×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતની આજ અને આવતીકાલ માટે એક અભિનવ કોન્કલેવ


- ગુજરાત અને વિકાસ એકમેકના પર્યાય : ભવિષ્ય ઉજ્જવળ

- રાજ્યના વિકાસ માટે સરકાર અને 'ગુજરાત સમાચાર' એક મંચ પર : મુખ્યમંત્રી

- કોન્ક્લેવના મંચ દ્વારા વર્તમાનની બારીમાંથી સોનેરી ભવિષ્યમાં ડોકિયું : ગુજરાતના યુવા ઉદ્યોગપતિઓએ ભાવિ રૂપરેખા રજૂ કરી

અમદાવાદ, તા.13 જુલાઈ 2022,બુધવાર

ભૂતકાળએ આપણા જીવનનું એવું પાસું છે જે વીતી ચૂક્યો હોવા છતાં કંઇક બોધપાઠ આપીને જાય છે. બીજી તરફ વર્તમાન એ આપણા હાથમાં રહેલું એવું અમોઘ શસ્ત્ર છે જેના દ્વારા  ભવિષ્યની કેડી કઇ રીતે કંડારવી તે નક્કી થાય છે.વર્તમાનની બારીમાંથી ભવિષ્ય તરફ ડોકિયું કરવાની આવી જ થીમ પર 'ગુજરાત સમાચાર', ' જીએસટીવી'ના ઉપક્રમે 'ગુજરાતની આજ અને આવતીકાલ'ના વિષય પર અમદાવાદ ખાતે કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના વરિષ્ઠ રાજકારણીઓ તેમજ ગુજરાતના ઉદ્યોગજગતના માંધાતાઓએ આ ભવ્ય કાર્યક્રમને શોભાવ્યો હતો.

- સાબરમતી આશ્રમ, SOU જેવા સ્થળ અસ્મિતાને નવી ઊંચાઇએ લઇ જઇ રહ્યાં છે

અમદાવાદની વાયએમસીએ ક્લબ ખાતે યોજાયેલી આ કોન્ક્લેવમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ)- રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, રિલાયન્સના ધનરાજ નથવાણી, અદાણી પોર્ટના સીઇઓ કરણ અદાણી સહિતના ઉદ્યોગજગતના માંધાતાઓ તેમજ ગુજરાત સમાચારના શ્રેયાંસભાઇ શાહ, બાહુબલીભાઇ શાહ, અમમભાઇ શાહ, નિર્મમભાઇ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત અને ઉદ્યોગજગતની સોનેરી આવતીકાલ આ કોન્ક્લેવની મુખ્ય રૂપરેખા હતી. જેમાં યુવા ઉદ્યોગપતિઓએ તેમના વક્તવ્યમાં તેમની ભાવિ બ્લ્યૂપ્રિન્ટ રજૂ કરી હતી, જેના દ્વારા ગુજરાત જ નહીં દેશ નવી ઊંચાઇ સર કરી શકશે.

- પ્રત્યેક વક્તાએ નરેન્દ્ર મોદીના 20 વર્ષના શાસનની સિધ્ધિને બિરદાવી

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે, 'ગુજરાતના વિકાસની વાત કરવા રાજ્યના વર્તમાન અને ભવિષ્યની ચર્ચા કરવા ગુજરાત સરકાર ગુજરાત સમાચાર આજે એક મંચ પર આવ્યા છે. દાંડી યાત્રાની પ્રેરણાથી શરૂ થયેલું આ દૈનિક અખબાર ગુજરાતની વિકાસયાત્રાની વાત કોન્ક્લેવના માધ્યમથી લોકો સમક્ષ લાવ્યું છે. દાંડી યાત્રાના પ્રણેતા મહાત્મા ગાંધી હતા. તો છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતની વિકાસયાત્રાના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ગુજરાત ૧૯૬૦માં રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ઘણાને એવા સવાલ હતા. કે એક તરફ રણનો સૂકો પ્રદેશ, સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન, દરિયાનો ખારો પાટને લીધે તે વિકાસ કેમ કરી શકશે? પરંતુ ગુજરાત આજે વિકાસયાત્રામાં પૂરપાટ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યો બાદ ગુજરાતની વિકાસયાત્રાને નવો વેગ મળ્યો છે. આજે કોઇ એવું ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતે વિકાસ ન કર્યો હોય.' 

