×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સતત બીજા કવાર્ટરમાં GDP વૃદ્ધિદર નેગેટીવ રહેતા અમેરિકા મંદીમાં


અમદાવાદ,તા.28 જુલાઈ 2022,ગુરૂવાર

વિશ્વનું સૌથી મહાકાય અર્થતંત્ર મંદીના ભરડામાં ફસાયું હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. ચાર દાયકા સૌથી ઉંચા ફુગાવા સામે લડી રહેલ અમેરિકન અર્થતંત્ર સતત બીજા ત્રિમાસિકગાળામાં 0.90% ઘટતા દેશમાં મંદીમાં હોવાની પુષ્ટિ થઈ છે. 43 વર્ષમાં સૌથી વધુ મોંઘવારીને ડામવા માટે ફેડ દ્વારા અપનાવવામાં આવેલ કડક નીતિને આ નકારાત્મક વૃદ્ધિદર માટે જવાબદાર ગણવામાં આવે છે.

યુએસ ફેડરલ રિઝર્વે મોંઘવારીની સામે વ્યાજદરમાં વધારો કરતા દેશના અર્થતંત્રને ભારે અસર થઈ છે તેમ ગુરૂવારે આવેલ આંકડા પરથી ફલિત થાય છે. યુએસ ફેડરલ રિઝર્વે માર્ચમાં વ્યાજદરમાં વધારો કરવાની શરુઆત કરી હતી.

કોમર્સ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર એપ્રિલ-જૂનના ત્રિમાસિકગાળામાં અમેરિકાના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં વાર્ષિક ધોરણે 0.9%નો ઘટાડો થયો હતો, જે વર્ષના પ્રથમ ત્રણ મહિનાના 1.6% ઘટાડા સાથે સતત બીજોપ ત્રિમાસિક ઘટાડો દર્શાવે છે. કોરોના મહામારીને કારણે 2020માં સંપૂર્ણપણે ઠપ્પ પડેલ અર્થતંત્ર બાદનો આ સૌથી મોટો ઘટાડો હતો.

સતત બે ક્વાર્ટરના જીડીપી વૃદ્ધિદરના નકારાત્મક આંકડાને 'ટેક્નિકલ મંદી' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ વ્યાખ્યા વિશ્વભરમાં સ્વીકૃત છે પરંતુ અમેરિકા સામાન્ય રીતે આ વ્યાખ્યાને સ્વીકારતું નથી. તેને સ્થાને તેઓ નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક રિસર્ચના ડેટા અને રિસર્ચને અનુસરે છે, જે વિવિધ પરિબળો પર આધારિત છે.


ફેડનો અવિરત વ્યાજદર વધારો :

બુધવારે જ અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ૦.૭૫ ટકાના વધારાની જાહેરાત કરી હતી. વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં આ સતત ત્રીજો ઐતિહાસિક વ્યાજ દર વધારો છે.

જૂન મહિનામાં અમેરિકામાં વ્યાજના દર ૦.૭૫ ટકા વધ્યા પછી સતત બીજા મહિને સમાન પ્રમાણમાં 28 વર્ષનો આ બીજો સૌથી મોટો વ્યાજદર વધારો છે.

અમેરિકામાં મે મહિનામાં ફુગાવાનો દર ૮.૬ ટકા વધ્યો હતો જયારે જૂનમાં હજુ વધુ ઉછળી ૯.૧ ટકા નોંધાયો છે. મોંઘવારીના કારણે લોકોની ખરીદી ઘટી રહી હોવાના સંકેત અમેરિકાના રિટેલ જાયન્ટ વોલમાર્ટે પોતાના જૂન ક્વાર્ટરના રીઝલ્ટમાં આપ્યા હતા અને આગાહી કરી હતી કે વેચાણ આગામી સમયમાં પણ ઘટશે. 

અમેરિકન સરકારના ૧૦ વર્ષના બોન્ડના યીલ્ડ ૦.૭૮ ટકા વધી ૨.૮૦૯ છે જે ફેડરલ રિઝર્વના વ્યાજના દર કરતા વધુ છે. આ સંકેત આપે છે કે અમેરિકામાં હજુ પણ વ્યાજનો દર વધી શકે છે.