×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સોમવારે સેન્સેક્સ 872 પોઈન્ટ તૂટ્યો: બે દિવસમાં રૂ.6.47 લાખ કરોડનું ધોવાણ

અમદાવાદ તા. 22 ઓગષ્ટ 2022,સોમવાર

ઓગસ્ટ મહિનામાં ભારત અને વૈશ્વિક શેરબજારમાં જોવા મળેલી તેજીના વંટોળમાં એવું લાગી રહ્યું હતું કે હવે બજાર ફરી ઉંચાઈના નવા વિક્રમ બનાવશે ત્યારે વ્યાજ દર હજુ પણ વધશે એવી ચિંતાઓ વચ્ચે બે દિવસમાં શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. આ બે દિવસમાં ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.૬.૪૭ લાખ કરોડ ઘટી ગઈ છે. ગુરુવારે જ ભારતીય બજારમાં રૂ.૨૮૦ લાખ કરોડની રોકાણકાર સંપત્તિનો વિક્રમ બન્યો હતો. 

સોમવારે ભારતીય શેરબજાર નરમ ખુલ્યા હતા દિવસ ભરની વેચવાલી બાદ સેન્સેક્સ ૮૭૨ પોઈન્ટ ઘટી ૫૮,૭૭૩૬ અને નિફ્ટી ૨૬૭ પોઈન્ટ ઘટી ૧૭,૪૯૦ની સપાટીએ બંધ આવ્યા હતા. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી માત્ર નેસ્લે અને આઈટીસી વધ્યા હતા જયારે બાકીની કંપનીઓ ઘટી હતી. નિફ્ટીની ૫૦ કંપનીઓમાંથી ૪૫ શેરના ભાવ ઘટેલા હતા. સેક્ટરમાં બેન્કિંગ, મેટલ્સ, રીઅલ એસ્ટેટમાં વેચવાલી વધારે તીવ્ર હતી. આજની બજારમાં સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં પણ વ્યાપક વેચવાલી હતી. 

અમેરીકામ ફેડરલ રિઝર્વની બેઠક તા.૨૧ સપ્ટેમ્બરના રોજ છે ત્યારે સ્થાનિક મોંઘવારી આંશિક ઘટી હોવા છતાં ચાર દાયકાની સૌથી ઉંચી સપાટીએ છે એટલે વ્યાજના દર ચોક્કસ ૦.૫૦ ટકાથી ૦.૭૫ ટકા વધશે એવી આશા રાખવામાં આવી રહી છે. ભારતમાં પણ રિઝર્વ બેંકે મોંઘવારી મુશ્કેલી સર્જી શકે એમ છે અને વ્યાજના દર વધશે એવો સંકેત આપ્યો હોવાથી વ્યાજના દર વધવાથી જે કંપનીઓની કમાણીને અસર પહોંચે એ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે. 

શેરબજારમાં જોખમ લગતા લોકો રોકડ તરફ વળી રહ્યા છે. રોકડની આ ગતિનો સંકેત અમેરિકન ડોલર છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સ (ડોલરની વિશ્વના અન્ય છ ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ઇન્ડેક્સ) ૧૦૮ની સપાટીએ હતો. ડોલર ઇન્ડેક્સ ગત સપ્તાહે બે વર્ષમાં સૌથી વધુ સાપ્તાહિક વધારા સાથે બંધ આવ્યો હતો જે સૂચવે છે કે ત્યારે નફો બંધી લોકો રોકડ એકત્ર કરી રહ્યા છે.