×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી 13.5 ટકા : છેલ્લા એક વર્ષનું સૌથી વધુ


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩૧

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં બેઇઝ ઇફેક્ટને કારણે જીડીપી ગ્રોથ ૧૩.૫ ટકા રહ્યો છે તેમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન આજે જુલાઇ મહિનાના કોર સેક્ટરના ઉત્પાદન અને નાણાકીય ખાધના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા હતાં. જુલાઇમાં કોર સેક્ટરનું ઉત્પાદન ઘટીને ૪.૫ ટકા રહ્યું છે જે છેલ્લા છ માસનું સૌથી ઓછું છે. એપ્રિલથી જુલાઇ સુધી નાણાકીય ખાધ ૩.૪૧ લાખ કરોડ રૃપિયા રહી છે. જે સમગ્ર વર્ષના લક્ષ્યાંકના ૨૦.૫ ટકા છે.

એપ્રિલ-જૂન, ૨૦૨૨ કવાર્ટરનો જીડીપી છેલ્લા એક વર્ષનો સૌૈથી વધુ  રહ્યો છે. નેશનલ સ્ટેટિસ્કિલ ઓફિસ (એનએસઓ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં જીડીપી ગ્રોથ ૨૦.૧ ટકા રહ્યો હતો.

૨૦૨૧-૨૨ના ચોથા કવાર્ટરમા ભારતનો જીડીપી ૪.૧ ટકા રહ્યો હતો. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨નો જીડીપી ૮.૭ ટકા રહ્યો હતો.

આ અગાઉ અનેક નિષ્ણાતોએ અંદાજ વ્યક્ત કર્યો હતો કે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં ભારતીય અર્થતંત્ર  બેઇઝ ઇફેક્ટને કારણે ડબલ ડિિજિટમાં વૃદ્ધિ પામશે.ઉલ્લેખનીય છે કે એપ્રિલ-જૂન, ૨૦૨૨ કવાર્ટરમાં ચીનનો જીડીપી જીડીપી ગ્રોથ માત્ર ૦.૪ ટકા રહ્યો છે.

એપ્રિલ-જૂન, ૨૦૨૨ માટે ભારતના જીડીપી ગ્રોથ અંગે એસબીઆઇનો અંદાજ ૧૫.૭ ટકા, ઇકરાનો ૧૩ ટકા અને આરબીઆઇનો અંદાજ ૧૬.૨ ટકાનો હતો.

આજે જાહેર થયેલા જીડીપીના આંકડા દર્શાવે છે કે સમગ્ર વિશ્વના અર્થતંત્રો મંદી અને ફુગાવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે ત્યારે ભારતીય અર્થતંત્ર અનેક પડકારો છતાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

ભારતીય અર્થવ્યવસ્થાના આ શાનદાર આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે સમગ્ર વિશ્વના અનેક વિકસિત અર્થતંત્રો મંદીમાં સપડાઇ ગયા છે. વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર અમેરિકાની વાત કરીએ તો જૂન કવાર્ટરમાં અમેરિકાના જીડીપીમાં ૦.૬ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ અગાફ માર્ચ કવાર્ટરમાં અમેરિકાના જીડીપીમાં ૧.૬ ટકાનો ઘટાડો થયો હતો. જો સતત બે કવાટરમાં જીડીપી ઘટે છે તો તે અર્થતંત્ર મંદીમાં આવી ગયું હોવાનું માનવામાં આવે છે. જાન્યુઆરી કવાર્ટરમાં બ્રિટનના જીડીપીમાં ૦.૮ ટકાનો ઘટાડો થયો હતો.

ેસત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઇમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન ઘટીને ૪.૫ ટકા રહ્યો છે. જે છેલ્લા ૬ માસનો સૌથી ઓછો છે.  કોર સેક્ટરનું ઉત્પાદન જૂનમાં ૧૩.૨ ટકા, મેમાં ૯.૫ ટકા એપ્રિલમાં ૪.૮ ટકા, માર્ચમાં ૫.૯ ટકા અને ફેબુ્રઆરીમાં ૪ ટકા હતું. એક વર્ષ અગાઉ જુલાઇ મહિનામાં કોર સેક્ટરનું ઉત્પાદન ૯.૯ ટકા હતું.

આઠ કોર સેક્ટરમાં કોલસા, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીનો સમાવેશ થાય છે. જુલાઇમાં ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના ઉત્પાદનમાં અનુક્રમે ૩.૮ ટકા અને ૦.૩ ટકાનો ઘટાડો થયો છે.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ ચાર મહિના એટલે કે એપ્રિલથી જુલાઇ સુધીમાં નાણાકીય ખાધ ૩.૪૧ લાખ કરોડ રૃપિયા રહી છે. આ રકમ સમગ્રના નાણાકીય ખાધના લક્ષ્યાંકના ૨૦.૫ ટકા થાય છે. આ ચાર મહિનામાં સરકારને ૭.૮૬ લાખ કરોડ રૃપિયાની આવક જ્યારે ૧૧.૨૭ લાખ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે.