×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આતુરતાનો અંત: 17 ઓક્ટોબરના રોજ ચૂંટણી, 19મીએ કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ


- ચૂંટણી શેડ્યૂલ પ્રમાણે 22 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 28 ઓગષ્ટ 2022, રવિવાર

કોંગ્રેસમાં નવા અધ્યક્ષને લઈને ચૂંટણીની તારીખ આવી ગઈ છે. પાર્ટીએ એલાન કર્યું છે કે, નવા અધ્યક્ષની ચૂંટણી 17 ઓક્ટોબરના રોજ થશે. 19 ઓક્ટોબરના રોજ કાઉન્ટિંગ થશે. પાર્ટીએ આ નિર્ણય વર્કિંગ કમિટીની મીટિંગમાં લીધો છે. ચૂંટણી શેડ્યૂલ પ્રમાણે 22 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 24 સપ્ટેમ્બર સુધી નોમિનેશન કરી શકાશે. 30 સપ્ટેમ્બર સુધીમાં નામાંકન પત્ર પાછું ખેંચી શકાશે.17 ઓક્ટોબરના રોજ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે. 

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા છે. AICCના આગામી અધ્યક્ષની ચૂંટણી માટેના કાર્યક્રમને મંજૂરી આપવા માટે રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં CWC સાથે સંકળાયેલા તમામ સભ્યોએ ભાગ લીધો હતો અને ત્યારબાદ ચૂંટણીનો શેડ્યૂલ નક્કી કરવામાં આવ્યો હતો.

CWCની બેઠકમાં આ લોકો હાજર રહ્યા હતા

સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં બપોરે 3.30 વાગ્યે CWCની ઓનલાઈન બેઠક યોજાઈ હતી. સોનિયા ગાંધી હાલ હેલ્થ ચેકઅપ માટે વિદેશમાં છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે છે. આ બેઠકમાં આનંદ શર્મા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પાર્ટીના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રી, કેસી વેણુગોપાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ, મુકુલ વાસનિક, પી ચિદમ્બરમ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ હાજર રહ્યા હતા.

આઝાદે પાર્ટીના નેતૃત્વ પર ઉઠાવ્યા હતા સવાલ

શુક્રવારે પાર્ટીના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે રાજીનામું આપ્યા બાદ પાર્ટીમાં નેતૃત્વ સંકટ પર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા હતા. આઝાદે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીને અપરિપક્વ પણ ગણાવ્યા હતા. તેની સાથે જ તેમણે એ પણ કહ્યું હતું કે, પાર્ટીના નિર્ણય રાહુલ ગાંધી, તેમના પીએ અને સુરક્ષાકર્મી સુધી લઈ રહ્યા છે. પાર્ટીએ સમગ્ર એડવાઈઝરી સિસ્ટમને ધ્વસ્ત કરી દીધી છે.

ગયા વર્ષે પાર્ટીએ અધ્યક્ષની ચૂંટણીનું કર્યું હતું એલાન

કોંગ્રેસે ગયા વર્ષે ઓક્ટોબરમાં એલાન કર્યું હતું કે, તેમના નવા અધ્યક્ષની ચૂંટણી આ વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે. CWCએ ગયા વર્ષે નિર્ણય લીધો હતો કે, બ્લોક સમિતિઓ અને રાજ્ય કોંગ્રેસ એકમોના સભ્યો માટે 16 એપ્રિલથી 31 મે સુધી ચૂંટણી યોજાશે. જિલ્લા સમિતિના પ્રમુખોની ચૂંટણી 1 જૂનથી 20 જુલાઈ દરમિયાન યોજાશે. રાજ્યના વડાઓ અને AICC સભ્યોની ચૂંટણી 21 જુલાઈથી 20 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને AICC અધ્યક્ષની ચૂંટણી 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે.

G-23 ગ્રુપે પાર્ટીમાં સુધારાની માગ કરી હતી

2019માં સંસદીય ચૂંટણીમાં પાર્ટીને સતત બીજી વખત હાર મળ્યા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષ તરીકે ફરીથી પાર્ટીની કમાન સંભાળી હતી. આ દરમિયાન ઓગષ્ય 2020માં G-23 ગ્રુપ બન્યું અને પાર્ટીમાં સુધારાની માગને લઈને ચિઠ્ઠી લખી હતી.