×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસના 'ગુજરાત બંધ'ને નિષ્ફળ બનાવવા ભાજપે પોલીસને સોંપી જવાબદારી


- NSUIના કાર્યકરોએ અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ, સી.યુ. શાહ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ, ગુજરાત યુનિવર્સિટી અને GLS કોલેજના વિદ્યાર્થીઓને ઘરે મોકલ્યા

અમદાવાદ, તા. 10 સપ્ટેમ્બર, 2022, શનિવાર

વધી રહેલી મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સના દૂષણની સમસ્યાના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આજ રોજ ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે શનિવારે સવારે 08:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી સાંકેતિક બંધ પાળવાની જાહેરાત કરી હતી. 

જોકે ભાજપ દ્વારા આ બંધને નિષ્ફળ બનાવવા માટે પોલીસને જવાબદારી સોંપી દેવાઈ હતી અને બાપુનગર પોલીસે વહેલી સવારે જ કોંગ્રેસના નાગજીભાઈ દેસાઈની અટકાયત કરી હતી. અમદાવાદમાં જીજ્ઞેશ મેવાની, જગદીશ ઠાકોર અને હિંમતસિંહ પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી અને તેમણે મોંઘવારી, ડ્રગ્સના દૂષણ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા. 

NSUI દ્વારા કોલેજીસ બંધ કરાવાઈ

કોંગ્રેસના ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા માટે NSUI પણ સક્રિય બન્યું હતું અને કાર્યકરોએ અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ, સી.યુ. શાહ, સોમલલિત, એલ.ડી આર્ટ્સ અને GLS કોલેજ બંધ કરાવી હતી. NSUIના કાર્યકરોએ શૈક્ષણિક કાર્ય બંધ કરાવીને વિદ્યાર્થીઓને બંધને સમર્થન આપવા જણાવ્યું હતું અને તેમને ઘરે મોકલી દીધા હતા. સાથે જ ગુજરાત યુનિવર્સિટી પણ બંધ કરાવાઈ હતી.

કોંગ્રેસના 'ગુજરાત બંધ'ને નિષ્ફળ બનાવવા માટે ભાજપ પણ એક્શનમાં આવી ગયું છે અને પોલીસ દ્વારા કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરવામાં આવી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના કહેવા પ્રમાણે તેમની પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ ઉપરાંત તાલુકા અને જિલ્લાના આગેવાનો વેપારીઓના સંપર્કમાં છે. તેઓ દરેક દુકાને જઈને વેપારીઓને બંધમાં જોડાવા માટે અપીલ કરી રહ્યા છે. તેમણે બંધને વેપારીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનો અને ઘણાં સમય બાદ પ્રથમ વખત કોંગ્રેસને સમર્થન મળી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

જગદીશ ઠાકોર ભાજપ ડરની રાજનીતિ કરી રહ્યું હોવાનો આક્ષેપ કરવાની સાથે જ ભાજપનું સંગઠન, પોલીસ વગેરે વેપારીઓને ડરાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જગદીશ ઠાકોર દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે વેપારી એસોસિએશનને બોલાવીને જો એક પણ દુકાન બંધ રહેશે તો જોવા જેવી થશે તેવી ધમકીઓ આપવામાં આવી છે. 

રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કોંગ્રેસના આગેવાનોએ વેપારીઓને બંધના એલાનને સમર્થન આપવા માટે અપીલ કરી હતી. અમદાવાદમાં જગદીશ ઠાકોર, જીજ્ઞેશ મેવાની અને હિંમતસિંહ પટેલની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી અને વેપારીઓને દુકાનો બંધ કરવા સમજાવવામાં આવ્યા હતા. 

આંકલાવ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસી કાર્યકરોએ વાસદ બગોદરા હાઈવે પર ચક્કાજામ કર્યો હતો અને હાઈવે પર ટાયરો સળગાવ્યા હતા. ત્યરા બાદ પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 

ઈમરાન ખેડાવાલાની અટકાયત

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવીજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા અને NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં બંધનું પાલન કરાવવા રસ્તા પર ઉતર્યા છે. જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની ઓફિસ બહાર પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને તેઓ વિરોધ કરવા બહાર નીકળ્યા એટલે તેમની અટકાયત કરાઈ હતી.