×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્લાઈમેટ ચેન્જથી આખી દુનિયામાં હીટવેવ, દુષ્કાળ, પૂર, આગની આફત


- વિશ્વના અલગ અલગ ભાગોમાં હવામાને વિનાશ વેર્યો

- ચીનમાં સૌથી મોટી યાંગત્ઝી નદી સુકાઈ, યુરોપમાં જંગલોની આગથી તાપમાન વધ્યું, ભારત અને અમેરિકામાં પૂર-ગરમીનો બેવડો માર

- રશિયાનાં દાવાનળમાં 3,000 હેક્ટરથી વધુ જમીન પર વૃક્ષો ખાખ, સુદાનમાં 400 કિ.મી. વિસ્તાર પૂરગ્રસ્ત

વોશિંગ્ટન : વર્તમાન સમયમાં આખી દુનિયા ક્લાઈમેટ ચેન્જના કારણે હવામાનની ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહી છે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે માણસ અત્યારે તેની જ ભૂલોનું પરિણામ ભોગવી રહ્યો છે. અત્યારે પૃથ્વી પરનું વાતાવરણ દરેક માટે ચિંતાનું કારણ બન્યું છે. અત્યંત વિપરિત હવામાનના કારણે પૃથ્વી પર ક્યાંક હીટવેવના કારણે જંગલોમાં વારંવાર દાવાનળ સર્જાય છે તો ક્યાંક દુષ્કાળને પગલે પાકનો નાશ થઈ રહ્યો છે તો ક્યાંક મૂશળધાર વરસાદના કારણે પૂરે આફત મચાવી છે. દુનિયાની જેમ જ કેટલાક દેશોમાં એક જ સમયે અલગ અલગ વિસ્તારોમાં એકદમ વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે.

દક્ષિણ ચીનમાં હીટવેવથી 20 લાખ હેક્ટર જમીન પર પાકને નુકસાન

દુનિયાના વાતાવરણ પર નજર કરીએ તો હાલ ચીનના દક્ષિણ પ્રાંતમાં ભયાનક ગરમી પડી રહી છે. દક્ષિણ ચીનના શિશુઆન, ફુજિયાન પ્રાંતના વિસ્તારો સતત ૧૧ દિવસ કરતાં વધુ સમયથી હીટવેવનો સામનો કરી રહ્યા છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે નદીઓનું જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે.

 વરસાદની અછતના કારણે અનેક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ છે અને ૨૦ લાખ હેક્ટર ખેતીલાયક જમીન તેની ઝપેટમાં આવી ગઈ છે અને પાકને ભારે નુકસાન થયું છે. 

દુષ્કાળના કારણએ ખાદ્યાન્નની સમસ્યા સર્જાવાની આશંકા

ચીનમાં દુષ્કાળના કારણે આગામી દિવસોમાં ખાદ્યાન્નની સમસ્યા ઊભી થવાની આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. દેશમાં વીજળીની માગ વધી છે, પરંતુ ઉત્પાદન ઘટવાના કારણે અનેક કંપનીઓમાં કામ બંધ છે અથવા આંશિકરૂપે ચાલી રહ્યું છે. 

ચીનના જળ અને કૃષિ મંત્રાલય પાકને થનારા નુકસાન અને દુષ્કાળ અંગે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. ચીનની સૌથી મોટી યાંગત્ઝી નદી લગભગ સુકાઈ જવાના સ્તરે પહોંચી ગઈ છે.

ઉત્તર ભારતમાં મૂશળધાર વરસાદ, બિહાર, બંગાળમાં દુષ્કાળ

દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતા બીજા દેશ ભારતમાં પણ હવામાનની સ્થિતિ અત્યંત ભયાનક સ્તરે છે. ચોમાસાની આ સિઝનમાં ઉત્તર ભારતના અનેક વિસ્તારો મૂશળધાર વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયા છે. બીજીબાજુ બિહાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં અપૂરતા વરસાદના કારણે દુષ્કાળની આશંકા વ્યક્ત થઈ રહી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશામાં પૂર આવતાં વ્યાપક સંખ્યામાં પાક બરબાદ થઈ ગયો છે.

