×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો


- સલમાન રશ્દી 1980ના દશકામાં પોતાના પુસ્તક 'સેતાનિક વર્સિઝ'ના કારણે વિવાદોમાં ફસાયા હતા અને મુસ્લિમ સમાજની નારાજગીનો ભોગ બન્યા હતા

નવી દિલ્હી, તા. 13 ઓગષ્ટ 2022, શનિવાર

ભારતીય મૂળના અંગ્રેજી લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્ક ખાતેના એક કાર્યક્રમ દરમિયાન હુમલાની ઘટના બની છે. તેઓ સ્ટેજ પર હતા તે સમયે તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. હુમલા બાદ તેમને એરલિફ્ટ કરીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

કઈ રીતે થયો હુમલો

સમગ્ર ઘટનાને નજરે નિહાળનારા રબ્બી ચાર્લ્સ નામના એક વ્યક્તિએ જણાવ્યું કે, રશ્દી ભાષણ આપવાના હતા તે પહેલા આ પ્રકારે હુમલો થયો હતો. હુમલો કરનારો આરોપી સ્ટેજ પર રશ્દી સહિતના અન્ય લોકો હતા ત્યાં પહોંચીને રશ્દી તરફ ધસી ગયો હતો. સુરક્ષા અધિકારીઓ કશું સમજે તે પહેલા જ તેણે આશરે 20 સેકન્ડમાં જ રશ્દી પર તીક્ષ્ણ હથિયાર વડે 10થી 15 પ્રહારો કરી દીધા હતા. 

આરોપીને કસ્ટડીમાં લેવાયો 

ન્યૂયોર્ક પોલીસે ચપ્પા વડે હુમલો થયો હોવાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, હુમલાની ઘટના બાદ રશ્દીને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જ્યારે હુમલો કરનારા શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હુમલા દરમિયાન ઈન્ટરવ્યુ લેનારા વ્યક્તિને પણ માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. 

રશ્દીના ભાષણ પહેલા પરિચય વિધિ ચાલી રહી હતી તે સમયે આ હુમલો થયો હતો અને લેખક જમીન પર પડી ગયા હતા. બાદમાં હુમલો કરનારા વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હતો. 


સેતાનિક વર્સિઝ પુસ્તક બાદ લેખકનો વિરોધ

ભારતીય મૂળના અંગ્રેજી લેખક સલમાન રશ્દી 1980ના દશકામાં પોતાના પુસ્તક 'સેતાનિક વર્સિઝ' (Satanic Verses)ના કારણે વિવાદોમાં ફસાયા હતા. તે પુસ્તકના કારણે મુસ્લિમ સમાજમાં ભારે રોષ પ્રવર્ત્યો હતો અને ઈરાન સહિતના અનેક દેશોમાં તે પુસ્તક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો. 

હત્યા માટે ફતવો

સેતાનિક વર્સિઝ પુસ્તકના કારણે નારાજ થયેલા ઈરાનના એક ધાર્મિક નેતાએ સલમાન રશ્દીની હત્યા માટે ફતવો પણ બહાર પાડ્યો હતો. ત્યારથી રશ્દી સતત મુસ્લિમ કટ્ટરપંથીઓના નિશાના પર છે.