×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તીસ્તા સેતલવાડને વચગાળાના જામીન, જેલમુક્તિનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટ કરે:સુપ્રીમ


નવી દિલ્હી,તા. 2 સપ્ટેમ્બર 2022, શુક્રવાર 

ગુજરાતના રમખાણોના કેસમાં પુરાવા સાથે ચેડાં અને છેતરપિંડીના આરોપમાં જેલમાં કેદ સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડના વચગાળાના જામીન આખરે મંજૂર કરવામાં આવ્યા છે. જોકે આ અંગે અંતે ચુકાદો ગુજરાત હાઈકોર્ટે કરવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કેસની યોગ્યતા પર નથી જતા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપીએ છીએ, કારણ કે મહિલા બે મહિનાથી જેલમાં છે. બીજું, તપાસ એજન્સીએ સાત દિવસ સુધી પૂછપરછ કરી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે, તેથી અરજદારને રાહત મળવી જોઈએ.

સીજેઆઈએ પૂછ્યું કે, શું સાક્ષીઓને તીસ્તા સેતલવાડ દ્વારા ક્યારેય હેરાન કરવામાં આવ્યા હતા અથવા તેમના તરફથી કોઈ દબાણ હતું.? તેના જવાબમાં એસજી મહેતાએ કહ્યું કે, આવી કોઈ ફરિયાદ નથી. સીજેઆઈએ સિબ્બલને પણ પૂછ્યું કે તમારે આ અંગે કંઈક કહેવું છે. 

કોર્ટે એ પણ પૂછ્યું કે શું તે મહિલાની પૂછપરછમાં કંઈ મળ્યું છે ? કેટલા દિવસ સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી? આ અંગે એસજીએ જણાવ્યું હતું કે 7 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

તીસ્તાના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ આરોપ રાજનીતિથી પ્રેરિત છે. 2002માં બનેલી ઘટનાનો આજે 2022માં આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, શું તમારા પર પુરાવા સાથે ચેડા કરવાનો કોઈ આરોપ છે. જેના પર સિબ્બલે કહ્યું, બિલકુલ નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસ હજી પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે તેથી અંતિમ નિર્ણય હાઈકોર્ટે લેવાનો રહેશે. અમારા મતે જામીન આપીને અરજદારને જેલમુક્ત કરવા જોઈએ પરંતુ હાઈકોર્ટ સ્વતંત્ર રીતે નિર્ણય લેવાય બંધાયેલ છે. અમારા માત્ર સૂચનો છે જે હાઈકોર્ટને બાધ્ય નથી.

શું છે સમગ્ર મામલો ?

ગુજરાતમાં વર્ષ 2002ના રમખાણો પૂર્વયોજિત કાવતરું હતા અને તેમાં એ સમયે મુખ્યમંત્રી (હાલ વડાપ્રધાન) નરેન્દ્ર મોદી અને અન્ય સામે કાયર્વાહી થવી જોઈએ એવી ઝકીયા જાફરીની અરજી સુપ્રીમ કોર્ટે 24 જુને ફગાવી દીધી હતી. આ અરજી અને આક્ષેપો કોઈના ઈશારે થયા હોય એવું લાગે છે અને આ ઘટનામાં કાલ્પનિક, તથ્યથી વેગળા નિવેદનો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી ટકોર પણ સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દેતા ચુકાદામાં કરી છે. 

સુપ્રીમ કોર્ટના અવલોકન 

વર્ષ 2002માં ગોધરા ખાતે સાબરમતી ટ્રેનની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો અંગે ખોટા, નકલી અને જ્વલનશીલ નિવેદનો કરનારા ગુજરાતના અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ એવું અવલોકન સુપ્રીમ કોર્ટે કર્યું હતુ. 

એ લોકો પોતે જાણતા હતા કે આ નિવેદનો ખોટા છે છતાં તેમણે આ તોફાનો અંગે બોલવાનું ચાલુ રાખ્યું હતું. આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પૂર્વ મંત્રી (જેમની પછીથી હત્યા થઇ હતી) હરેન પંડ્યા અને IPS ઓફિસર સંજીવ ભટ્ટે કરેલો દાવો કે પોતે કન્ટ્રોલરૂમમાં હાજર હતા જ્યાંથી તોફાન કરનારા લોકોને મદદ પહોચાડવામાં આવી રહી હતી. આ તથ્ય અંગે તપાસમાં કોઈ પુરાવા કે હકીકત સામે આવી નથી. આવી જ રીતે ગુજરાતના પૂર્વ DGP શ્રીકુમારે પણ ખોટા નિવેદન કર્યા હતા.

આ પણ વાંચો: મહિલા હોવાથી તીસ્તા શેતલવાડને રાહતનો અધિકાર : સુપ્રીમ કોર્ટ