×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MPમાં રાશન કૌભાંડઃ 110.83 કરોડનો પોષણ આહાર ચાંઉ, ટ્રકના બિલમાં નંબર સ્કૂટરનો..!


- આશરે 40 હજાર મેટ્રિક ટન પોષણ આહાર હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું

ભોપાલ, તા. 05 સપ્ટેમ્બર, 2022, સોમવાર

મધ્ય પ્રદેશમાં ટેક હોમ રાશન સ્કીમ (THR)માં મોટા પાયે કૌભાંડ થયું હોવાની વાત સામે આવી છે. રાજ્યના અકાઉન્ટન્ટ જનરલે આ યોજનામાં ગોલમાલ થઈ હોવાનો ઈશારો કર્યો છે. જાણવા મળ્યા મુજબ જે ટ્રક દ્વારા 1,100 ટન પોષણ આહાર (રાશન)નું પરિવહન દર્શાવવામાં આવ્યું છે તે હકીકતમાં મોટર સાઈકલ અને સ્કૂટરના નંબરો છે. મતલબ કે, કંપનીઓએ મોટરસાઈકલ દ્વારા ટ્રકની ક્ષમતા જેટલા રાશનના પરિવહનનું અવિશ્વસનીય કામ કર્યું છે. 

ટ્રકની નોંધણીમાં સ્કૂટર, રીક્ષાના નંબરો

બિહારના ચારા કૌભાંડની માફક જ 110.83 કરોડ રૂપિયાના પોષણ આહારને માત્ર કાગળો પર જ વહેંચી દેવામાં આવ્યું છે. ઓડિટ રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે જે ટ્રક દ્વારા 1,100 ટનના પોષણ આહારનું પરિવહન દર્શાવવામાં આવ્યું છે તે હકીકતમાં મોટર સાઈકલ અને સ્કૂટરના નંબરો છે. ઉપરાંત આ પ્રકારના બોગસ પરિવહન માટે અધિકારીઓએ કંપનીઓને 7 કરોડ રૂપિયાની પણ ચુકવણી કરી છે. ઓડિટર જનરલ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા ભારે હડકંપ મચ્યો છે. 

ખાનગી કંપનીઓને સોંપવામાં આવી જવાબદારી

મધ્ય પ્રદેશમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કામ કરતી આંગણવાડીઓમાં કુપોષિત બાળકો અને ગર્ભવતી મહિલાઓને પોષણ આહાર વિતરિત કરવામાં આવે છે. પોષણ આહાર પહોંચાડવા માટેની જવાબદારી ખાનગી કંપનીઓને સોંપવામાં આવી હતી. 

કાગળો પર એન્ટ્રી

કંપનીઓએ રિપોર્ટમાં જે ટ્રકના નંબરો આપ્યા હતા તેમના રજિસ્ટ્રેશન નંબરની દર્શાવ્યા પ્રમાણેના તમામ રાજ્યોના પરિવહન વિભાગની વેબસાઈટ પર ચકાસણી કરવામાં આવી હતી. વેબસાઈટ પર તે નંબરો સ્કૂટર, મોટરસાઈકલ, કાર અને ઓટોના હોવાનું સામે આવ્યું હતું. મતલબ કે, કંપનીઓએ પોષણ આહારનું વિતરણ કરવાના બદલે માત્ર કાગળ પર એન્ટ્રી દર્શાવી દીધી હતી. 

રિપોર્ટમાં ભોપાલ, છિંદવાડા, ધાર, ઝાબુઆ, રીવા, સાગર, સતના અને શિવપુરી જિલ્લામાં આશરે 97 હજાર મેટ્રિક ટન પોષણ આહાર સ્ટોકમાં હોવાનો ઉલ્લેખ હતો. સાથે જ આશરે 87 હજાર મેટ્રિક ટન પોષણ આહારની ફાળવણી દર્શાવવામાં આવેલી હતી. મતલબ કે, આશરે 10 હજાર ટન આહાર ગાયબ હતો જેની કિંમત આશરે 62 કરોડ રૂપિયા જેટલી થાય છે. 

સ્ટોક અને રજિસ્ટર પણ ન મળ્યા 

એ જ રીતે શિવપુરી જિલ્લાના ખનિયાધાના અને કોલારસમાં માત્ર 8 મહિનાની અંદર 5 કરોડ રૂપિયાના પોષણ આહારની ચુકવણી સ્વીકૃત કરાઈ હતી. પરંતુ તેમના પાસેથી સ્ટોક રજિસ્ટર પણ નહોતું મળ્યું. આ કારણે પોષણ આહાર લાવવા-લઈ જવાની કોઈ એન્ટ્રી કે પંચનામુ પણ નહોતું મળ્યું. ઉપરાંત અધિકારીઓએ કોઈ પણ પ્રક્રિયા વગર જ પેઢીઓને પૂરતી ચુકવણી કરી દીધી હતી. 

હલકી ગુણવત્તાનો પોષણ આહાર

પ્રદેશ સરકારે એક સ્વતંત્ર લેબ પાસે પોષણ આહારની ગુણવત્તાની તપાસ કરાવી હતી. તેમાં પ્રદેશની વિવિધ ફર્મનું આશરે 40 હજાર મેટ્રિક ટન પોષણ આહાર હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે. 

અધિકારીઓએ તેના બદલામાં 238 કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે. તેમ છતાં હલકી ગુણવત્તાનો પોષણ આહાર મોકલનારી કંપનીઓ સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ. જવાબદાર અધિકારીઓ સાથે આ અંગે કોઈ પુછપરછ પણ નથી કરાઈ. 

ઉલ્લેખનીય છે કે, બિહારમાં આ પ્રકારે ચારા કૌભાંડ થયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ચારાના પરિવહન માટે જે ગાડીઓને ટ્રક તરીકે દર્શાવવામાં આવેલી તે હકીકતમાં બાઈક અને સ્કૂટરના રજિસ્ટ્રેશન નંબર હતા.