×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ક્રિપ્ટો એક્સચેન્જ WazirX પર EDના દરોડા : રૂ. 65 કરોડની સંપત્તિ ટાંચમાં

અમદાવાદ,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવાર

ભારતનું ટોચનું ક્રિપ્ટો એક્સચેન્જ ફરી કેન્દ્રિય તપાસ એજન્સીના રડારમાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 5 ઓગસ્ટના રોજ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લેટફોર્મ WazirXની માલિકી ધરાવતી કંપની ઝનમાઈ લેબ્સ પ્રાઈવેટ લિમિટેડ(Zanmai Labs Private Limited) અને તેના એક ડિરેક્ટરના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સિવાય દરોડા દરમિયાન EDએ રૂ. 64.67 કરોડની બેંક સંપત્તિઓ પણ ફ્રીઝ કરી છે. 

WazirX ભારતીય ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ છે જે બિટકોઇન, ઇથેરિયમ, ટ્રોન, રિપલ અને લાઇટકોઇન જેવી ડિજિટલ કરન્સીમાં ટ્રેડિંગ માટે પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. કેન્દ્રિય એજન્સીએ ઇન્સ્ટન્ટ લોન એપ કંપનીઓને છેતરપિંડીના નાણાંની લોન્ડરિંગમાં આરોપીની વર્ચ્યુઅલ ક્રિપ્ટો એસેટ્સની ખરીદી અને ટ્રાન્સફરમાં મદદ કરવા બદલ WazirXના ડિરેક્ટર સામે પણ પગલાં લીધાં હતા.

મીડિયા અહેવાલમાં જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે જ્યારે પોલીસ અને EDએ તવાઈ વર્તાવી ત્યારે લોન એપ કંપનીઓએ ક્રિપ્ટોકરન્સી રૂટનો ઉપયોગ કરીને દેશમાંથી નાણાં બહાર લઈ જવાનો રસ્તો અપનાવ્યો હતો. મોટા ભાગના પૈસા હોંગકોંગમાં ક્રિપ્ટો એસેટ્સ દ્વારા WazirX દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અમને ક્રિપ્ટો એસેટ્સમાં આ કાળા નાણાં ટ્રાન્સફર કરવા સંબંધિત પુરાવા મળ્યા છે. અમે WazirXની રૂ. 100 કરોડથી વધુ ક્રિપ્ટો એસેટ્સ ફ્રીઝ કરી છે.”

તપાસ એજન્સી હાલમાં ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતી ધિરાણ પ્રથાઓ માટે અને ઉચ્ચ વ્યાજની ઉચાપત કરવા માટે ઉધાર લેનારાઓનો દુરુપયોગ કરનારા ટેલિકોલરનો ઉપયોગ કરવા બદલ સંખ્યાબંધ ભારતીય NBFCs અને તેમના ફિનટેક ભાગીદારો સામે મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.

બે કેસની તપાસ ચાલુ : FM 

નાણા મંત્રાલયે 2 ઓગસ્ટે રાજ્યસભામાં માહિતી આપી હતી કે ED ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (FEMA)ની જોગવાઈઓ હેઠળ WazirX વિરુદ્ધ બે કેસની તપાસ કરી રહી છે. Zanmai Labs તેના પ્લેટફોર્મ પર Binanceના વોલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી રહી છે.

નાણા મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે “એવું જાણવા મળ્યું છે કે આ 2 એક્સચેન્જો વચ્ચેના તમામ ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન્સ બ્લોકચેન પર પણ રેકોર્ડ કરવામાં આવતા ન હતા અને આ રીતે તે રહસ્યમય હતા. આ સિવાય WaxirX સામે FEMAની જોગવાઈઓ હેઠળ 2790 કરોડ રૂપિયાની ક્રિપ્ટો અસ્કયામતોને અજાણ્યા વૉલેટમાં બહાર મોકલવાની મંજૂરી આપવા બદલ કારણદર્શક નોટિસ (SCN) જારી કરવામાં આવી છે.

WazirXએ એફટીએક્સ, બિનાન્સ વગેરે જેવા થર્ડ પાર્ટી એક્સચેન્જોમાંથી ટ્રાન્સફરનો ઉપયોગ કરીને એક ક્રિપ્ટોને બીજામાં રૂપાંતરિત કરવાની વિદેશી વપરાશકર્તાઓની અરજીને મંજૂરી આપી છે, તેમ મંત્રાલયે ઉમેર્યું હતું.

આ વર્ષની શરૂઆતમાં EDએ 11 જૂને ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirX અને તેના ડિરેક્ટર્સ નિશ્ચલ શેટ્ટી અને સમીર મ્હાત્રેને રૂ. 2790.74 કરોડના ટ્રાન્ઝેક્શનોના સંબંધમાં ગાઈડલાઈનના કથિત ઉલ્લંઘન બદલ કારણદર્શક નોટિસ જારી કરી હતી.