×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇડીએ નેશનલ હેરાલ્ડની ઓફિસને સીલ કરતા કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા


- કોંગ્રેસ સંચાલિત અખબાર સામે મની લોન્ડરિંગ બદલ કાર્યવાહી

- ઇડી અંગેના ચુકાદાથી કેન્દ્રને એજન્સીના દુરુપયોગની છુટ મળી, સુપ્રીમ ફરી વિચારણા કરે : 17 વિપક્ષોની માગ

- કોંગ્રેસ કાર્યાલય, ગાંધી પરિવારના ઘરની સુરક્ષા વધારવામાં આવી

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર હેઠળ આવતી એજન્સી ઇડીએ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવતા અખબાર નેશનલ હેરાલ્ડના કાર્યાલય સહિત ૧૨ જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા. જેના બીજા જ દિવસે ઇડીએ દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડના કાર્યાલયને સીલ કરી દીધુ છે. ઇડીની આ કાર્યવાહી બાદ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ થઇ રહ્યો છે અને દિલ્હીમાં કોંગ્રેસના મુખ્ય કાર્યાલયની બહાર મોટા પ્રમાણમાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ મામલો આગામી દિવસોમાં ઉગ્ર બની શકે છે.

ઇડી મની લોન્ડરિંગ કાયદા હેઠળ નેશનલ હેરાલ્ડ અખબારની ગેરરીતીના આરોપોની તપાસ કરી રહી છે. જેમાં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અનેકની પૂછપરછ થઇ ચુકી છે. જ્યારે મંગળવારે જ ઇડીએ નેશનલ હેરાલ્ડના કાર્યાલય સહિત ૧૨ સ્થળે પુરાવા એકઠા કરવા દરોડા પાડયા હતા. બાદમાં આ અખબારનું કાર્યાલય સીલ કરી દેવાયું છે. બીજી તરફ ઇડીની કાર્યવાહી સામે વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો શરૃ કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપરાંત ગાંધી પરિવારની સુરક્ષા પણ વધારવામાં આવી છે.   

ઇડીનો વિવાદ સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કાયદામાં થયેલા સુધારા અને ઇડીને આપેલી સત્તાને પડકારતી ૨૪૦થી વધુ અરજીઓને ફગાવી દીધી હતી. આ અરજીઓ વિપક્ષ દ્વારા થઇ હતી. તેથી હવે બુધવારે વિપક્ષે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે સુપ્રીમના ચુકાદાથી વિપરીત અસર થશે અને ઇડીનો દુરુપયોગ પણ વધશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, ડાબેરી પક્ષો સહિત ૧૭ વિરોધ પક્ષોએ સંયુક્ત રીતે નિવેદન જારી કરીને સુપ્રીમ કોર્ટને પોતાના ચુકાદા અંગે ફરી વિચારણાની અપીલ કરી છે. 

વિપક્ષે આ મામલાને લાર્જર બેંચ સમક્ષ મોકલવાની માગણી પણ કરી છે.  સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે ઇડીને મની લોન્ડરિંગ કાયદા હેઠળ જપ્તી, ધરપકડ કે અટકાયત વગેરેનો અધિકાર છે અને ઇડી દ્વારા આ અધિકારોનો ઉપયોગ કરીને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં કઇ જ અયોગ્ય સામે નથી આવ્યંુ. સુપ્રીમ કોર્ટે વિપક્ષની માગણીઓને ઠુકરાવી દીધી હતી.