×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લઠ્ઠો કે કેમિકલ મહત્વનું નથી, 10 દિવસમાં આરોપી સામે કોર્ટ કાર્યવાહી થશે



  • પોલીસની રેડ પડતા દેશી દારૂ ન મળતા આ કેમિકલનો વપરાશ થયો : હર્ષ સંઘવી

ગુજરાત, તા. 27 જુલાઈ 2022, બુધવાર

ગુજરાતને ધમરોળનાર લઠ્ઠાકાંડ જેને હવે કેમિકલ કાંડના નામે દર્શાવવામાં આવી રહ્યો છે તેમાં હવે સરકાર તરફથી પ્રથમ વખત ગૃહમંત્રીએ જવાબ આપતા કહ્યું કે આ કેમિકલ છે કે લઠ્ઠો છે તેમાં અમારે પડવું નથી. આ કેમિકલ કાંડના તમામ દર્દીઓને પ્રાથમિક આરોગ્ય સુવિધા મળે તે અમારો ધ્યેય છે.

પ્રેસ કોન્ફરન્સમાં ADGP નરસિમ્હા તોમર અને DGP ભાટિયાએ કહ્યું કે ધંધુકા, બરવાળા અને રાણપુરમાં આ સમગ્ર કેમિકલ કાંડ થયો છે. આ સંદર્ભે કુલ 3 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જયેશે કેમિકલ ચોર્યું હતુ. જયેશે વેચેલ 600 લિટર મિથાઈલ આલ્કોહોલમાંથી 475 જપ્ત કરવામાં આવ્યું છે. જોકે સામે પક્ષે હર્ષ સંઘવીએ પોતાના નિવેદનમાં કહ્યું કે પોલીસે 550 લિટર રિકવર કર્યું છે. 

સંઘવીએ કહ્યું કે તાજેતરની માહિતી અનુસાર રાજ્યના 42 લોકોના આ કેમિકલ પીવાથી મોત નિપજ્યાં છે અને 97 હોસ્પિટલમાં દાખલ છે જેમાંથી 3ની હાલત ગંભીર છે. આ અંગે સરકાર દ્વારા એક સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ SIT 2 દિવસમાં રિપોર્ટ આપશે. કેમિકલ કાંડ સંદર્ભનો કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલશે અને આગામી 10 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરાશે એટલેકે 10 દિવસમાં કોર્ટ કાર્યવાહી પૂર્ણ કરવાની બાંહેધરી રાજ્યના ગૃહમંત્રીએ આપી છે. આ કેસ માટે સરકારી વકીલની પણ નિમણૂક કરાઈ છે.

સરપંચના પત્ર મુદ્દે હર્ષ સંઘવીએ તર્ક આપતા કહ્યું કે મેં પણ આ પત્ર અંગે સાંભળ્યું છે. બોટાદની આસપાસના ગામોમાં પત્રમાં કરેલ ફરિયાદ બાબતે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના એક્શનથી તમામ દેશી દારૂના અડ્ડાઓ બંધ થયા અને બુટલેગરોની અટકાયત થઈ તેથી આ વિસ્તારમાં દેશી દારૂ ન મળતા આ મિથાઈલ આલ્કોહોલ કેમિકલનો ઉપયોગ કર્યો છે.

આ સિવાય રાજ્યમાં અનેક સ્થળે અને અંબરીશ ડેરના તમામ 182 વિધાનસભાઓમાં દારુ મળતા હોવાના દાવાની સામે સંઘવીએ સરકારનો લૂલો બચાવ કરતા કહ્યું કે અમે આ પ્રકારના દૂષણ સામે કામ કરવા માંગીએ છીએ. રાજ્યના દારૂ સહિતના દૂષણો અમે અટકાવવા માંગીએ છીએ પણ તેમાં જનતાનો સહકાર જરૂરી છે. સંઘવીએ કહ્યું કે તમે ફરિયાદ કરો પોલિસ પગલા લેશે. 

2022ના આંકડા આપતા પોલીસ તંત્રએ કહ્યું કે આ વર્ષે દેશી દારૂના 70,000 કેસ નોંધાયા છે જેમાં 693 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

આ મિથાઈલ કેમિકલ પીવાથી કોને અને કેટલી અસર થઈ છે અને તેમને તાત્કાલિક આરોગ્યની સુવિધા મળી રહે તે માટે પોલીસે રાતોરાત 30 ટીમો તૈયાર કરી હતી. આ ટીમોના 2500થી વધુ પોલીસ કર્મચારીઓ ગામડે ગામડે જઈને ઘરે ઘરે જઈને પૂછ્યું કે તમે આ કેમિકલ કે દારૂ પીધો છે કે શું ? જેમને જરૂર લાગે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની સેવા પોલીસે બજાવી છે તેમ સંઘવીએ ઉમેર્યું હતુ.