×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, રાહુલ ગાંધીને કસ્ટડીમાં લેવાયા


- કોંગ્રેસી નેતાઓએ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં પાર્ટી કાર્યાલય ખાતેથી કૂચ આરંભી 

નવી દિલ્હી, તા. 05 ઓગષ્ટ 2022, શુક્રવાર

કોંગ્રેસે આજે મોંઘવારી, બેરોજગારી, ખાદ્ય પદાર્થો પર લાગુ કરવામાં આવેલા જીએસટી, અગ્નિવીર યોજનાના વિરોધમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે. કોંગ્રેસના આ કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સામાન્ય કાર્યકરો પણ સામેલ થઈ રહ્યા છે. 

કોંગ્રેસના હલ્લાબોલ વચ્ચે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને કસ્ટડીમાં લીધા છે. આ કારણે કોંગ્રેસના અનેક સાંસદો વિજય ચોક ખાતે ધરણાં પર બેસી ગયા છે. રાહુલ ગાંધી કોંગ્રેસી સાંસદો સાથે સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધીની માર્ચ યોજી રહ્યા હતા તે સમયે પોલીસે તેમને વિજય ચોક ખાતે જ અટકાવી દીધા હતા. બાદમાં પોલીસે રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે કોંગ્રેસને આ માર્ચ માટે મંજૂરી નહોતી આપી અને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવેલી છે. 

આ પણ વાંચોઃ '70 વર્ષમાં દેશ બન્યો, ભાજપે 8 વર્ષમાં ખતમ કરી દીધો' કોંગ્રેસના રાષ્ટ્રવ્યાપી પ્રદર્શનની શરૂઆત

સોનિયા ગાંધીની ઉપસ્થિતિ

કોંગ્રેસી સાંસદોએ કાળા કપડામાં સંસદથી માર્ચ યોજી હતી. તે દરમિયાન સોનિયા ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ દિલ્હી સિવાય બિહાર, તેલંગાણા, રાજસ્થાન સહિત દેશભરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ચાલું જ છે. કોંગ્રેસી કાર્યકરો દિલ્હીમાં વરસાદને અવગણીને રસ્તો રોકી રહ્યા છે. 


પ્રિયંકાની આગેવાનીમાં માર્ચ

કોંગ્રેસી નેતાઓએ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં પાર્ટી કાર્યાલય ખાતેથી કૂચ આરંભી હતી. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ કાર્યાલય બહાર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરી દેવાયું છે. ઉપરાંત કોંગ્રેસી કાર્યકરોને કસ્ટડીમાં પૂરવા માટે 10થી વધુ બસ ઉભી રાખી દેવામાં આવી છે.

  કોંગ્રેસી નેતા રાજીવ શુક્લાએ જણાવ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવા પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ પોલીસે તેમને અટકાવી દીધા છે. કોંગ્રેસી સાંસદો તેમની ધરપકડ કરવા માટે માંગણી કરી રહ્યા છે. 

કોંગ્રેસી નેતા પી. ચિદંબરમે જણાવ્યું કે, આ વિરોધ મોંઘવારી અને અગ્નિપથનો છે. મોંઘવારીએ સૌ કોઈને ભરડામાં લીધા છે. રાજકીય પાર્ટી હોવાના નાતે આપણું કર્તવ્ય બને છે કે, લોકોના અવાજને બહાર લાવવામાં આવે. માટે જ અમે પ્રદર્શન કરી રહ્યા છીએ. 

આ પણ વાંચોઃ કોંગ્રેસ પાર્ટી પરિવારના ખીસ્સામાં, તમે ઈચ્છો છો પાર્ટીની સંપત્તિ પણ તમારા ખીસ્સામાં આવેઃ પ્રસાદ