રાજ્યના કોઇપણ ખૂણે જાવ તો ૧૦ કિલોમીટરની ત્રિજ્યમાં વિકાસનું કામ જોવા મળશે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, 'ગુજરાત અને વિકાસ હવે એકમેકના પર્યાય છે. એક સમયે પૂરતી વીજળી માટે વલખાં મારતું ગુજરાત હવે ૨૪ કલાક થ્રી ફેઝ વીજળીથી જ્યોર્તિમયબન્યું છે. રાજ્યમાં વીજઉર્જા ઉત્પાદન ૮૭૦૦ મેગા વોટથી વધીને ૪૦ હજાર મેગાવોટ થયું છે. ગુજરાત હવે ડિજીટલાઇઝેશન તરફ હરણફાળ ભરી રહ્યું છે. ૯૯.૯૭ ટકા ગ્રામપંચાયતો ઓપ્ટિકલ ફાઇબરથી જોડાઇ છે. ૩૦૦ જેટલી સેવા ઘરઆંગણે મળી રહે છે. ૨૦૦૩માં નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ બિઝનેસ સમિટનો પ્રારંભ કરાવીને વિદ્ધના મોટા ઉદ્યોગોને ગુજરાતમાં લાવ્યા છે. ગુજરાત હવે ઓટો-ફાર્મા સેક્ટરનું હબ બન્યું છે. ૨૦ વર્ષમાં એમએસએમયુ ઉદ્યોગની સંખ્યા ૨.૭૪ લાખથી વધીને ૮.૬૬ લાખ થઇ છે. ગુજરાત સતત ત્રીજા વર્ષે સ્ટાર્ટઅપ રેન્કિંગમાં સ્મસ્થાન હાંસલ કર્યું છે. ૧૮૦થી વધુ ઈન્ક્યુબેટર અને ૮ હજારથી વધુ સ્ટાર્ટઅપ ગુજરાતે વિકસાવ્યા છે.

- ગાંધી-સરદારની ભૂમિ પર ગુજરાતની પ્રગતિ આ જ રીતે યથાવત્ રહે તેવો વિદ્ધાસ છે

ગુજરાત કાર્ગો હેન્ડલિંગમાં અગ્રેસર છે સાથે ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી, દિલ્હી-મુંબઇ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર ગુજરાતના માળખાગત વિકાસના પૂરાવા છે. આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે આપણું યુવા ધન સ્કિલ્ડ હોય. અલગ-અલગ કાર્યક્રમ દ્વારા ગુજરાત સરકાર દર વર્ષે અઢી લાખ યુવાનોને તૈયાર કરે છે. મા કાર્ડ, આયુષમાન કાર્ડથી સામાન્ય વ્યક્તિ નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવા મેળવતો થયો છે. ગુજરાતે બાળ મૃત્યુદરમાં ૫૫ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. આજે દરેક જિલ્લામાં બ્લડ બેંક છે. શિક્ષણ, આવાસમાં પણ ગુજરાત અગ્રેસર છે. ઉજ્જવલા યોજનાથી મહિલાઓને ચૂલામાં રસોઇથી મુક્તિ અપાવી છે. સાબરમતી આશ્રમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળ ગુજરાતની અસ્મિતાને નવી ઊંચાઇએ લઇ જઇ રહ્યા છે. ગાંધીસરદારની ભૂમિ પર ગુજરાતની પ્રગતિ આ જ રીતે યથાવત્ રહે તેવો વિદ્ધાસ છે. '૨૦૦૧થી ૨૦૨૨ સુધીના નરેન્દ્ર મોદીના ૨૦ વર્ષના અભૂતપૂર્વ શાસનની સિદ્ધિઓને આ કોન્ક્લેવમાં ઉપસ્થિત તમામ વક્તાઓએ બિરદાવી તેમના પદાર્પણને ઉજાગર કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો સમાવેશ થાય છે.

