×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહારમાં 'ઓપરેશન લોટસ'ની હિલચાલ : જેડીયુનો આરોપ


- પૂર્વ કેન્દ્રીયમંત્રી આરસીપી સિંહ જેડીયુના કેટલાક ધારાસભ્યોનાં સંપર્કમાં હોવાનો દાવો

- મુખ્યમંત્રી સત્તા ટકાવી રાખવા માટે લાલુનો સહારો લેવા તૈયાર: નીતીશ કુમારે સોનિયા ગાંધીને ફોન કરતાં બિહારના રાજકારણમાં ગરમાવો

- આરસીપી સિંહની હકાલપટ્ટી સહિતના મુદ્દે ચર્ચા કરવા આજે પટણામાં ધારાસભ્યોની બેઠક : ગઠબંધન સંદર્ભે નિર્ણય લેવાય એવી શક્યતા

- નીતિશ ભાજપ સાથે ગઠબંધન તોડશે તો અને સમર્થન આપીશું : આરજેડી

પટણા : બિહારમાં રાજકીય ગરમાવો આવ્યો છે. નીતીશ કુમારે તાત્કાલિક અસરથી તમામ ધારાસભ્યોને પટણામાં હાજર રહેવાની સૂચના આપી છે અને અગત્યની બેઠક બોલાવી છે. રાજદે પણ તમામ ધારાસભ્યોને પટણામાં રહેવાની તાકીદ કરી છે. તો ભાજપે ધારાસભ્યોને દિલ્હી બોલાવવાની હિલચાલ કરી છે. આ સ્થિતિ વચ્ચે જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજને ભાજપ તરફ ઈશારો કરીને ટીકા કરી હતી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર વિરૂદ્ધ ષડયંત્ર ઘડાતું હોવાનો આરોપ લગાવ્યો હતો. નીતીશ કુમારે સોનિયા ગાંધીને ફોન કર્યો હોવાનો દાવો થયો તે પછી ભાજપ-જેડીયુના ગઠબંધનમાં ભંગાણ પડે એવી ચર્ચાએ જોર પકડયું હતું.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપ સાથે ગઠબંધન તોડીને નવા સમીકરણો રચે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને નીતીશ કુમાર બિહારમાં સરકાર બનાવે એવી અટકળો તેજ થઈ ગઈ છે. બિહારમાં ગઠબંધનના બંને સાથીપક્ષો ભાજપ અને આરજેડીએ એક બીજાનું નામ લીધા વગર ઈશારા-ઈશારામાં આરોપનામું ઘડયું હતું. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજને કહ્યું હતું કે નીતીશ કુમારના વિરૂદ્ધમાં કેટલાક લોકોએ ષડયંત્ર રચ્યું છે. નીતીશ કુમારની સરકારને ઉથલાવવાની પેરવી થઈ રહી છે. ભાજપના કેટલાક ધારાસભ્યો અગાઉ રાજ્યમાં તેમના ધારાસભ્યો વધારે હોવાથી મુખ્યમંત્રી પક્ષનો હોવો જોઈએ એવો ગણગણાટ કરી ચૂક્યા હોવાથી બંને વચ્ચે તંગદિલી વધી હતી. એમાં તાજેતરના કેટલીક ઘટનાઓએ ઘી હોમવાનું કામ કર્યું છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહને જેડીયુએ બેનામી સંપત્તિના મુદ્દે કારણદર્શક નોટિસ પાઠવી હતી. આરસીપી સિંહ એક સમયે નીતીશના કરીબી અને જેડીયુના અધ્યક્ષ હતા. આરસીપી સિંહે ગર્ભીત ધમકી આપી હતી એના બે દિવસમાં જ જેડીયુના નેતાઓએ એવો આરોપ લગાવ્યો હતો કે આરસીપી સિંહ જેડીયુના કેટલાક ધારાસભ્યોના સંપર્કમાં છે. જેડીયુમાં ભંગાણ પડાવવા માટે ભાજપના અમુક સ્થાનિક નેતાઓ સક્રિય થયા હોવાના દાવા પણ થઈ રહ્યા છે. બિહારમાં મહારાષ્ટ્ર મોડેલ પર કામ કરીને ઓપરેશન લોટસ પાર પાડવામાં આવે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

