×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેનેડામાં છુરાબાજી: 10 લોકોના મોત, 15 ઘાયલ


- પોલીસના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદોની ઓળખ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન તરીકે કરવામાં આવી

નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર 2022, સોમવાર

કેનેડાના સસ્કેચવન પ્રાંતમાં મોટો હુમલો થયો છે. ત્યાં ચાકુથી વારાફરતી એક બાદ એક હુમલા થયા છે. આ હુમલામાં 10 લોકોના મોત થઈ ગયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. આ ઘટના સામે આવતાં જ ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીઓની શોધખોળમાં દરોડા પાડીને બે શંકાસ્પદ આરોપીઓની તસવીરો પણ જાહેર કરી છે.

આ ઘટના કેનેડાના સસ્કેચવન પ્રાંતની છે. કેનેડિયન મીડિયાના અહેવાલો અનુસાર, હુમલો પ્રાંતમાં અલગ-અલગ સ્થળોએ થયો હતો જ્યારે હુમલાખોરોએ ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. પોલીસનું કહેવું છે કે છરીના હુમલામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા છે અને 15 ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદોની ઓળખ ડેમિયન સેન્ડરસન અને માઈલ્સ સેન્ડરસન તરીકે કરવામાં આવી છે. તેમને શોધવા માટે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંને હજુ છુપાયેલા છે. તેઓને સશસ્ત્ર અને ખતરનાક માનવામાં આવે છે. હજુ સુધી એ નથી જાણી શકાયું કે, શંકાસ્પદોનો ઈરાદો શું હતો.


બીજી તરફ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હુમલાને ભયાનક ગણાવ્યો છે. ટ્રુડોએ કહ્યું કે, હું એ લોકો માટે ચિંતિત છું જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને જેઓ આ હુમલામાં ઘાયલ થયા છે. બીજી તરફ સસ્કેચવનની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે, સલામત આશ્રયસ્થાનો છોડશો નહીં અને સાવચેતી તરીકે કોઈને પણ તમારા ઘરમાં પ્રવેશવાની મંજૂરી આપશો નહીં.

બીજી તરફ આ હુમલા બાદ દેશમાં એક નવી ચર્ચાએ જન્મ લીધો છે. લોકો આશ્ચર્યમાં છે કે, છરી વડે આ રીતે પણ હુમલો થઈ શકે છે. અન્ય શહેરોમાં પણ પોલીસે વિવિધ સ્થળોએ ચેકપોઇન્ટ લગાવી છે અને મુલાકાતીઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે વાહન ચાલકોને બિનજરૂરી રીતે કોઈને લિફ્ટ ન આપવા વિનંતી કરી છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.