×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુપ્રીમે લક્ષ્મણ રેખા ઓળંગી : પૂર્વ જજો સહિત 117નો પત્ર


- સીજેઆઈને લખેલા ખુલ્લા પત્રમાં પૂર્વ અમલદારો, સૈન્ય અધિકારીઓએ નુપુરના સમર્થનમાં આક્રોશ ઠાલવ્યો 

- સુપ્રીમની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયા-સિદ્ધાંતો મુજબ હોય તો આદેશમાં તેનો ઉલ્લેખ કેમ નહીં : હસ્તીઓનો સવાલ

- નુપુરને ન્યાયવ્યવસ્થા સુધી પહોંચવાથી વંચિત કરી દેવી એ ભારતના બંધારણની પ્રસ્તાવના, ભાવના અને સારનો ભંગ છે

- સુપ્રીમના જજોની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓનું ન્યાયતંત્રના ઈતિહાસમાં બીજું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો, ભૂતપૂર્વ અમલદારો અને સૈન્ય અધિકારીઓના એક જૂથે ભાજપમાંથી હાંકી કઢાયેલાં પ્રવક્તા નુપુર શર્માની સુપ્રીમ કોર્ટના જજોએ કરેલી આકરી ટીપ્પણીને 'લક્ષ્મણ રેખા' ઓળંગવા સમાન ગણાવી હતી અને આ ટીપ્પણીઓએ દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ન્યાયિક વ્યવસ્થા પર દૂર ન થઈ શકે તેવો ડાઘ પાડયો હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જૂથે મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણને આ સંદર્ભમાં ખુલ્લો પત્ર લખીને આ ટીપ્પણીઓ પાછી ખેંચવા માટે અપીલ પણ કરી હતી.

નુપુર શર્માની વિવાદાસ્પદ ટીપ્પણીઓ અંગે અનેક રાજ્યોમાં નોંધાયેલા કેસને એક સાથે જોડવા સંબંધી અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી હતી અને કહ્યું હતું કે શર્માએ મોહમ્મદ પયગંબર અંગે કરેલી ટીપ્પણી સસ્તો પ્રચાર અથવા કોઈ રાજકીય એજન્ડા હેઠળ અથવા કોઈ ધૃણાસ્પદ પ્રવૃત્તિ હેઠળ કરાઈ હતી. જોકે, હવે નુપુર શર્માના સમર્થનમાં ૧૫ ભૂતપૂર્વ જજ, ૭૭ પૂર્વ અમલદારો અને ૨૫ પૂર્વ સૈન્ય અધિકારીઓ સહિત ૧૧૭ હસ્તીઓએ મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણને પત્ર લખ્યો છે.

આ પત્રમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટના જજો જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની ટીપ્પણીએ લક્ષ્મણ રેખા ઓળંગવાનું કામ કર્યું છે. અમે જાગૃત નાગરિક તરીકે માનીએ છીએ કે દેશનું લોકતંત્ર ત્યારે જ સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકે છે જ્યારે દેશની બધી સંસ્થાઓ બંધારણના દાયરામાં રહીને કામ કરે. પત્રમાં ન્યાયાધીશ સૂર્યકાંતને સેવાનિવૃત્ત થવા સુધી સુપ્રીમ કોર્ટના રોસ્ટરથી હટાવવા અને નુપુર શર્મા કેસની સુનાવણી વખતે કરાયેલી ટીપ્પણીઓ પાછી ખેંચવા માગણી કરાઈ છે.

પત્રમાં કહેવાયું છે કે જે દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓ કરાઈ છે, તે ભારતની ન્યાયિક વ્યવસ્થા પર અમિટ ડાઘ સમાન છે. ન્યાયતંત્રના ઈતિહાસમાં આ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીઓનું બીજું કોઈ ઉદાહરણ જોવા મળતું નથી. એટલું જ નહીં તેની લોકતંત્રિક મૂલ્યો અને દેશની સુરક્ષા પર ગંભીર અસર જોવા મળી શકે છે.

પત્રમાં કહેવાયું છે કે, દુર્ભાગ્યપૂર્ણ અને અનિચ્છિત ટીપ્પણીઓથી દેશ અને દુનિયામાં અનેક લોકોને આંચકો લાગ્યો છે. નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ન્યાય વ્યવસ્થા સુધી પહોંચવા વિનંતી કરી હતી. જોકે, સુપ્રીમની ટીપ્પણીઓને ન્યાયિક રૂપે અરજીમાં ઉઠાવાયેલા મુદ્દાઓ સાથે કોઈ સંબંધ નથી અને સુપ્રીમના જજોએ ન્યાય વ્યવસ્થાના બધા જ સિદ્ધાંતોનો અસાધારણ રીતે ભંગ કર્યો છે. નુપુરને ન્યાયવ્યવસ્થા સુધી પહોંચવાથી વંચિત કરી દેવી એ ભારતના બંધારણની પ્રસ્તાવના, ભાવના અને સારનો ભંગ છે. આ ટીપ્પણીઓએ ઉદયપુરમાં ધોળા દિવસે થયેલી નૃશંસ હત્યાને અપ્રત્યક્ષ રીતે છૂટ આપી છે.

પત્રમાં કહેવાયું છે કે અલગ અલગ રાજ્યો અને શહેરોમાં નોંધાયેલી એફઆઈઆરને એકસાથે જોડવા અને તેની એક સાથે સુનાવણી કરવાની અરજી કરવી એ કોઈપણ નાગરિકનો કાયદકાયી અધિકાર છે. એક ગૂનાની અનેક જગ્યાએ અનેક વખત સજા હોઈ શકે નહીં. સુપ્રીમે કોઈ કારણ વિના જ અરજી સાંભળવાનો ઈનકાર કરી દીધો અને જે ટીપ્પણીઓ કરાઈ તે અરજીના સંદર્ભમાં અર્થહીન હતી. 

આ પત્રમાં ૧૧ મુદ્દાઓ પર કોર્ટની ટીપ્પણીઓની ટીકા કરાઈ છે. આ ટીપ્પણીઓ ન્યાયિક પ્રક્રિયા અને સિદ્ધાંતો મુજબ હતી તો આદેશમાં તેનો ઉલ્લેખ કેમ નથી તેવો સવાલ કરાયો હતો. આદેશ મુજબ તો લાગે છે કે નુપુર શર્માને ન્યાયિક રાહત મેળવવાના અધિકારનો ઈનકાર કરી દેવાયો છે. કોર્ટે ટ્રાયલ પુરી થયા પહેલા જ ચૂકાદો સંભળાવી દીધો કે નુપુર દોષિત છે. 

સુપ્રીમ કોર્ટના જજોની ટીપ્પણીઓ પર ખુલ્લો પત્ર લખનારા પૂર્વ જજોમાં બોમ્બે હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ક્ષિતિજ વ્યાસ, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજ એસ. એમ. સોની, રાજસ્થાન હાઈકોર્ટના જજ આર.એસ. રાઠોર અને પ્રશાંત અગ્રવાલનો સમાવેશ થાય છે. આ સિવાય દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ એસ. એન. ઢિંગરા પણ પત્ર લખનારા જજોમાં સામેલ છે.