×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

J&K: ગુલામ નબી આઝાદનું કોંગ્રેસ પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામુ


- ગત 15 ઓગષ્ટના રોજ આઝાદ રાહુલ ગાંધી સાથે 'આઝાદી ગૌરવ યાત્રા'માં પણ સામેલ થયા હતા

નવી દિલ્હી, તા. 17 ઓગષ્ટ 2022, બુધવાર

જમ્મુ કાશ્મીરના રાજકારણમાં ભારે મોટી હલચલ જોવા મળી છે. દિગ્ગજ કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે જમ્મુ કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. પ્રચાર સમિતિના અધ્યક્ષ પદે નિયુક્તિના અમુક કલાકોમાં જ તેમણે રાજીનામુ આપી દીધું હતું. આ સાથે જ તેમણે જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના રાજકીય મુદ્દાઓની સમિતિની સદસ્યતામાંથી પણ ત્યાગપત્ર આપી દીધો છે. 

ગુલામ નબી આઝાદે કયા કારણસર રાજીનામુ આપ્યું તે હજુ સ્પષ્ટ નથી થયું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ગુલામ નબીના નજીકના ગણાતા વકાર રસૂલ વાનીને મંગળવારના રોજ પોતાના જમ્મુ કાશ્મીર એકમના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ 47 વર્ષીય વાનીને તે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાની સાથે જ 73 વર્ષીય આઝાદને ચૂંટણી અભિયાન સમિતિની કમાન સોંપી હતી. 

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન પ્રમાણે સોનિયા ગાંધીએ જમ્મુ કાશ્મીર કોંગ્રેસ કમિટી માટે ચૂંટણી અભિયાન સમિતિ તથા રાજકીય મુદ્દાઓની સમિતિ (પીએસી) સહિત 7 સમિતિઓની પણ રચના કરી હતી.  

વેણુગોપાલે કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ ગુલામ અહમદ મીરનું પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ સ્વીકાર્યું હતું અને તેમના સ્થાને રસૂલ વાનીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. આઝાદના નજીકના ગણાતા વાની પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તથા બાનિહાલના ધારાસભ્ય રહી ચુક્યા છે. 

આઝાદ કોંગ્રેસના 'G-23' જૂથના પ્રમુખ સદસ્ય રહ્યા છે. આ નવી નિયુક્તિઓ બાદ એવું માનવામાં આવતું હતું કે, કોંગ્રેસ હાઈકમાન અને ગુલામ નબી આઝાદ વચ્ચેના સંબંધોમાં સુધારો આવ્યો છે. ગત 15 ઓગષ્ટના રોજ આઝાદ રાહુલ ગાંધી સાથે 'આઝાદી ગૌરવ યાત્રા'માં પણ સામેલ થયા હતા પરંતુ આ બધા વચ્ચે રાજીનામાના સમાચાર આંચકારૂપ છે.