પાક.માં બલુચિસ્તાનથી બાલ્ટિસ્તાનમાં પૂરની આફત

ભારતનો પડોશિ દેશ પાકિસ્તાન પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને પૂરના કારણે બેહાલ છે. અહીં બલુચિસ્તાનથી લઈને ગિલગિટ બાલ્ટિસ્તાન સુધીના બધા જ રાજ્યો પૂરની આફતનો સામનો કરી રહ્યા છે. અહીં સ્થિતિ એ થઈ છે કે ભાર વરસાદ અને પૂરના કારણે આખા પાકિસ્તાનમાં ૫૦થી વધુ લોકોનાં મોત થયા છે. મૂશળધાર વરસાદને કારણે આવેલા પૂરથી અનેક ગામો તણાઈ ગયા છે તથા તેમનો દેશના અન્ય ભાગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. લાખો લોકો સામે રોજગારીની સમસ્યાની સાથે છતનું સંકટ પણ વિકરાળ બની રહ્યું છે. પૂરની સ્થિતિ જોતાં ખૈબર પખ્તૂનખ્વાંના ચાર જિલ્લામાં ઈમર્જન્સી જાહેર કરાઈ છે.

રશિયામાં દાવાનળથી 800 હેક્ટર જંગલો ખાખ થઈ ગયા

એશિયા અને યુરોપને જોડતા દેશ રશિયામાં પણ હવામાને અનેક સમસ્યાઓ સર્જી છે. રશિયાના જંગલોમાં આગ લાગતા અંદાજે ૮૦૦ હેક્ટરથી વધુ જમીન ખાખ થઈ ગઈ છે. ઉપરાંત આ આગના કારણે ૩,૦૦૦ હેક્ટરથી વધુ જમીન પરના વૃક્ષો આગની ઝપેટમાં આવી ગયા છે. આ આગ મોસ્કોથી ઉત્તર-પૂર્વમાં રેયઝાન ઓબ્લાસ્ટમાં લાગી છે. આ સિવાય રોસ્તોવ ક્ષેત્રમાં પણ જગંલમાં ભયાનક આગ લાગી છે. બીજીબાજુ રશિયાએ યુક્રેન પર યુદ્ધ કરતાં તેના ડોનેત્સ્ક શહેર પર કબજો જમાવ્યો છે ત્યારે ડોનેત્સ્કના જંગલોમાં પણ આગ લાગી છે.

યુરોપમાં તાપમાન વધતાં આગ, જંગલોમાં આગથી ગરમીનું દુષ્ચક્ર

રશિયા તથા ચીનની જેમ જ યુરોપના અનેક દેશો ભયાનક ગરમી અને હીટવેવની ઝપેટમાં આવી ગયા છે. ફ્રાન્સ, જર્મની સહિતના અનેક દેશોના જંગલોમાં ગરમીના કારણે લાગેલી આગ પર કાબુ મેળવવામાં અગ્નિશમન વિભાગના અધિકારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. યુરોપમાં તાપમાનનું એવું વિષચક્ર સર્જાયું છે કે, ગરમીના કારણે જંગલોમાં આગ લાગી છે અને આ આગના કારણે તાપમાનમાં વધારો થયો છે. સ્પેનના લોકો પણ ત્રણ દાયકામાં પહેલી વખત જંગલની ભયાનક આગનો સામનો કરી રહ્યા છે. સ્વીટ્ઝર્લેન્ડમાં પણ આ જ સ્થિતિ છે. ભાયનક ગરમીના કારણે સ્વીટ્ઝર્લેન્ડમાં હિમશીખરો પીગળી રહ્યા છે અને દાયકાઓમાં પહેલી વખત બરફાચ્છાદિત આ પર્વતીય વિસ્તારોનો બરફ પીગળતાં જમીન દેખાવા લાગી છે.

