×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાણીના મૃત્યુ પછી શું થાય? ઓપરેશન લંડન બ્રીજ શું છે?


- બ્રિટીશ મહારાણી એલીઝાબેથ દ્વિતીયની તબિયત નાજુક, સમગ્ર પરિવાર તેમના પડખે હાજર 

લંડન : બ્રિટનના મહારાણી એલીઝાબેથ દ્વિતીયની તબિયત અત્યારે એકદમ નાજુક છે. છેલ્લા પાંચ કલાકથી બ્રિટીશ સરકાર અને મહારાજના કુટુંબના સભ્યો એક પછી એક મહારાણીની પાસે સમય ગાળવા આવી રહ્યા છે. બ્રિટનના ઈતિહાસમાં સૌથી વધુ સમય રાજગાદી ઉપર રહેવાનો વિક્રમ ધરાવતા મહારાણીની ઉંમર ૯૬ વર્ષની છે અને ઉંમરના કારણે તેમનું હરવા ફરવાનું અને લોકોને મળવાનું ઘટી ગયું છે. 

અત્યારે મહારાણી એલીઝાબેથના મૃત્યુ અંગે કોઈ સત્તાવાર સમાચાર કે જાહેરાત નથી પણ જે રીતે કુટુંબના સભ્યો એકત્ર થઇ રહ્યા છે તેનાથી સમગ્ર બ્રિટનમાં ચિંતાનું મોજું ફેલાયું છે. 

મહારાણીના મૃત્યુ પછી શું કરવું એના માટે બ્રિટીશ સરકાર અને બ્રિટીશ રાજઘરાના દ્વારા એક ખાસ પ્લાન ૧૯૬૦થી તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન દર વર્ષે બદલાતો રહે છે અને તેમાં વિગતો ઉમેરવામાં આવતી રહે છે. આ પ્લાનનું નામ ઓપરેશન લંડન બ્રીજ છે. કોડ નેમ ઓપરેશન લંડન બ્રીજ ઈઝ ડાઉન એવી જાહેરાત થાય એટલે સમગ્ર ઉત્તર આયર્લેન્ડ અને બ્રિટનમાં એમ સમજવાનું કે મહારાણીએ દેહત્યાગ કર્યો છે!

આ પ્લાનમાં બ્રિટીશ સરકારે હવે શું કરવું, મહારાણીના ઉત્તરાધિકારી કોણ બનશે, ચર્ચમાં કેવી રીતે મહારાણીની અંતિમક્રિયા કરવી, તેમની સરકાર અને દેશમાં કેવી રીતે શોક પાળવામાં આવશે એ સમગ્ર આયોજન આ ઓપરેશન લંડન બ્રીજમાં તૈયાર રાખવામાં આવ્યું હોય છે. આ આયોજનની કેટલીક વિગત ખુદ એલીઝાબેથ દ્વિતીયએ પોતે તૈયાર કરી હોવાનું પણ બકિંગહામ પેલેસના સુત્રોએ જણાવ્યું હતું. 

ગત સપ્ટેમ્બરમાં ઓપરેશન લંડન બ્રીજ અંગે કેટલીક વધારાની વિગતો બ્રિટીશ મીડિયાના હાથમાં આવી હતી. આ પ્લાન અનુસાર મહારાણીના દેહત્યાગની સત્તાવાર જાહેરાત થયાના ૧૦ મિનીટ પછી સમગ્ર બ્રિટન અને દુનિયાભરમાં બ્રિટીશ સરકારની કચેરીમાં યુનિયન જેક અરધી કાઠીએ ફરકાવવામાં આવશે. 

મૃત્યુ પછી પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના રાજા બનશે અને મૃત્યુ થયાના દિવસે જ તે રાષ્ટ્રને સંબોધન કરશે. સરકાર વતી વડાપ્રધાન સૌથી પહેલું નિવેદન આપશે. 

મહારાણીના મૃત્યુ પછીના ૧૦માં દિવસે તેમનો અંતિમક્રિયા કરવામાં આવશે. આ ૧૦ દિવસ દરમિઆન નવા રાજા એટલે કે પ્રિન્સ ચાર્લ્સ સમગ્ર બ્રિટનની યાત્રા ઉપર નીકળશે. 

ઉપલબ્ધ માહિતી અનુસાર બ્રિટન સરકાર ૧૦ દિવસ સુધી બધા જ કાર્યો અટકાવી દેશે. બ્રિટનની સંસદમાં મહારાણીનો પાર્થિવ દેહ ત્રણ દિવસ સુધી રાખવામાં આવશે. 

મહારાણીની અંતિમ ક્રિયા વેસ્ટમીનીસ્ટર એબે ખાતે કરવામાં આવશે અને તે મધ્યાન્હે સમગ્ર દેશમાં બે મિનીટ મૌન પાળવામાં આવશે.