×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

70 વર્ષમાં કોંગ્રેસે દેશને આવી મોંઘવારી કદી નથી બતાવીઃ રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી


- ભાજપ અને RSSના નેતા દેશના ભાગલા પાડી રહ્યા છે અને જાણી જોઈને દેશમાં ભય સર્જી રહ્યા છેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર 2022, રવિવાર

દિલ્હીના રામલીલા મેદાન ખાતે કોંગ્રેસ મોંઘવારી મામલે 'હલ્લા બોલ' રેલી યોજી છે. મોંઘવારી વિરૂદ્ધની રેલીમાં સામેલ થવા માટે દેશભરના હજારો કોંગ્રેસી કાર્યકરો, કોંગ્રેસશાસીત રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પહોંચ્યા છે. રેલી પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટમાં તેઓ મોંઘવારી સામેના અવાજને જોડતા જશે અને રાજાએ સાંભળવું જ પડશે તેમ લખ્યું હતું.  

અશોક ગેહલોત સહિતના કોંગ્રેસી નેતાઓએ પાર્ટીના સમર્થનમાં રેલીમાં હિસ્સો લીધો છે. મોંઘવારી વિરૂદ્ધની 'હલ્લા બોલ' રેલીમાં મોદી સરકારની મોંઘવારી, ભ્રષ્ટાચાર અને 'જનવિરોધી' નીતિઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અશોક ગેહલોત, સચિન પાયલટ, કમલનાથ, આરાધના મિશ્રા, કુમારી શૈલજા અને રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ રેલીમાં જોડાયા છે. 

અધીર રંજન ચૌધરી પોતાના સમર્થકો સાથે માર્ચ યોજી રહ્યા હતા તે સમયે દિલ્હી પોલીસના કર્મચારીઓ અને ચૌધરીના સમર્થકો વચ્ચે અથડામણ જામી હતી. ત્યાર બાદ પોલીસે કોંગ્રેસ સમર્થકોને રામલીલા મેદાન ખાતે છોડી દીધા હતા. 

રાહુલ ગાંધીનું સંબોધન

ED ભલે 55 કલાક કે 5 વર્ષ પુછપરછ કરે, હું ડરતો નથી

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરૂપયોગનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે ઈડી દ્વારા કરવામાં આવેલી 55 કલાકની પુછપરછનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તેઓ ઈડીથી ડરતા નથી. 55 કલાક કે 5 વર્ષ સુધી પણ પુછપરછ કરવામાં આવશે તો પણ તેમને કોઈ ફરક નહીં પડે. 

27 કરોડ લોકોની ગરીબી દૂર કર્યાનો દાવો

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે UPA સરકાર દરમિયાન તેઓ 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા હતા. તેમણે ભોજનના અધિકાર, મનરેગા, દેવામાફીની યોજનાઓ દ્વારા તે સિદ્ધિ મેળવી હતી. સાથે જ મોદી સરકારે ફરી 23 કરોડ લોકોને ગરીબીમાં ધકેલ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે તેમણે 10 વર્ષમાં જે કામ કર્યું તેને ભાજપે 8 વર્ષમાં ખતમ કરી નાખ્યું. 

સચ્ચાઈ બતાવવા ભારત જોડો યાત્રાની શરૂઆત

રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જ દેશને બચાવી શકશે. કોંગ્રેસની વિચારધારા દેશને પ્રગતિના પથ પર લઈ જવા માટે સક્ષમ છે. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સરકારે સંસદમાં તેમના માટેના રસ્તા બંધ કર્યા, સંસદમાં વિપક્ષનું માઈક બંધ કરી દેવામાં આવે છે અને તેમને બોલવા નથી દેવાતા. ચૂંટણી પંચ, ન્યાયપાલિકા પર દબાણ બનાવાયેલું છે માટે તેઓ જનતા વચ્ચે જઈને દેશની સચ્ચાઈ બતાવવા ઈચ્છે છે. આ કારણે જ કોંગ્રેસ પાર્ટી 'ભારત જોડો યાત્રા' શરૂ કરવા જઈ રહી છે.  


સંઘ અને ભાજપ પર પ્રહારો

રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન મોંઘવારી મામલે ભાજપ અને સંઘના નેતાઓને આડેહાથ લીધા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જેના મનમાં ડર હોય તેના મનમાં નફરત પેદા થાય છે. હિંદુસ્તાનમાં નફરત વધી રહી છે. મોંઘવારી, બેરોજગારી અને ભવિષ્યનો ડર વધી રહ્યો છે. ભાજપ અને RSSના નેતા દેશના ભાગલા પાડી રહ્યા છે અને જાણી જોઈને દેશમાં ભય સર્જી રહ્યા છે. તેઓ લોકોને ડરાવે છે અને નફરત પેદા કરે છે. 

ઉદ્યોગપતિઓનો ઉલ્લેખ

રાહુલ ગાંધીએ ફરી એક વખત ઉદ્યોગપતિઓને ટાર્ગેટ કરતા કહ્યું હતું કે, મોદી સરકારમાં માત્ર 2 ઉદ્યોગપતિઓને જ ફાયદો થઈ રહ્યો છે. રાહુલ ગાંધીએ લોકોના મનમાં રહેલા ડર અને નફરતનો ફાયદો તેમના હાથમાં જઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, છેલ્લા 8 વર્ષમાં કોઈને કશો જ ફાયદો ન થયો. તેલ, એરપોર્ટ, મોબાઈલનું સંપૂર્ણ નેટવર્ક આ બંને ઉદ્યોપતિઓને આપવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ મોંઘવારી-બેરોજગારીના વિરોધમાં 'રામલીલા મેદાન' ખાતે કોંગ્રેસની 'હલ્લા બોલ' રેલી

કોંગ્રેસે 70 વર્ષમાં આવી મોંઘવારી ન આપી

રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે, ત્રણેય કૃષિ કાયદા ઉદ્યોગપતિઓ માટે જ લાવવામાં આવ્યા હતા. ખેડૂતોની તાકાતે સરકારને તે ત્રણેય કાયદા પાછા લેવા માટે મજબૂર કરી. હિંદુસ્તાનમાં સામાન્ય જનતા મુશ્કેલીમાં છે. GSTના કારણે નાના વેપારીઓની રોજગારી છીનવાઈ. સાથે જ એમ પણ કહ્યું હતું કે, એવો સવાલ કરવામાં આવે છે કે, કોંગ્રેસે શું કર્યું. એનો જવાબ છે કે, 70 વર્ષોમાં કોંગ્રેસે આવી મોંઘવારી કદી નથી બતાવી.