×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રૂપિયામાં કડાકા યથાવત, હવે ડોલર સામે 80ની નજીક


- સવારે ૭૮.૫૭ની નીચી સપાટી બાદ અત્યારે ડોલર સામે રૂપિયો ૭૮.૮૧ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ

અમદાવાદ તા. 28 જુન 2022,મંગળવાર

વૈશ્વિક બજારમાં વધી રહેલી અનિશ્ચિતતા, એશિયન બજારોમાં મક્કમ ડોલર વચ્ચે ભારતીય ચલણ રૂપિયો આજે વધુ એક નવી ઐતિહાસિક નીચી સપાટીએ પટકાયો છે અને ૮૦ની સપાટી તરફ સરકી રહ્યો છે. સવારે બજારમાં ટ્રેડીંગ શરૂ થતા ડોલર સામે રૂપિયો ૨૦ પૈસા તૂટી ૭૮.૫૭ની સૌથી નીચી સપાટીએ હતો પણ હવે તેમાં ફરી ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે ૭૮.૮૧ની નવી નીચી સપાટીએ પટકાયો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં ડોલર સામે રૂપિયો છ ટકા જેટલો ઘટ્યો છે. 

ભારતીય વેપાર ખાધ - ઊંચી આયાત સામે ઓછી નિકાસ - વિક્રમી સ્તરે છે તેની અસર પણ રૂપિયા ઉપર ત્રણ મહિનાથી જોવા મળી રહી છે 

રૂપિયો જેમ નબળો પડે તેમ આયાત મોંઘી થાય છે અને તેના કારણે ભારત ઉપર આયાતી ફુગાવાની શક્યતા પણ વધી છે..ભારત ક્રૂડ ઓઇલ, કોપર, ખાદ્યતેલ જેવી ચીજોની આયાત કરે છે. 

અમેરિકન ડોલર ઇન્ડેક્સ (જે ડોલરનું વિશ્વના છ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરે છે) આજે મક્કમ ૧૦૩.૯૬ની સપાટીએ છે.

યુરોપ અને અમેરિકામાં જે રીતે મોંઘવારી વધી રહી છે તેનાથી વ્યાજના દર વધી રહ્યા છે. ઊંચા વ્યાજ દરથી મંદી આવશે એવી ચિંતામાં રોકડ તરફ ઝોક વધી રહ્યો હોવાથી ડોલર મજબૂત છે. જો અર્થતંત્રનો વિકાસ ચાલુ રહેશે, ફુગાવો ઘટશે અને વ્યાજ નહિ વધે એવા સંકેત મળે તો ડોલર નરમ પડશે એવું વિશ્લેષકો જણાવી રહ્યા છે.

વધુ વાંચો: ડોલર સામે રૂપિયો 78.57ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