×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાહેર થનારી નવી ઉદ્યોગનીતિમાં મોટા ઉદ્યોગોને કંસાર, નાના-મધ્યમને થૂલી


- પોલિસીના ડ્રાફ્ટમાં MSME માટે ખૂબ ઓછાં પ્રોત્સાહન હશે, નેતાઓ, ઉદ્યોગજૂથો અને ઓફિસરોએ લાભાર્થી નક્કી કર્યા

ગાંધીનગર, તા. 06 સપ્ટેમ્બર 2022 મંગળવાર 

ગુજરાત સરકાર નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવા જઇ રહી છે. આ પોલિસીના ડ્રાફ્ટમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે સરકાર મોટા ઉદ્યોગોને વધારે પ્રોત્સાહન આપવા માગે છે તેથી નાના અને મધ્યમ ઉદ્યોગોની અવગણના દેખાઇ રહી છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આ પોલિસી જાહેર થાય તેવી શક્યતા છે.

ઉદ્યોગ વિભાગના ટોચના સૂત્રો કહે છે કે નવી ઉદ્યોગો નીતિમાં મોટા ઉદ્યોગો માલામાલ થશે અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગોને ઠેંગો મળશે, કારણ કે આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના ઘડતરમાં હિત ધરાવતા રાજકીય નેતાઓ, મોટા ઉદ્યોગોના પ્રતિનિધિઓ તેમજ મલાઇ ખાનારા અધિકારીઓએ ભેગા મળીને સહાય અને પ્રોત્સાહનોની જોગવાઇ કરી છે.સામાન્ય રીતે ઉદ્યોગ નીતિમાં રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ નવા ઉદ્યોગ સાહસિકોને આર્થિક મદદ મળી રહે તેવો ઉદ્દેશ જોવામાં આવતો હોય છે પરંતુ નવી નીતિમાં માત્ર જાયન્ટ ઉદ્યોગોને ફાયદો થાય તેવા ફેક્ટર અને ઇન્સેન્ટીવ ઉમેરવામાં આવ્યા છે. વિવિધ વિભાગો સાથે પરામર્શ કરીને આ નીતિ તૈયાર કરવામાં આવી છે.

મહત્વની બાબત એવી છે કે નીતિની તૈયારીમાં કેટલીક કન્સલ્ટન્સી ફર્મ્સ પણ સામેલ છે, જેમના સૂચનો સામેલ કરવામાં આવ્યા છે. આંતરિક સૂત્રોમાં એવી ચર્ચા છે કે નવી નીતિ ચોક્કસ કોર્પોરેટ હાઉસ, શાસક પક્ષના રાજકીય નેતાઓ અને રાજ્યમાં હિત ધરાવતા કેટલાક અમલદારોને મદદ કરશે.

નવી નીતિમાં મોટા કોર્પોરેટ્સ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેના કારણે નાના ઉદ્યોગો, ઉદ્યોગ સાહસિકો અને એમએસએમઇને નાના પાયે તેમના નવા સાહસો શરૃ કરવા ભાગ્યે જ કોઇ પ્રોત્સાહન અથવા રાહત મળી શકશે. નવા ઉદ્યોગ સાહસિકો અને એમએસએમઇ એકમના સંચાલકો મધ્યમ વર્ગમાંથી આવે છે અને તેમને ઉદ્યોગો સ્થાપવામાં રસ છે, તેમને નવી નીતિમાં કોઇ ફાયદો થવાનો નથી.

ભૂતકાળમાં સરકારે ઔદ્યોગિક નીતિમાં સભાનપણે નાના વેપારીઓ અને એમએસએમઇને પ્રોત્સાહિત કર્યા હતા તેથી તેઓ ધીમે ધીમે મોટા ઉદ્યોગોમાં પરિવર્તિન પામી શક્યા હતા પરંતુ હવે મોટા ઉદ્યોગજૂથો એવું નથી ઇચ્છતા કે અન્ય લોકો તેમના હરીફ તરીકે ઉભરી આવે. શાસક પક્ષના કેટલાક રાજકીય નેતાઓ અને સરકારના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ મોટા ઉદ્યોગજૂથો સાથે મળીને નીતિના લાભાર્થી નિશ્ચિત કરી રહ્યાં છે. સૂત્રો કહે છે કે આ પોલિસી વિધાનસભાની ચૂંટણી પહેલાં જાહેર થાય તેવું લાગી રહ્યું છે.