×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રેપ કેસના ભાગેડુ આરોપી નિત્યાનંદે સારવાર માટે શ્રીલંકાનું શરણું માગ્યું


- નિત્યાનંદે ત્રિનિદાદ પાસે પોતાનો 'કૈલાસા' નામનો આગવો દેશ રચેલો છે જેનો અલગથી પાસપોર્ટ હોવાનો દાવો કરવામાં આવે છે

નવી દિલ્હી, તા. 03 સપ્ટેમ્બર, 2022

રેપ કેસમાં ભાગેડુ આરોપી નિત્યાનંદ ફરી એક વખત ચર્ચામાં છે. પોતાની જાતને ભગવાન તરીકે ઓળખાવતા વિવાદિત એવા આ કથિત ધર્મગુરૂએ પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપીને શ્રીલંકામાં શરણું માગ્યું છે. 

નિત્યાનંદે ગત તા. 7 ઓગષ્ટના રોજ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને એક પત્ર લખ્યો હતો અને 'કૈલાસા'માં પૂરતી મેડીકલ સુવિધા ન હોવાના કારણે શ્રીલંકામાં શરણ આપવા અપીલ કરી હતી. શ્રીલંકન સરકારના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે બળાત્કારનો આરોપી નિત્યાનંદ ગંભીરરૂપે બીમાર છે અને તેને સારવારની ખૂબ જ જરૂર છે. 

નિત્યાનંદે ત્રિનિદાદ પાસે બનાવેલા 'કૈલાસા' નામના દેશના વિદેશ મંત્રી હોવાનો દાવો કરતા નિત્યપ્રેમાત્મા આનંદ સ્વામીએ શ્રીલંકન રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, 'હિંદુ ધર્મના સર્વોચ્ય પુજારી (SPH) પરમ પાવન શ્રી નિત્યાનંદ પરમશિવમને એક ગંભીર મેડીકલ સમસ્યાને પગલે તાત્કાલિક સારવારની જરૂર છે. કૈલાસામાં ઉપલબ્ધ મેડીકલ સુવિધાઓનો ઉપયોગ કરવા છતાં ડોક્ટર્સ હજુ પણ તેમની બીમારીનું નિદાન કરવામાં અસમર્થ રહ્યા છે. SPH હાલ શ્રીકૈલાસા ખાતે છે અને ત્યાં આવશ્યક તબીબી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. તેમને હાલ સારવારની ખૂબ જ ત્વરિત આવશ્યકતા છે.'

ભારતમાંથી છે ફરાર

ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ ભારતમાંથી ફરાર છે. તેણે કૈલાસા નામનો પોતાનો અલગ દેશ વસાવ્યો છે જ્યાંનો આગવો પાસપોર્ટ હોવાનો દાવો કરવામાં આવે છે. નિત્યાનંદ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે વિશ્વનો કોઈ પણ હિંદુ ત્યાંની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે. રેપ કેસનો આરોપી નિત્યાનંદ 2018માં ભારત છોડીને ભાગી ગયો હતો. કર્ણાટકમાં તેના સામે દુષ્કર્મના કેસ નોંધાયેલા છે. 

નિત્યાનંદ પર અનેક આરોપો

નિત્યાનંદના પૂર્વ ડ્રાઈવરે 2010માં તેના સામે કેસ નોંધાવ્યો હતો. નિત્યાનંદ પર અપહરણ, બાળકોને ગેરકાયદેસર રીતે કબજામાં લેવા સહિતની અનેક કલમો અંતર્ગત કેસ દાખલ છે. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. નિત્યાનંદ પર તમિલનાડુની એક અભિનેત્રી સાથે છેડછાડનો આરોપ લાગ્યો હતો.