×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટક લિંગાયતના સૌથી મોટા મઠના મહંતની રેપ કેસમાં ધરપકડ બાદ રિમાન્ડ


- મઠમાં રહેતી બે સગિરાઓ પર અત્યાચાર ગુજાર્યાનો આરોપ

- મહિનાઓ સુધી રેપ કર્યાનો આરોપ, પોક્સો-એટ્રોસિટી હેઠળ ફરિયાદ થયાના સાત દિવસ બાદ ધરપકડ કરાઇ હતી

બેંગાલુરુ : કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લામાં સ્થિત મુરૂગા મઠના મહંત શિવમૂર્તિ મુરૂગા શરણારૂની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. બાદમાં તેને કોર્ટમાં રજુ કરાયા હતા જ્યાં તેમને ચાર દિવસ સુધી પોલીસ રિમાંડ પર મોકલી દેવાયા છે. આ મહંત પર બે સગિરાઓ સાથે બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ આ મહંતની ધરપકડ કરીને કેટલાક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે તેમ કર્ણાટકના એડીજીપી આલોક કુમારે કહ્યું હતું.  

પોલીસે આ ૬૪ વર્ષીય મહંત અને અન્ય ચારની સામે પોક્સો, એટ્રોસિટી અને આઇપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો જેના સાત દિવસ બાદ હાલ તેની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં તેમને કોર્ટમાં રજુ કરાયા હતા, કોર્ટે ચાર દિવસના પોલીસ રિમાંડ મંજૂર કર્યા છે. ધરપકડ કરાયેલા મહંત શરણારૂ કર્ણાટકના સૌથી મોટા લિંગાયત મઠના ધર્મગુરુ છે. મહંત પર આરોપ છે કે તેણે પોતાના જ મઠની શાળામાં અભ્યાસ કરતી ૧૫ અને ૧૬ વર્ષની સગિરાઓ પર બળાત્કાર કર્યો હતો. આ ઘટના વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ વચ્ચેની છે. 

બીજી તરફ આરોપી મહંત મુરૂગા શરણારૂએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન માટે અરજી કરી હતી, જોકે તેની જામીન અરજીને સુનાવણી માટે સ્થગિત કરી દેવામાં આવી હતી, તે પૂર્વે જ મહંતની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. બીજી તરફ મઠના અન્ય પદાધિકારીઓએ દાવો કર્યો હતો કે મહંતની સામે પૂર્વ ધારાસભ્ય બસવરાજન અને તેની પત્નીએ કાવતરુ ઘડયું છે. જ્યારે બસવરાજને કહ્યું હતું કે આરોપો સાચા છે કે જુઠા તે આવનારા સમયમાં બધાની સામે આવી જશે. અગાઉ બસવરાજન પર પણ મઠની એક મહિલાએ યૌન શોષણની ફરિયાદ કરી હતી, જેમાં હાલ બસવરાજનને જામીન મળી ગયા છે.