×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિપક્ષને એકત્ર કરવા દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, શું અરવિંદ કેજરીવાલને મનાવી શકશે?


- નીતિશ કુમાર CPMના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, CPIના જનરલ સેક્રેટરી ડી રાજા અને હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાને મળશે

નવી દિલ્હી, તા. 06 સપ્ટેમ્બર 2022, મંગળવાર

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને મંગળવારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને મળશે. આ સાથે તેઓ CPMના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, CPIના જનરલ સેક્રેટરી ડી રાજા અને હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાને મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ NCP નેતા શરદ પવાર અને સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ મળી શકે છે. 2024ની ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવાના અભિયાનના ભાગરૂપે CM નીતિશ સોમવારે પટનાથી દિલ્હી પહોંચ્યા હતા. પહેલા દિવસે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામી સાથે વાતચીત કરી હતી. નીતિશ કુમાર બુધવારે પણ દિલ્હીમાં જ રહેશે.

નીતીશ કુમાર સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, તેમને વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી. ત્યારબાદ તેઓ રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમની સાથે 50 મિનિટ સુધી વાત કરી. ત્યાર બાદ CM નીતિશ પૂર્વ PM એચડી દેવગૌડાના ઘરે પહોંચ્યા હતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને મળ્યા હતા. કુમારસ્વામીએ નીતિશ કુમારના વિપક્ષોને એક કરવાના અભિયાનની પ્રશંસા કરી હતી.

- શું નીતિશ કેજરીવાલને મનાવી શકશે?

નીતિશ કુમાર 7 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં રહેવાના છે. તેઓ આજે (મંગળવાર)દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળશે. તેમની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો CM નીતીશ કેજરીવાલને લોકસભા ચૂંટણી 2024માં તેમની સાથે જોડાવા માટે મનાવવામાં સફળ થાય છે તો વિપક્ષી એકતા વધુ મજબૂત થશે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેજરીવાલની આમ આદમી પાર્ટી કોંગ્રેસને ગઠબંધનમાં રાખવાની વરૂદ્ધ છે.

- યેચુરી અને ડી રાજાને પણ મળશે CM નીતિશ 

CM નીતિશ મંગળવારે (આજે) ડાબેરી પક્ષોના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. તેમને સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, સીપીઆઈ ચીફ ડી રાજાની મુલાકાત પ્રસ્તાવિત છે. CPM અને CPIએ બિહારમાં નીતીશ સરકારને સમર્થન આપ્યું છે. આ સિવાય નીતીશ કુમાર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓપી ચૌટાલાને પણ મળશે. ચૌટાલા ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના વડા છે. તે જ સમયે, NCP પ્રમુખ શરદ પવાર અને સપા પ્રમુખ અખિલેશ યાદવ સાથે નીતિશની પ્રસ્તાવિત મુલાકાતના સમાચાર પણ આવી રહ્યા છે. જો કે હજુ સુધી તેમની મીટિંગની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.