×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કન્હૈયાલાલના હત્યારા રિયાઝના ભાજપના નેતાઓ સાથેના ફોટો મામલે કોંગ્રેસ આક્રમક


- 'શું કેન્દ્રની ભાજપ સરકારે આ કારણે જ આ કેસને ઝડપથી NIAને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે?'

નવી દિલ્હી, તા. 02 જુલાઈ 2022, શનિવાર

પયગંબર મામલે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવાના કારણે રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી. દરજીકામ કરતા કન્હૈયાલાલ પોતાની દુકાનમાં બેઠા હતા તે સમયે 2 હત્યારાઓએ ધોળા દિવસે દુકાનમાં ઘૂસી જઈને ચાકુના ઘા મારીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારે હવે કોંગ્રેસે આ હત્યાકાંડ મામલે ખુલીને ભાજપ પર પ્રહાર કર્યા છે. 

શું કહ્યું પવન ખેડાએ?

કોંગ્રેસી નેતા પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, કન્હૈયાલાલનો હત્યારો આરોપી રિયાઝ અત્તારી ભાજપના નેતા ગુલાબચંદ્ર કટારિયા સહિતના અન્ય લોકો સાથે સંબંધ ધરાવે છે. તેમણે જણાવ્યું કે, રિયાઝ ભાજપની રાજસ્થાન અલ્પસંખ્યક એકમની બેઠકોમાં પણ સામેલ થતો હતો અને તેની તસવીરો પણ સામે આવી છે. 

રિયાઝ રાજસ્થાનમાં ભાજપના અલ્પસંખ્યક મોરચાની પ્રદેશ કાર્યકારિણીના સદસ્ય ઈરશાદ ચૈનવાલા દ્વારા ભાજપના કાર્યક્રમોમાં સામેલ થતો હતો. આશરે 3 વર્ષ પહેલાની એક તસવીરમાં ઈરશાદ અને રિયાઝ એકસાથે જોવા મળે છે. 

ભાજપનો સક્રિય સદસ્ય હતો રિયાઝ

પવન ખેડાએ જણાવ્યું કે, ભાજપના નેતા ઈરશાદ ચેનવાલાની ફેસબુક પરની તારીખ 30 નવેમ્બર 2018 અને મોહમ્મદ તાહિરની 3 ફેબ્રુઆરી 2019, 27 ઓક્ટોબર 2019, 10 ઓગષ્ટ 2021, 28 નવેમ્બર 2019 અને અન્ય પોસ્ટ દ્વારા સ્પષ્ટ થાય છે કે, રિયાઝ અત્તારી ભાજપના નેતાઓ સાથે સંબંધ ધરાવવા ઉપરાંત ભાજપનો સક્રિય સદસ્ય પણ હતો. 

પવન ખેડાએ કર્યા ધારદાર સવાલો

- શું ભાજપ અને તેના નેતાઓ દેશભરમાં ધાર્મિક ઉન્માદનું વાતાવરણ રચવા પ્રયત્ન કરી રહ્યા છે?

- શું વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ હજુ પણ ભાજપના નેતાઓ દ્વારા ધાર્મિક ઉન્માદ ફેલાવવાના પ્રયત્નો મામલે ચૂપ રહેશે?

- શું ભાજપ પોતાના પ્રવક્તાઓ અને નેતાઓ દ્વારા દેશભરમાં આગ લગાવીને ધ્રુવીકરણનો પ્રયત્ન કરી રહ્યું છે?

- રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ કેસ એનઆઈએને ટ્રાન્સફર કરવાની વાતનું સ્વાગત કર્યું પરંતુ આ નવા તથ્યો સામે આવ્યા બાદ સવાલ થઈ રહ્યો છે કે, શું કેન્દ્રની ભાજપ સરકારે આ કારણે જ આ કેસને ઝડપથી એનઆઈએને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે?

ભાજપના નેતાની સ્પષ્ટતા

આ તરફ ભાજપના નેતા ગુલાબચંદ્ર કટારિયાએ કોંગ્રેસના પ્રહારો મામલે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ભાજપની અલ્પસંખ્યક વિંગના કાર્યક્રમોમાં સામેલ થવું એ કોઈ ગુનો નથી. આ પ્રકારના કાર્યક્રમોમાં કોણ મારા સાથે ફોટો પડાવે તે મારા નિયંત્રણમાં નથી. છતાં જો કોઈ વિચારતું હોય કે મેં ગુનો કર્યો છે તો તે મારા વિરૂદ્ધ કેસ નોંધાવી શકે છે. જો ફોટો પડાવવો ગુનો હોય તો કાયદા પ્રમાણે કાર્યવાહી કરી શકો છો.