×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વંદે ભારત એક્સપ્રેસઃ 180 કિમી/કલાકની ઝડપે દોડીને ટ્રાયલ રનમાં તોડ્યા તમામ રેકોર્ડ્સ


-  આ ટ્રેનને અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડાવવામાં આવે તેવી પણ શક્યતા છે

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2022, શનિવાર 

ટ્રેન-18 તરીકે પણ ઓળખાતી વંદે ભારત એક્સપ્રેસ એ ટ્રાયલ રન દરમિયાન 180 કિમી પ્રતિ કલાકની ગતિ મર્યાદાને પાર કરી છે જે રેલવે માટે એક નવી સફળતા છે. કેન્દ્રયી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અંગેનો વીડિયો શેર કરીને લખ્યું હતું કે, 'વંદેભારત-2ની સ્પીડ ટ્રાયલ કોટા-નાગદા સેક્શન વચ્ચે 120/130/150 અને 180 કિમી પ્રતિ કલાકની ઝડપે શરૂ થયું.'

200 કિમી/કલાકની ઝડપ

વંદે ભારત વર્તમાનમાં શતાબ્દી એક્સપ્રેસની જગ્યા લેશે. જો અનુકૂળ ટ્રેક અને ગ્રીન સિગ્નલ હોય તો આ ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકવા માટે સક્ષમ છે. નવી વંદે ભારતમાં 16 કોચ સાથે શતાબ્દી એક્સપ્રેસ જેટલા મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે. તેમાં બંને છેડે ડ્રાઈવર કેબિન છે અને તે સંપૂર્ણપણે વાતાનુકૂલિત ટ્રેન છે. 

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડાવાશે

ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ રેલવે સેફ્ટી કમિશનરને તેનો રિપોર્ટ મોકલવામાં આવશે અને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બીજા નવા રૂટ પર ચાલવા લાગશે. આ ટ્રેનને અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડાવવામાં આવે તેવી પણ શક્યતા છે. 

નાગરિકોની મુસાફરીને વધારે આરામદાયક અને સુરક્ષિત બનાવવા માટે નવી ટ્રેનોમાં ઓટોમેટિક ફાયર સેન્સર, સીસીટીવી કેમેરા અને જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવેલી હશે. આ ટ્રેનોની મહત્તમ ગતિ 180 કિમી પ્રતિ કલાકની છે. ICFએ ઓગષ્ટ 2023 સુધીમાં 75 વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. 

સ્ટેનલેસ સ્ટીલના કોચ

પાછલી ટ્રેનોની સરખામણીએ ડબ્બા વજનમાં હલકા હોવાના કારણે મુસાફરી વધુ આરામદાયક બનશે. ટ્રેનના કોચ સ્ટેઈનલેસ સ્ટીલના બનેલા હોવાના કારણે વજન ઓછું હોવાથી મુસાફરો વધુ ઝડપમાં પણ સહજતા અનુભવશે. તે સિવાય નવી ટ્રેનમાં પાયલોટ દ્વારા સંચાલિત ઓટોમેટિક ગેટ છે અને તેની બારીઓ પણ પહોળી છે. ઉપરાંત સામાન રાખવા માટે પણ વધારે જગ્યા છે. જાણવા મળ્યા મુજબ આ ટ્રેનના અમુક હિસ્સાઓને છોડીને બાકીના મોટા ભાગના હિસ્સાઓ 'મેડ ઈન ઈન્ડિયા' છે.

ઉપરાંત મુસાફરોની સુરક્ષા માટે તમામ નવી ટ્રેનમાં 'કવચ' ટેક્નોલોજી લગાવાઈ રહી છે જેથી એક જ ટ્રેક પર બીજી ટ્રેન આવી જાય તો ઓટોમેટિક બ્રેક વાગી જાય. હાલ ભારતમાં 2 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે જેમાં એક નવી દિલ્હી-વારાણસી રૂટ પર અને બીજી નવી દિલ્હી-વૈષ્ણોદેવી કટરા વચ્ચે ચાલે છે.