સુદાનમાં મૂશળધાર વરસાદથી જાન-માલનું સૌથી વધુ નુકસાન થયું

યુરોપની દક્ષિણે આફ્રિકા ખંડ પણ પૂરથી મચેલી ભારે તારાજીનો સામનો કરી રહ્યો છે. અહીં મેથી ઑક્ટોબર સુધી ભારે વરસાદ થાય છે, પરંતુ આ વખતે પૂર અને મૂશળધાર વરસાદમાં જાન-માલનું સૌથી વધુ નુકસાન થયું છે. નીલ નદીની આજુબાજુનો અંદાજે ૪૦૦ કિ.મી.નો વિસ્તાર પૂરથી પ્રભાવિત થયો છે. સરકારી આંકડા મુજબ આ વખતે પૂરના કારણે અત્યાર સુધીમાં ૮૦ લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે. સુદાનના છ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે ઈમર્જન્સી જાહેર કરાઈ છે.

અમેરિકામાં ઉત્તરમાં પૂરની આફત, દક્ષિણમાં કાળઝાળ ગરમીથી દુષ્કાળ

દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા પણ અત્યારે કુદરતના કોપનો સામનો કરી રહ્યો છે. ભારતની જેમ અમેરિકામાં એકબાજુ ઉત્તરમાં ભયાનક ગરમી અને હીટવેવથી લોકોના હાલ બેહાલ છે તો બીજીબાજુ દક્ષિણના રાજ્યોમાં પૂરે સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે. ટેક્સાસ, નેશનલ પાર્ક, યુટા અને ન્યૂ મેક્સિકોમાં પૂરે આફત સર્જી છે તો અનેક જગ્યાએ દુષ્કાળના કારણેે જળસ્તર ખૂબ જ નીચે જતું રહ્યું છે.

ટેક્સાસમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે જ્યારે કેલિફોર્નિયા અને લોસ એન્જેલસ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ અમેરિકા ખંડના બ્રાઝિલમાં વિશ્વનું ફેફસું ગણાતા અમેઝોનના જંગલો દાવાનળથી સાફ થઈ રહ્યા છે. આ વખતે આ જંગલોમાં પહેલાની સરખામણીમાં વધુ મોટા વિસ્તારોમાં આગ લાગી છે, જેણે લોકોની સમસ્યા વધારી છે.

ચીનમાં દુષ્કાળ સામે લડવા વરસાદનું વાવેતર

દક્ષિણ ચીન ભયાનક દુષ્કાળનો સામનો કરી રહ્યું હોવાથી તેની સૌથી મહત્વપૂર્ણ અને એશિયાની સૌથી લાંબી યાંગ્ત્ઝે નદીમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. આ નદી કરોડો લોકોને પીવાનું પાણી પૂરું પાડવાની સાથે સિંચાઈમાં મદદ કરે છે. જોકે, આ નદી સુકાઈ રહી હોવાથી ચીને હવે કૃત્રિમ વરસાદ કરીને આ વિસ્તારમાંથી દુષ્કાળ સામે લડવાની તૈયારી કરી છે. ચીનના અનેક વિસ્તારોમાં તાપમાન ૪૦ ડિગ્રી સે.થી વધુ હતું, જે ૬૩ વર્ષથી તાપમાનમાં સતત વધારો દર્શાવે છે.

ચીન હવે ક્લાઉડ સીડિંગની પ્રક્રિયાથી વરસાદ લાવવા માગે છે. સામાન્ય રીતે સિલ્વર આયોડાઈડ અથવા અન્ય ક્રિસ્ટલ કણને આકાશમાં નિશ્ચિત ઉંચાઈ પર છોડી દેવામાં આવે છે, જેનું પ્રમાણ વધતાં તે વરસાદ બનીને જમીન પર પડે છે. જોકે, ચીનની આ પદ્ધતિ અંગે વૈજ્ઞાાનિકોમાં મતભેદ છે. કેટલાકનું માનવું છે કે આ પ્રક્રિયા વધુ સફળ નથી જ્યારે કેટલાકને તેનાથી સારો વરસાદ થવાની આશા છે.