×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદઃ સન્માન અને શહીદીનું અપમાન, નથી જોઈતું કુરીયરથી મોકલેલું શૌર્ય ચક્ર!


- 2017માં શહીદ થયેલા ગોપાલ સિંહ ભદોરિયાના પિતાએ રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત ન થતા કુરીયર ખોલ્યા વગર જ પરત કર્યું

અમદાવાદ, તા. 08 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

આજથી 5 વર્ષ પહેલા 12 ફેબ્રુઆરી, 2017ના રોજ જમ્મુ કાશ્મીરના કુલગામ ખાતે હિજબુલ મુઝાઈદ્દીનના આતંકી હુમલામાં ભારતીય સેનાના 2 જવાનો શહીદ થયા હતા. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગના કારણે ગુજરાતમાં અમદાવાદના વતની લાન્સ નાયક ભદોરિયા ગોપાલ સિંહ પણ શહીદ થયા હતા. 

રાષ્ટ્રીય રાઈફલમાં ફરજ બજાવતા ગોપાલ સિંહે એનએસજી કમાન્ડો તરીકે પણ સેવા આપેલી અને મુંબઈમાં તાજ હોટેલ પર હુમલો થયો ત્યારે પણ પોતાની ફરજ બજાવી હતી. અમદાવાદના અસારવા વિસ્તારમાં પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ગોપાલ સિંહ ભદોરિયાના સ્ટેચ્યુનું અનાવરણ પણ કરવામાં આવેલું છે. 

તાજેતરમાં ગોપાલ સિંહના પિતા મુનિમ સિંહ ભદોરિયાએ (ઉં. 59) પોતાના પુત્રને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત થયો તે મેડલ કુરીયર દ્વારા મોકલવામાં આવતા તે પરત કર્યું છે. બાપુનગર વિસ્તારમાં રહેતા મુનિમ સિંહ અને તેમના પત્નીએ કુરીયર પરત કરવાની સાથે જ રાષ્ટ્રપતિ ભવનને આ મામલે દખલ કરવા વિનંતી કરી છે. 

શૌર્ય ચક્ર સામાન્ય રીતે રાષ્ટ્રપતિના હસ્તે જ એનાયત થતું હોય છે અને જે સન્માન રાષ્ટ્રપતિ ભવનમાં મળવું જોઈએ તે આ રીતે કુરીયર દ્વારા મોકલી દેવાતા શહીદના પિતાએ તેને સ્વીકારવાની મનાઈ કરી હતી. 

એવોર્ડ અને બેનિફીટ્સ માટે જંગ

શહીદ ગોપાલ સિંહ ભદોરિયાના એવોર્ડ્સ અને તેમના સર્વિસ બેનિફીટ્સ માટે તેમના માતા-પિતા અને પત્ની વચ્ચે કાયદાકીય લડાઈ પણ જામી હતી. હકીકતે શહીદ ગોપાલ સિંહના પત્ની હેમવતી 2011ના વર્ષમાં તેમનાથી અલગ થઈ ગયા હતા. જોકે તેમના કાયદેસર છૂટાછેડા નહોતા થયા માટે નિયમાનુસાર શહીદના પત્ની વિવિધ લાભ મેળવવા માટે હકદાર ગણાય.

શહીદના માતા પિતાએ આ મામલે કોર્ટ કેસ કર્યો હોવાના કારણે શૌર્ય ચક્ર એનાયત કરવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર 2021માં બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતા કોર્ટે એવોર્ડ અને તમામ મળવાપાત્ર લાભ શહીદના માતા-પિતાને આપવા માટે આદેશ કર્યો હતો. સિવિલ કોર્ટે પોતાના ઓર્ડરમાં એમ પણ જણાવ્યું હતું કે, પેન્શન અને અન્ય નાણાકીય લાભ સહિતના સર્વિસ બેનિફીટ્સ બંને પક્ષને સરખે ભાગે વહેંચવામાં આવશે. 

કોર્ટના આદેશ બાદ મુનિમ સિંહે ફેબ્રુઆરી 2022માં સંરક્ષણ મંત્રાલય અને સેનાને પત્ર લખીને પ્રજાસત્તાકદિન કે પછી સ્વાતંત્ર્ય દિનના રોજ રાષ્ટ્રપતિના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવે તેવી જાણ કરી હતી. 

જોકે 05 જુલાઈના રોજ સંરક્ષણ મંત્રાલયે એક અધિકારીને ગોપાલ સિંહના પરિવારને મેડલ અને સર્ટિફિકેટ સોંપવાની જવાબદારી સોંપી હતી. ત્યાર બાદ ભદોરિયા પરિવાર તે કાર્યક્રમમાં ક્યારે હાજર રહી શકશે તે માટે પણ પુછવામાં આવ્યું હતું. પરંતુ મુનિમ સિંહનો એવો આગ્રહ હતો કે, કોઈ અધિકારી નહીં પણ રાષ્ટ્રપતિના હસ્તે જ શૌર્યચક્ર એનાયત થાય. 

ત્યારે ગત સોમવારના રોજ મુનિમ સિંહના ઘરે મેડલ અને સર્ટિફિકેટનું પાર્સલ કુરીયર કરી દેવામાં આવતા તેમણે તેને ખોલ્યા વગર જ પરત કરી દીધું હતું. તેમણે પોતે આ ઘટનાથી વ્યથિત છે અને તેને કોઈ મુદ્દો નથી બનાવવા માગતા પણ સત્તાધીશોને રજૂઆત કરીને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ એનાયત થાય તે માટે રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. 

વધુમાં તેમણે શૌર્ય ચક્રને પોતાના દીકરાની સિદ્ધિ ગણાવીને તેના સાથે પોતાની લાગણી જોડાયેલી છે અને આ સન્માન મેળવવા તેમણે ઘણી લાંબી લડતની સાથે ખર્ચો કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. 

આ ઉપરાંત તેમણે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના એક ચુકાદાને પણ ટાંક્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, શૌર્યચક્ર જેવા સૈન્ય સન્માન પ્રજાસત્તાક દિન કે પછી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે યોજાતા કાર્યક્રમમાં જ એનાયત કરી શકાય. ગોપાલ સિંહ સૈનામાં હતા ત્યારે તેમનું વિશિષ્ટ સેવા મેડલથી પણ સમ્માન થયું હતું.