તમામ અટકળો વચ્ચે નીતીશ કુમારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરી હોવાનો દાવો થયો હતો. નીતીશ કુમાર લાલુ પ્રસાદ યાદવના આરજેડી અને કોંગ્રેસના સહયોગથી ગઠબંધન બનાવીને સત્તા ટકાવી રાખવા પ્રયાસો કરે છે એવા અહેવાલો રજૂ થયા હતા. નીતીશ કુમારે તમામ ધારાસભ્યોને પટણામાં હાજર રહેવાનું ફરમાન કરવાની સાથે સાથે મંગળવારે સાંજે બેઠકમાં હાજર રહેવાનું પણ કહ્યું છે. આ બેઠક બાબતે ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું હતું કે આરસીપી સિંહની હકાલપટ્ટી સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા થશે. ગઠનબંધન બાબતે પણ કોઈ નિર્ણય લેવાઈ શકે છે. પરંતુ મોટું પરિવર્તન થઈ શકે છે. આરજેડીના નેતાઓ સીધું મગનું નામ મરી પાડતા નથી, પરંતુ સૂચક નિવેદનો આપીને કહે છે કે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ જે નિર્ણય કરશે એમાં તમામ નેતાઓ અને ધારાસભ્યોનું સમર્થન હશે. આરજેડીના રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ કહ્યું હતું કે બિહારમાં જે રાજકીય પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ જોઈ શકાય તેમ નથી. રાજ્યમાં ધારાસભ્યોના સંખ્યાબળની રીતે આરજેડી સૌથી મોટી પાર્ટી છે. જનતાના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તે યોગ્ય રહેશે. આરજેડીના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે નીતીશ કુમાર ભાજપ સાથે છેડો ફાડી નાખશે તો આરજેડી અમારી પાર્ટી સમર્થન આપી શકે છે. કારણ કે આ બંને પાર્ટી ભેગી થાય તો સરકાર રચી શકે તેમ છે.

નીતીશે સોનિયા ગાંધીને ફોન કર્યો, કોંગ્રેસનો ધારાસભ્યોને પટણામાં રહેવા આદેશ

બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમારે કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી સાથે ફોન ઉપર વાત-ચીત કરી હતી. નીતીશકુમારે નરેન્દ્ર મોદીની કેબિનેટમાં દાખલ થવાનો ઇનકાર કરી દીધો હતો.

આ સાથે બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલમાં કોંગ્રેસનો એંગલ પણ દેખાય છે. નીતીશકુમારે સોનિયા ગાંધી સાથે ફોન પર વાતચીત કર્યા પછી કોંગ્રેસે તેના ધારાસભ્યોને પટણા પહોંચી જવા જણાવ્યું છે.

આમ બિહારમાં અત્યારે રાજકીય સ્થિતિ ઘણી જટિલ બની છે. નીતીશકુમારે તેમની પાર્ટીના ધારાસભ્યો, સાંસદોને પટણા બોલાવ્યા છે. હવે તે સ્પષ્ટ થતું જાય છે કે બિહારમાં ભાજપ-જેડી (યુ)ના માર્ગો જુદા પડતા જાય છે. 

બિહારમાં સંખ્યાબળ

બિહાર વિધાનસભામાં કુલ ૨૪૩માંથી બહુમતી માટે ૧૨૨ બેઠકોની જરૂર પડે છે. 

પક્ષ

ધારાસભ્યો

આરજેડી

૭૫

ભાજપ

૭૪

જેડીયુ

૪૩

કોંગ્રેસ

૧૯

સીપીઆઈએલ

૧૨