×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસ અધ્યક્ષઃ ખડગે પણ રેસમાં, પ્રિયંકા-G23ના ઉમેદવારો અંગે પણ અટકળો


- પ્રિયંકા હવે વાડ્રા પરિવારની વહુ છે માટે તે ગાંધી પરિવારની સીધી સદસ્ય ન ગણાયઃ અબ્દુલ ખલીક

નવી દિલ્હી, તા. 30 સપ્ટેમ્બર 2022, શુક્રવાર

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નામાંકનનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આ રેસમાં વધુ એક નામની ચર્ચા શરૂ થઈ છે. એક અહેવાલ પ્રમાણે વરિષ્ઠ કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગે પણ અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરી શકે છે. ખડગેના નજીકના લોકોએ અગાઉ પણ તેઓ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની વિરૂદ્ધમાં નથી પરંતુ સોનિયા ગાંધીના નિર્દેશ પર જ આગળ વધશે તેવા સંકેતો આપ્યા હતા. 

આજે નામાંકન માટેનો અંતિમ દિવસ છે અને નામાંકન પાછું ખેંચવા માટેનો અંતિમ દિવસ 8મી ઓક્ટોબર છે. 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અધ્યક્ષ પદની રેસમાંથી બહાર થવાની જાહેરાત કરી દીધી માટે રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેના ત્રીજા ઉમેદવાર તરીકે જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શશિ થરૂર અને દિગ્વિજય સિંહના નામની ઔપચારિક જાહેરાત થઈ ચુકેલી છે અને તેઓ આજે નામાંકન દાખલ કરવાના છે. 

આ પણ વાંચોઃ 'તેરા જાદુ ચલા ગયા', ગેહલોતે સોનિયાની માફી માગી, પ્રમુખપદની રેસમાંથી પણ બહાર

પ્રિયંકા હવે ગાંધી પરિવારની ન ગણાય

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે ગુરૂવારના રોજ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નામ અંગે પણ અટકળો જાગી હતી. જોકે પાર્ટીએ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ પ્રિયંકાની પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની મુલાકાત બાદ અટકળો જોરમાં છે. જોકે એક અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધી એમ ઈચ્છે છે કે, ગાંધી પરિવારની બહારની કોઈ વ્યક્તિ પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળે માટે તેઓ પ્રિયંકાને પણ નામાંકન કરતા અટકાવી રહ્યા છે. 

કોંગ્રેસી સાંસદ અબ્દુલ ખલીકે બુધવારે પ્રિયંકા ગાંધી વાડ્રાને પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળી લેવા માટે વિનંતી કરી હતી. તેમણે એવો તર્ક રજૂ કર્યો હતો કે, પ્રિયંકા હવે વાડ્રા પરિવારની વહુ છે માટે તે ગાંધી પરિવારની સીધી સદસ્ય ન ગણાય. 

G-23ના નેતાઓ પણ કસી રહ્યા છે કમર

જી-23 ગ્રુપના કેટલાક અગ્રણી નેતાઓએ ગુરૂવારે સાંજે વરિષ્ઠ કોંગ્રેસી નેતા આનંદ શર્માના નિવાસ સ્થાને એક બેઠક યોજી હતી. તેમણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જે સ્થિતિ નિર્માણ પામી છે તે અંગે ચર્ચા કરી હતી અને ફરી પણ એક બેઠક કરવાના છે. આ જૂથનું કોઈ સદસ્ય આજે પાર્ટી અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરે તેવી પણ શક્યતા છે. બેઠકમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારી, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સામેલ થયા હતા. 

આ નામો ચર્ચામાં

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે શશિ થરૂર અને દિગ્વિજય સિંહનું નામાંકન ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. તે સિવાય ઝારખંડના પૂર્વ મંત્રી કેએન ત્રિપાઠીએ પણ નામાંકન પત્રનો એક સેટ કલેક્ટ કર્યો હતો. 

અશોક ગેહલોતે અધ્યક્ષ પદની ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો ત્યાર બાદ દિગ્ગી રાજા પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. તે સિવાય મીરા કુમાર, મુકુલ વાસનિક (જી-23) અને કુમારી શૈલજાના નામો પણ ચર્ચામાં છે. 

આ પણ વાંચોઃ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી, ગેહલોત, થરૂર બાદ દિગ્ગી રાજા પણ મેદાનમાં