×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મીડિયા કાંગારૂ કોર્ટ ચલાવી ઘણી વખત અનુભવી ન્યાયધીશોને પણ ગોથે ચડાવે છે : CJI


- પ્રિન્ટ મીડિયામાં હજુ પણ કેટલીક હદ સુધી જવાબદારી નિભાવે છે પરંતુ ઈલેક્ટ્રોનિક મીડિયા પોતાની જવાબદારી પ્રત્યે સભાન નથી

નવી દિલ્હી, તા. 23 જુલાઈ 2022, શનિવાર

CJI એન રમના શનિવારે તેમની એક દિવસીય મુલાકાતે ઝારખંડ પહોંચ્યા હતા. ત્યાં એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા ચીફ જસ્ટિસે મીડિયાની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, અમે જોઈ રહ્યા છીએ કે, મીડિયા કાંગારૂ કોર્ટ ચલાવી રહી છે. આ કારણે ક્યારેક અનુભવી ન્યાયાધીશોને પણ ગોથે ચડાવે છે. ઘણા ન્યાયિક મુદ્દાઓ પર ખોટી માહિતી અને એજન્ડા ચલાવવાથી લોકશાહી માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે.

CJIએ કહ્યું કે, અમે પોતાની જવાબદારીઓથી ભાગી ન શકીએ. આ વલણ અમને બે પગલા પાછળ ધકેલી રહ્યું છે. પ્રિન્ટ મીડિયામાં હજુ પણ કેટલીક હદ સુધી જવાબદારી નિભાવે છે પરંતુ ઈલેક્ટ્રોનિક મીડિયા પોતાની જવાબદારી પ્રત્યે સભાન નથી.

વર્તમાન સમયમાં ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર એ છે કે નિર્ણય માટે કેસોને પ્રાથમિકતા આપવી. CJI રમને કહ્યું કે, ન્યાયાધીશો સામાજિક વાસ્તવિકતાઓ તરફ આંખ આડા કાન નથી કરી શકતા. તેમણે વધુમાં કહ્યું કે, સમાજને બચાવવા અને સંઘર્ષ ટાળવા માટે ન્યાયાધીશોએ વધુ દબાવતા કેસોને પ્રાથમિકતા આપવી પડશે.

ન્યાયતંત્રમાં સુધારાની હિમાયત

CJIએ કહ્યું કે, લોકો ભારતીય ન્યાયિક પ્રક્રિયામાં લાંબા સમયથી પેન્ડિંગ કેસની ફરિયાદ કરે છે. ઘણા પ્રસંગોએ મેં પોતે પેન્ડિંગ કેસોના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે. હું ન્યાયાધીશોને તેમની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે કાર્ય કરવા સક્ષમ બનાવવા માટે ભૌતિક અને વ્યક્તિગત બંને માળખામાં સુધારો કરવાની જરૂરિયાતની ભારપૂર્વક હિમાયત કરું છું. લોકોએ એક ગેરસમજ ઊભી કરી છે કે ન્યાયાધીશોનું જીવન ખૂબ જ સરળ છે. આ વસ્તુને ગળે ઉતારવી ખૂબ મુશ્કેલ છે.