- ચાર શોર્ટ ફિલ્મ જોઇને ઉપસ્થિત અતિથિઓ પ્રભાવિત થયા

જીએસ કોન્ક્લેવમાં વિવિધ વિષયો પરની ચાર શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી, જેનાથી ઉપસ્થિત અતિથિઓ તેમજ મહાનુભાવો ખૂબ જ પ્રભાવિત થયા હતા. ચાર શોર્ટ ફિલ્મ દર્શાવાઇ તેની વિગત આ મુજબ છે.

- ગુજરાત સમાચારની સફર

વિદ્ધના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીની સવારની ચા ગુજરાત સમાચાર વિના અધૂરી જ ગણાય. ગુજરાત સમાચારની વર્ષો પુરાણી સફર અને કઇ રીતે હંમેશાં સત્યનો સાથ લઇને નાગરિકોનો અવાજ બન્યું તે ગાથા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી હતી.

- ગુજરાતની વિકાસયાત્રા

૧ મે ૧૯૬૦ના ગુજરાતની અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારે તે વિકાસ કઇ રીતે કરી શકશે તેની સામે સવાલો થતા હતા. પરંતુ ગુજરાત અને ગુજરાતીની તાસિર પરિશ્રમ એ જ પારસમણીની છે. જેના થકી ગુજરાત અને વિકાસ આજે એકમેકના પર્યાય બની ચૂક્યા છે. ગુજરાત કઇ રીતે દેશના અન્ય રાજ્યો માટે બેન્ચમાર્ક સમાન રાજ્ય બન્યું તે પ્રેરણાત્મક સફર આ ફિલ્મમાં દર્શાવાઇ હતી.

- વડનગરથી વર્લ્ડલીડર

એક સાવ નાના ગામથી વિદ્ધનેતા બનવા સુધીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફર કોઇ દંતકથાથી ઓછી નથી. આ શોર્ટ ફિલ્મમાં ૧૯૬૦માં વડનગરના રેલવે સ્ટેશનમાં ચા વેચનારા નરેન્દ્ર મોદીએ કઇ રીતે વિદ્ધનેતા બનવા સુધીની સફર કાપી તે દર્શાવવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીની પ્રતિભા-અભિગમને તેમની જ કવિતાની પંક્તિઓમાં કહીએ તો, 'પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પડકાર ઝીલનારો માણસ છું... હું તેજ ઉછીનું લઉ નહીં, હું જાતે બળતું ફાનસ છું, ઝળહળાનો મોહતાજ નથી, મને મારું અજવાળું પૂરતું છે, હું પોતે જ મારો વંશજ છું, હું પોતે જ મારો વારસ છું. '

- ટેક્નોલોજી થકી પ્રજા સાથે સંપર્ક

વિદ્ધના કોઇ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ હવે આપણાથી માત્ર એક ક્લિક દૂર હોય છે અને તેનું શ્રેય ટેક્નોલોજીને જાય છે. ટેક્નોલોજીનો ઉપયોગ શ્રેષ્ઠતમ્ રીતે કેમ કરવો તેના માટે ભારતીય જનતા પાર્ટીએ દાખલો બેસાડયો છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ ફિલ્મમાં દર્શાવાયું હતું કે ગુજરાત ભાજપ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ટેક્નોલોજીના માધ્યમ દ્વારા કઇ રીતે ઓછા સમયમાં વધુને વધુ લોકો સુધી પહોંચી શકે છે.

- ગુજરાત સમાચાર આયોજીત જીએસ કોન્ક્લેવ અંગે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર-ગેસ ડિસ્ટ્રિબ્યુશન, ગ્રીન હાઈડ્રોજન, સ્ટાર્ટઅપ, ફિનટેક્ અને અમદાવાદની શ્રેષ્ઠી પરંપરા સહિતના વિષયો પર ગુજરાત અને દેશમાં આગામી દસ વર્ષમાં થનારા ફેરફાર અને ગ્રાહકો ઉપર તેની અસર અંગે હાજર કોર્પોરેટ લીડર્સના મંતવ્યો ઉપર વિષયવાર આગામી દિવસોમાં અહેવાલ પ્રકાશિત થશે.