે મોડી રાતે એક નિવેદન બહાર પાડીને સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને રમત બાદ બનેલી ઘટનાની તપાસ માટે એક ટીમ મલંગ જવા રવાના થઈ હોવાની માહિતી આપી હતી. PSSIએ પીડિતોના પરિવારજનો અને આ ઘટના માટે તમામ પક્ષોની માફી માગી હતી. 

અરેમા એફસી ટીમ સામે મોટી કાર્યવાહી

લીગે આ પ્રકારના તોફાન બાદ એક સપ્તાહ માટે રમતોને સસ્પેન્ડ કરી દીધી છે. અરેમા એફસી ટીમ પર આ સીઝનની બાકીની મેચ માટે યજમાની કરવા પર પણ પ્રતિબંધ મુકી દેવાયો છે. લીગના માલિક પીટી એલઆઈબીના અધ્યક્ષ ડિરેક્ટર અખમદ હાદિયન લુકિતાના કહેવા પ્રમાણે PSSIના અધ્યક્ષનો નિર્દેશ મળ્યા બાદ તેમણે નિર્ણયની જાહેરાત કરી હતી.