×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

100 કરોડમાં રાજ્યસભાની સીટ, ગવર્નર પદની ઓફરનું કૌભાંડ, CBIએ 4ને ઝડપ્યાં


- સમગ્ર રેકેટમાં સામેલ બંદગાર લોકોને પોતે સીબીઆઈનો વરિષ્ઠ અધિકારી છે તેમ કહીને ફસાવતો હતો

નવી દિલ્હી, તા. 25 જુલાઈ 2022, સોમવાર

કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)એ રાજ્યસભાની બેઠક તથા રાજ્યપાલ બનાવવાના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહેલી એક દેશવ્યાપી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકીના સદસ્યો લોકોને મંત્રી પદ કે રાજ્યપાલના પદનું ખોટું વચન આપીને તેમના પાસેથી 100 કરોડ રૂપિયા સુધીની રકમ ખંખેરતા હતા. 

આ સમગ્ર રેકેટ દેશના અનેક રાજ્યોમાં વ્યાપેલું હતું. સીબીઆઈએ તાજેતરમાં જ આ મામલે અનેક સ્થળોએ દરોડો પાડ્યો હતો અને કૌભાંડમાં સામેલ 4 લોકોની ધરપકડ કરી લીધી છે. સીબીઆઈ અધિકારીઓના કહેવા પ્રમાણે દરોડા દરમિયાન આ રેકેટ સાથે સંકળાયેલો એક આરોપી ઓફિસર્સ પર હુમલો કરીને ફરાર થઈ ગયો હતો. અધિકારીઓ પર હુમલો કરવાના આરોપસર તેના સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અલગથી એફઆઈઆર નોંધાવાઈ છે.  

સીબીઆઈની એફઆઈઆરમાં મહારાષ્ટ્રના લાતૂરના રહેવાસી કમલાકર પ્રેમકુમાર બંદગાર, કર્ણાટકના બેલગામના રવીન્દ્ર વિઠલ નાઈક, દિલ્હી-એનસીઆરના મહેન્દ્ર પાલ અરોડા, અભિષેક બૂરા તથા મોહમ્મદ એજાઝ ખાનના નામનો ઉલ્લેખ કર્યો છે. 

આ રીતે કરતા હતા ઠગાઈ

એવો આરોપ છે કે, આ સમગ્ર રેકેટમાં સામેલ બંદગાર લોકોને પોતે સીબીઆઈનો વરિષ્ઠ અધિકારી છે તેમ કહીને ફસાવતો હતો. ઉપરાંત તે ઉંચા હોદ્દાઓ પર આસીન વરિષ્ઠ અધિકારીઓ સાથે સંપર્ક હોવાનો પણ દાવો કરતો હતો. તેણે બૂરા, અરોડા, નાઈક અને ખાનને એવી કામગીરી સોંપી હતી કે, તેઓ એવા ગેરકાયદેસર કામ લઈને આવે જેના બદલામાં મોટી રકમ વસૂલી શકાય. 

સીબીઆઈની એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, આ રેકેટમાં લોકોને રાજ્યસભાની સદસ્યતા માટે બેઠકની વ્યવસ્થા કરવા, કોઈ રાજ્યના રાજ્યપાલ બનાવવા, કેન્દ્રીય મંત્રાલયો તથા વિભાગો અંતર્ગતના કોઈ સરકારી સંગઠનના અધ્યક્ષ બનાવવાની લાલચ આપવામાં આવતી હતી. તેના બદલામાં લોકો પાસેથી ભારે મોટી રકમ વસૂલવામાં આવતી હતી. 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મંત્રી બનાવવાના બહાને ઠગ ટોળકીએ ભાજપના 3 ધારાસભ્યો પાસેથી માંગ્યા 100 કરોડ